Rajkot In Big statement by Amit Chavda and Arjun Modhwadia on Pal Ambalia issue
  • Home
  • Corona live
  • ‘ગાંધીનગરથી CMના ઈશારે કામ કરવાનું બંધ કરો, આ સરકાર કાયમી રહેવાની નથી’, અધિકારીઓની દાદાગીરી..

‘ગાંધીનગરથી CMના ઈશારે કામ કરવાનું બંધ કરો, આ સરકાર કાયમી રહેવાની નથી’, અધિકારીઓની દાદાગીરી..

 | 2:24 pm IST

કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની ધરપકડ બાદ તેમને પોલીસ દ્વારા ઢોર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ ગાંધીનગરના ઈશારે પોલીસ કામ કરી રહી છે. કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખને પોલીસે કસ્ટડી દરમિયાન ઢોર માર મરાયો છે. પાલ આંબલિયાએ પણ ઢોર માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવ્યું કે, બુધવારે પાલ આંબલિયાની ધરપકડ કરાઈ હતી. આ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ એક એક કરીને તેમના વ્હારે આવી રહ્યા છે અને સરકાર પર મોટા આક્ષેપ લગાવી રહ્યા છે.

કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયા મુદ્દે અમિત ચાવડાએ એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, પાલ આંબલિયાની પોલીસ દ્વારા ફરીથી તેમની ધરપકડ કરાઈ છે. પાલ આંબલિયા જ નહીં, અન્ય ખેડૂત આગેવાનને પણ માર મારવામાં આવ્યો છે. આ બધું ગાંધીનગરમાં બેસેલી સરકારના ઈશારે થઈ રહ્યું છે અને સરકારના ઈશારે જ પાલ આંબલિયાને માર મારવામાં આવ્યો છે. પરંતુ તેમણે પોલીસ તંત્રને આડે હાથ લેતા જણાવ્યું કે, સરકારના ઈશારે કામ કરવાનું બંધ કરો. આ સરકાર કાયમી રહેવાની નથી. મુખ્યમંત્રીના ઈશારે ઢોર માર મારવામાં આવ્યો છે, શું તે યોગ્ય છે? જે કોઈ પોલીસકર્મી આ ઘટનામાં સંકળાયેલો હશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અમિત ચાવડાએ રાજકોટના મામલતદારને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, પાલ આંબલિયા અને અન્ય ખેડૂત અગ્રણીઓ સાથે પોલીસ જે વ્યવહાર કરી રહી હતી ત્યારે ખુદ મામલતદાર હાજર હતા. તેમ છતાં પાલ આંબલિયાને હોસ્પિટલ મોકલ્યા નહોતા. પણ કંઈ વાંધો નહીં. આ ઘટનાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેવાય તો અમે સીધા કોર્ટમાં જઈશું.

એટલું જ નહીં, પાલ આંબલિયા મુદ્દે અર્જૂન મોઢવાડિયાનું પણ એક નિવેદન સામે આવી રહ્યું છે. પાલ આંબલિયા મુદ્દે અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું કે, અધિકારીઓની દાદાગીરીને લીધે પાલ આંબલિયા ઈજાગ્રસ્ત બન્યા છે. અધિકારીઓ પર પગલા લેવા મોઢવાડિયાએ કડક શબ્દોમાં માંગણી કરી છે. પાલ આંબલિયાના મુદ્દે અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર લોકડાઉન દરમ્યાન આમ જનતાને માર મરાયો અને હવે આગેવાનોનો વારો? આ સરકાર પોતાની મનમાની ચલાવી રહી છે. પરંતુ અમે સાંખી નહીં લઈએ. પાલ આંબલિયા એક સામાજિક કાર્યકર છે અને ખેડૂતના નેતા છે. અધિકારીઓની તાનાશાહી સામે 307ની કલમ હેઠળ ગુન્હો દાખલ કરવાની માંગ કરી છે.

શું છે સમગ્ર ઘટનાક્રમ?

ગુજરાતમાં ડુંગળી-કપાસ-એરંડાના ભાવો સાવ તળીયે બેસી જતા, ખેડૂતોને લાખો-કરોડોની ખોટ જતા અને કેન્દ્ર અને ગુજરાત સરકારે પોષણક્ષમ ભાવો નહિ જાળવતા કે ખરીદી નહિ કરતા તેના વિરોધમાં બુધવારે ગુજરાત કોંગ્રેસના આગેવાનો પાલ આંબલીયા અને અન્ય બે ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. આ ત્રણેય જણાંએ કલેકટર કચેરીએ ડુંગળી-એરંડા અને કપાસ ભરેલા કોથળા સાથે દોડી આવ્યા હતા, અને કોરોનાની ભયાનક બીમારી હોય, આ ત્રણેય જણાંએ પીએમ કેર ફંડમાં આપવા આવ્યાનું અને કલેકટરને આ ત્રણેય વસ્તુ આપવા આવ્યાનું નિવેદન આપતા જ મોટું ટોળું એકઠું થઇ ગયું હતું.

પોલીસ બંદોબસ્તમાં રહેલ પોલીસ પણ તેમની પાસે દોડી ગઈ હતી, પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, આ ત્રણેય વસ્તુના ભાવો સાવ તળીયે બેસી ગયા છે, કપાસ-એરંડાના ભાવો 50 ટકાથી નીચે ઉતરી ગયા છે, હું વડાપ્રધાન રાહત ફંડમાં આ વસ્તુ આપવા આવ્યો છું, ડુંગળીના ભાવો એટલા ઘટી ગયા છે કે, ખેડૂત પાયમાલ થઇ ગયો છે, લાખો-કરોડોની ખોટ ગઇ છે, છતાં સરકારની આંખ ઉઘડતી નથી, અને પોષણક્ષમ ભાવો અંગે કોઇ જાહેરાત કરતી નથી, પોલીસ મારી અટકાયત ન કરે, આમાં કોઇ ગુન્હો બનતો નથી.

પાલ આંબલીયા અને અન્ય બે ખેડૂતો ચેનલો અને મીડીયાના પ્રતિનિધીઓ સાથે કલેકટર કચેરીના પટાંગણમાં વાત કરી રહ્યા હતા, ત્યાં રાજકોટની પ્રધ્યુમનનગર પોલીસની જીપ દોડી આવી હતી અને ત્રણેય ખેડૂત પાસેથી વસ્તુઓ ભરેલા કોથળા જપ્ત કરી પાલ આંબલીયા અને અન્ય બે ખેડૂતોની અટકાયત કરી લીધી હતી. અટકાયત સમયે પણ પાલ આંબલીયાએ વિરોધ વ્યકત કર્યો પરંતુ પોલીસે તેને જીપમાં બેસાડી દીધા હતા, પોલીસ માત્ર 10 મિનિટમાં આવી જતા વિરોધ કરવા આવનાર આગેવાનો કલેકટરની ચેમ્બર સુધી જઇ શકયા ન હતા, પણ 15 મિનિટ સુધી કલેકટર કચેરીમાં ભારે હંગામો-ટોળા એકઠા થયા હતા.

આ પણ જુઓ વીડિયો: આજથી આગામી બે દિવસ હિટવેવની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન