Rajkot Famous Chapdi - Undhiyu Recipe
  • Home
  • Food & Travel
  • સૌરાષ્ટ્રનું મસાલેદાર ચાપડી-ઉંધિયું બનાવો ઘરે, આંગળા ચાટતા રહી જશો

સૌરાષ્ટ્રનું મસાલેદાર ચાપડી-ઉંધિયું બનાવો ઘરે, આંગળા ચાટતા રહી જશો

 | 11:32 am IST

શિયાળાની મોસમ જામે અને સૌરાષ્ટ્રનું પ્રખ્યાત ચાપડી ઉંધિયું ખાવા માટે જીભ લબલબના થાય તેવું બને જ નહીં. ખાસ કરીને રાજકોટવાસીઓની તો ચાપડી ઊંધિયા વગર શિયાળાની મજા જ જાણે અધૂરી…તો આવો અમે આજે અમારા વાચકો માટે ખાસ ચાપડી ઊંધિયું ઘરે જ એકદમ મસાલેદાર કંઇ રીતે બનાવી શકાય તેની રેસિપી લઇને આવ્યા છીએ. તો નોંધી લો ઝટપટ રેસિપી…

સામગ્રી- ચાપડી માટે-
– 1/2 કપ ભાખરીનો લોટ
– 1 ટેબલસ્પૂન તલ
– 1 ટીસ્પૂન જીરૂં
– 3/4 કપ તેલ મોણ માટે
– મીઠું સ્વાદાનુસાર
– તેલ તળવા માટે

ઉંધિયા માટે-
-2 મીડિયમ સાઇઝના રીંગણ
-2 મીડિયમ સાઇઝના બટાટા
– 1 કપ કોબી સમારેલી
– 1 કપ લીલા વટાણા
– 4 મધ્યમ કદના ટામેટાં
– 4 નંગ ડુંગળી સમારેલી
– 2 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
– 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
– 1 ચપટી હિંગ
– 1 ટેબલસ્પૂન ધાણા પાવડર
– 1 ટેબલસ્પૂન જીરૂં પાવડર
– 1 ટીસ્પૂન હળદર
– 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
– 4 ટેબલસ્પૂન તેલ
– 1/2 કપ કોથમીર સમારેલી
– મીઠું સ્વાદાનુસાર

ચાપડી બનાવાની રીત
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચાપડી માટેની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને કઠણ ભાખરી માટેની કણક તૈયાર કરો. હવે તેને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ તેમાંથી નાના-નાના લુઆ કરીને જાડી ભાખરી વણી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં આ ચાપડીને ધીમા તાપે કડક થાય એમ તળો. બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગની થવી જોઈએ.

ઉંધિયું બનાવાની રીત
ઉંધિયા માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદું-લસણની પેસ્ટ, હળદર અને હિંગ ઉમેરીને સાંતળો. થોડીક સેકન્ડ સાંતળ્યા બાદ ટામેટાં સિવાયના બધા જ શાક અને અડધો કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરો. 10 થી 15 મિનિટ માટે ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. હવે ટામેટાં ઉમેરો. પાંચ મિનિટ ચઢવા દો. ત્યાર બાદ તેમાં ધાણાજીરૂં, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરો. બે કપ પાણી ઉમેરીને ફરીથી ચઢવા દો. બધા જ શાકભાજી બરાબર ચઢી જાય અને રસાની ઉપર તેલ તરવા લાગે ત્યાં સુધી ચઢવા દો. છેલ્લે ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરી લો.

હવે ગરમા-ગરમ ઉંધિયાંને ચાપડી અને છાશ સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન