Rajkot: Man Lost 75 Lakhs rs on online Poker Game
  • Home
  • Featured
  • રાત્રે પત્ની અને બાળકો સાથે નવરાત્રિ રમી ઘરે આવ્યો, સવારે કર્યો આપઘાત, આ છે ચોંકાવનારું કારણ

રાત્રે પત્ની અને બાળકો સાથે નવરાત્રિ રમી ઘરે આવ્યો, સવારે કર્યો આપઘાત, આ છે ચોંકાવનારું કારણ

 | 8:54 am IST

રાજકોટના નાનામવા રોડ સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક ધ કોર્ટ યાર્ડ બિલ્ડીંગ બી/૩૦૪માં રહેતાં કૃણાલ હરીશભાઈ મહેતા (ઉ.વ.39)એ બે દિવસ પહેલાં પોતાના ફલેટના ગ્રાઉન્ડમાં આવેલાં કુવામાં આપઘાત કરી લીધો હતો. યુવાન પાસેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ઓનલાઈન પોકર ગેમમાં 75 લાખ રૂપિયા હારી જતાં આત્મઘાતી પગલું ભરું છું.

ખાનગી કંપનીમાં નોકરી કરતો કૃણાલ બુધવારે પત્ની, બે બાળકો સાથે નવરાત્રી રમવા ગયો હતો. રાત્રે પરિવાર સાથે ઘરે આવ્યા બાદ સવારે વ્હેલો ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ રાબેતા મુજબ વોકિંગમાં કે નાસ્તો લેવા ગયા હશેનું માન્યુ હતું. દરમિયાનમાં સવારે નવેક વાગ્યા બાદ કૃણાલની તેના ફ્લેટ નીચે જ આવેલા કુવામાંથી લાશ મળી હતી. જે તે સમયે તાલુકા પોલીસ તપાસ કરી હતી. પરંતુ પરિવારજનોએ કોઈ કારણ હોવાનું કે તેઓ કશું જાણતા ન હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

દરમિયાનમાં કૃણાલનું ઘરમાં પડેલું પર્સ ચેક કરતાં પરિવારજનોને એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેના પરથી યુવકે આપઘાત કર્યાનું સ્પષ્ટ થયું છે. પી.આઈ. વી.એસ. વણઝારાના જણાવ્યા મુજબ યુવકે સ્યુસાઈડ નોટમાં ઓનલાઈન પોકર ગેમમાં ૭૫ લાખ હારી ગયો છું, મે ભાઈબંધો, દોસ્તોના ડેબિટ, ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કર્યો છે. મારા ફ્રેન્ડસને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે મારા માતા-પિતા પરિવારને હેરાન કરશો નહીં. સહિતના શબ્દો ઉલ્લેખાયેલા છે.

યુવક ઓનલાઈન જુગારમાં ૭૫ લાખ ગુમાવતા જીંદગી ટુંકાવી નાખ્યાની ઘટનામાં સ્યુસાઈડ નોટમાં એવા કોઈ નામ નથી કે ઉઘરાણીના ત્રાસને લઈને આપઘાત કર્યો છે. પોલીસ યુવકે કયાં ક્યાં મિત્રો, પરિચિતોના ડેબિટ, ક્રેડીટ કાર્ડના ઉપયોગ કર્યા હતા તે ઓનલાઈન ટ્રાન્ઝક્શન ચકાસવા માટે બેંકમાંથી ડિટેઈલ મેળવાશે. જેના કાર્ડ યુઝ થયા છે તેઓને જુગાર વિશે ખ્યાલ હતો કે કેમ ? ઓનલાઈન ગેમ આઈ.ડી. તેમજ કંઈ આઈ.ડી.માં રમતો હતો. કોની સાથે રમતો હતો ? કોને રકમ ચૂકવી હતી સહિતની બાબતોની વિગતો મેળવવા પોલીસ સાઈબર સેલની પણ મદદ લેશે.

જુગારમાં પણ ડિઝિટલાઈઝેશન

અત્યાર સુધી મકાનો, ફાર્મ, વાડીઓ કે આવા સ્થળોએ ક્લબો કે જુગાર અડ્ડાઓનું દુષણ હતું અને બંધ થયું છે એવું પણ માનવાને કોઈ કારણ નથી પરંતુ હવે જુગારમાં પણ ડિઝીટલાઈઝેશનનો યુગ આવી ગયો છે. ઓન લાઈન જુગારનું દુષણ વધી રહ્યું છે. ઓન લાઈન જુગાર આઈ.ડી. બનાવી અથવા તો અન્યની આઈ.ડી.માં રમવા કે રમાડવામાં આવે છે. ઓનલાઈન જુગારમાં ડાયરેક્ટ પોલીસના હાથે પકડાઈ જવાના ચાન્સ ઓછા રહે છે. ઓનલાઈન જુગાર ગમે ત્યા એકાંતમાં બેસીને પણ રમી શકાય. સ્થળ પર જવું ન પડે. જુગાર શોખીનો કે જલ્દી ધનાઢય થવાની લાલસામાં ઓન લાઈન જુગારના વધતા દુષણને ડામવુ પોલીસ માટે પણ વધુ મુશ્કેલ બની રહે છે.

આ વીડિયો પણ જુઓઃ

સુરત,રાજકોટ સહિતના શહેરો ખાતેના LIVE ગરબાની રમઝટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન