Rajkot In Heavy To Heavy Rain Of 26 inches of rain in 30 hours
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકોટમાં 30 કલાકમાં દે ધનાધન 26 ઈંચ વરસાદ: અનરાધાર ઝંઝાવાતી વરસાદનું રૌદ્ર સ્વરૂપ, જાણો સમગ્ર પરિસ્થિતિ

રાજકોટમાં 30 કલાકમાં દે ધનાધન 26 ઈંચ વરસાદ: અનરાધાર ઝંઝાવાતી વરસાદનું રૌદ્ર સ્વરૂપ, જાણો સમગ્ર પરિસ્થિતિ

 | 8:25 am IST
  • Share

અનરાધાર ઝંઝાવાતી વરસાદથી ન્યારી-૧ ઓવરફ્લો- આજી, ભાદરમાં ૩૦૦ દિવસ ચાલે એટલુ પાણી વરસ્યું

આજે શાળાઓ, કોલેજો બંધ: બી.આર.ટી.એસ.રૂટ, નાનામવા સર્કલમાં પાણી ભરાયા: સોરઠીયાવાડી ચોક પાણી-પાણી: લલુડીવોંકળી છલકાતા લોકોના ઘરમા પાણી ઘૂસ્યાં , હાથીખાના, કેવડાવાડી, પંચાયત ચોક, જંગલેશ્વર, થોરાળામાં પાણી ભરાયા :૧૨૦૦નું સ્થળાંતર

રાજકોટઃ અષાઢ માસમાં તરસાવ્યા બાદ મેધરાજાએ ચાલુ વર્ષે અષાઢમાં રાજકોટ ઉપર વ્હાલ વરસાવ્યું હોય તેમ ૩૦ કલાકમાં ૨૫ાા ઈંચ વરસાદ વરસાવી દેતા શહેરમાં જળબંબાકાર થઈ ગયો હતો. ૨૦૧૨ની સાલમાં સપ્ટેમ્બર માસમાં જ મેધરાજાએ ધમાકેદાર ઈનિંગ ખેલીને ૨૪ કલાકમાં ૨૫ઈંચ વરસાદ વરસાવ્યો હતો. તેવી રીતે ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં મેઘરાજાએ સંગીન ઈનિંગ ખેલીને રાજકોટનું જળસંકટ પણ હળવું કરી નાખ્યું હતું.

રાજકોટમાં ગઈ કાલે આખો દિવસમાં ૨ાા ઈંચ વરસાદ વરસાવ્યા બાદ મોડી રાતથી રમઝટ બોલાવી હતી. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે રાતે વરસાદે દે ધનાધન કરી લેતા રાતે સુતેલા રાજકોટવાસીઓ સવારે ઉઠયા ત્યારે ચોમેર પાણી પાણી થઈ ગયું હતું. સવારે ૭થી સાંજે ૮ સુધીમાં ૨૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. તે અગાઉ ૩ાા ઈંચ જેવો વરસાદ રવિવારની મધરાત બાદ વરસી ગયો હતો.

વરસાદને કારણે ચોમેર પાણી ભરાયા હતા.નાનામવા સર્કલ, ઈન્દીરા સર્કલ, રૈયા રોડ, સોરઠીયાવાડી ચોક, કેવડાવાડીમાં પાણીભરાયા હતા. લલુડી વોંકળી છલકાતા લોકોના ઘરમા ંપાણી ઘુસી જતા મનપાની ટીમોએ રેસ્કયુ માટે દોડવું પડયું હતું. લલુડી વોંકળી ઉપરાંત થોરાળા,ભવાનીનગરમાં પણ રેસ્ક્યુ કરવું પડયું હતું. આ વિસ્તારમાંથી ૧૨૦૦ લોકોનું સ્થળાંતર કરીને આસપાસની સરકારી શાળા તેમજ કોમ્યુનિટી હોલમાં ઉતારો આપીને ફુડ પેકેટ વિતરણ કરાયું હતું.

કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આજે શહેરમા ંપાણી ભરાયાની જયાં જયાંથી ફરિયાદો મળી હતી ત્યાં અમે ટીમો મોકલીને પાણી નિકાલ માટે વ્યવસ્થા કરાવી હતી. રાતે વરસાદ રહી ગયા બાદ ૧૫ ટીમોને સ્ટેન્ડ બાય પણ રાખવામા આવી હતી. મવડી, રૈયા રોડ, નાના મવા સર્કલ ખાતેથી પાણી ભરાયાની ફરિયાદો મળી હતી. આ ઉપરાંત સોરઠીયાવાડી ચોક, કેવડાવાડી, ભગવતીપરા. હરિધવા માર્ગ વિગેરે ખાતેથી પણ પાણી ભરાયાની મનપાને ફરિયાદો મળી હતી.

હાથીખાના અને ચૂનારાવાડમા મકાન પડી ગયું

રાજકોટમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે હાથીખાનામા એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જો કે, સદ્દભાગ્યે મકાન પડતા સમયે કોઈને ઈજા થઈ ન હતી. મકાન પડયાની જાણ થતા મનપાની ટીમો દોડી ગઈ હતી. હાથીખાના ઉપરાંત ચૂનારાવાડમાં પણ જર્જરિત મકાન પડી ગયું હોવાનું મનપાના સુત્રોએ જણાવ્યું હતું.

આજી નદીમા ઘોડાપુર આવ્યું

રાજકોટ: આજી નદીમા આજે ઘોડાપુર આવતા લોકો જોવા માટે ઉમટયા હતા. રામનાથનાઘાટ તેમજ કેસરે હિન્દ પુલ પાસે ટોળા જામ્યા હતા. આજી નદીમાં ચાલુ વર્ષે આવું પ્રથમ જોરદાર પુર આવ્યાનું લોકો જણાવી રહ્યા છે.

રામનાથ પાસેનો બેઠો પૂલ બંધ કરાયો

રાજકોટ: આજીમાં આવેલા જોરદાર પુરને કારણે રામનાથ મહાદેવ પાસે આવેલા આજીના બેઠા પુલ ઉપરથી અવર-જવર ભયજનક થતા મનપાએ તાકિદથી પૂલને બંધ કરીને પરિવહન બંધ કરાવ્યું હતું.

પાણીમાં ફસાયેલા ૩૩૪ લોકોનું રેસ્ક્યૂ કરાયું

રાજકોટ: મનપાની ફાયરબ્રિગેડ શાખા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ મળીને શહેરમાં અલગ અલગ સ્થળે બચાવ રાહતની કામગીરી હાથધરીને પાણીમા ફસાયેલા ૩૩૪ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડયા હતા. ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્યું હતું કે, અમે લલુડી વોકળી ખાતેથી ૨૪ લોકોને બચાવ્યા હતા. આ રેસ્ક્યુ માટે દોરડા બાંધીને સારી એવીમહેનત કરવી પડી હતી કારણ કે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો. સ્થાનિક નગરસેવક નિલેશ જળુએ પણ બચાવ રાહતની કામગીરી માટે લોકોને સમજાવવા માટે જહેમત ઉઠાવી હતી.

મહિલા કોલેજ અને રેલનગર અંડરબ્રીજ બન્યા સ્વીમીંગપૂલ, બંધ કરાયા

રાજકોટ:શહેરના મહિલા કોલેજ ચોકનો અંડરબ્રીજ અને રેલનગરનો અંડરબ્રીજ ભારે વરસાદને કારણે સ્વીમીંગપૂલમા ફેરવાઈ જતા તેને બંધ કરવાની નોબત વાગી હતી. બંને અંડરબ્રીજમાં ડિ વોટરીંગ પમ્પ ચાલુ કરાયા હતા છતા પાણી ઉલેચવામા સફળતા મળી ન હતી. મનપાએ વધારે પાણી ભરાતા બંને અંડરબ્રીજ બંધ કર્યા હતા, મહિલા કોલેજ બ્રીજ ફરીથી ચાલુ થાય તે માટે વધારાની ટીમો પણ દોડાવાઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો