Rajkot Gondal 4 inches of rain in Gujarat, 2 inches of rain in Songadh and Ahwa in last 24 hours
  • Home
  • Featured
  • છેલ્લા 24 કલાકમાં રાજકોટના ગોંડલમાં આભ ફાટ્યું, 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, જાણો કયા કેટલો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના ગોંડલમાં આભ ફાટ્યું, 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, જાણો કયા કેટલો વરસાદ

 | 10:04 am IST

હવામાન વિભાગની આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠા, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ સહિત અનેક વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો આવતા ગોંડલમાં ધોધમાર 4 ઈંચ, માણાવદરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ, ભેંસાણ, તાલાલા, જેતપુર, જામકંડોરણા, ધારી, કેશોદમાં અર્ધાથી પોણો ઈંચ વરસાદ પડયો હતો.

રાજકોટ જિલ્લાના સાત તાલુકામાં આજે સામાન્યથી માંડીને ચાર ઈંચ જેવો વરસાદ પડી જતા ઠંડક પ્રસરી છે. જિલ્લાના સાત તાલુકા પૈકી ગોંડલમાં 100 મીમી યાને કે 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે જામકંડોરણામાં પોણો ઈંચ, જેતપુર અને લોધિકામાં અર્ધો ઈંચ, રાજકોટ સિટીના અમુક વિસ્તારોમાં ઝાપટા પડયાં હતા. તેમજ પડધરીમાં 1 મીમી વરસાદ પડી ગયો છે. ગોંડલમાં આજના 100 મીમી સહિત સિઝનનો કુલ વરસાદ 415 મીમી નોંધાયો છે.

ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા માત્ર 30 મિનિટમાં ચાર ઈંચ તોફાની વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે કોલેજ ચોક, ગુંદાળા દરવાજા, સેન્ટ્રલ સિનેમા ચોક, કૈલાશબાગ રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કાશી વિશ્વનાથ રોડ પર રાતા નાલા નીચે માથાડૂબ પાણી ભરાતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. જયારે ઉમવાડા રોડ પર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વરસાદના જોરથી હાઈ-વે પર વાહનો થંભાવી દેવા પડયા હતા. દેરડી, મોવિયા, વિંજીવડ, હડમતાળા જીઆઈડી.સી તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં 4 ઈંચ નોંધાયો હતો. સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતાં માત્ર અડધા કલાકમાં ચાર ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો. તાપીના સોનગઢમાં બે ઈંચ, ડાંગના આહવામાં2 ઈંચ તાપીના કુકરમુંડામાં દોઢ ઈંચ તેમજ જૂનાગઢના માણાવદર અને વલસાડના વાપીમાં એક એક ઈંચ વરસાદ પડ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા, સૌથી વધુ માણાવદર પંથકમાં દોઢ ઈંચ વરસાદથી પાણી ફ્રી વળ્યા હતાં તો વંથલી અને કેશોદમાં પોણો ઈંચ વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. આ સિવાય જિલ્લામાં ભેંસાણ અને જૂનાગઢ શહેરમાં બપોરે અડધો ઈંચ જેટલો વરસાદ પડતા રોડ ઉપર પાણી ફ્રી વળતા ઠંડક પ્રસરી હતી. અમરેલી જિલ્લામાં ધારીમાં અડધો ઈંચ અને રાજુલામાં વરસાદનું જોરદાર ઝાપટું પડયું હતું. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ધીમીધારે 20 મીમી વરસાદ વરસ્યો હતો. પંથકના 20થી 25 ગામોમાં વરસાદ પડયો હતો.

જુઓ આ પણ વીડિયો: અમદાવાદ -સગીરા સાથે દુષ્કર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન