રાજકોટમાં યુવકની હત્યા મામલો, આજે શહેરમાં કોલેજ બંધનું એલાન - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં યુવકની હત્યા મામલો, આજે શહેરમાં કોલેજ બંધનું એલાન

રાજકોટમાં યુવકની હત્યા મામલો, આજે શહેરમાં કોલેજ બંધનું એલાન

 | 9:17 am IST

રાજકોટ શહેરમાં લુખ્ખાઓ, ગાઠીયા દાદાઓ પોલીસની કડકાઈનું સમયાંતરે નાક વાઢતા રહે છે. પોલીસનો કોઈ કાબુ જ ન રહ્યો હોય કે ખૌફ ન હોય એ રીતે નજીવી બાબતોમાં પણ સરાજાહેર મારામારી, હુમલાઓ સાવ સામાન્ય બની ગયા છે. આવી જ ઘટના શુક્રવારે સાંજે બજરંગવાડી નજીક પુનીતનગર મેઈન રોડ પર બની હતી. જેમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ.ના શહેર મંત્રી જયરાજસિંહ ભુપતસિંહ જાડેજા ઉ.વ.૧૯ નામના યુવકની ટુ વ્હીલર અથડાવાની સાવ સામાન્ય વાતમાં નામચી અજયસિંહ વાળાએ છરીનો એક જ ઘા ઝીંકીને હત્યા નિપજાવી મૃતક જયરાજસિંહના ભાઈ ઋતુરાજસિંહ ઉ.વ.૨૪ની પણ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યાની ઘટના ગાંધીગ્રામ પોલીસમથકે નોંધાઈ છે. છાત્ર યુવા નેતાની હત્યા થતાં એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં કથડેલી કાયદો વ્યવસ્થાના વિરોધમાં આવતીકાલે શહેરની કોલેજો બંધનું એલાન કર્યું છે.

પોલીસના સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ પુનીતનગરમાં રહેતાં ભાતેલ ગામના વતની જયરાજસિંહ બપોરના સમયે એક્ટીવા પર પિતાનું ટિફીન આપવા જઈ હ્યા હતા ઘરથી થોડે દુર જ પુનીતનગર મેઈનરોડ પર અજયસિંહ વાળા નામના અગાઉ પોલીસના ચોપડે ચડી ચૂકેલા નામીચા લૂખ્ખા સાથે વાહન અથડાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે સારી એવી રકઝક ચાલી રહી હતી. જયરાજસિંહનો ભાઈ ઋતુરાજસિંહ પણ મિત્ર સમર્થસિંહ ઝાલા સાથે પહોંચ્યો હતો. લૂખ્ખા અજયસિંહે છરી કાઢીને જયરાજસિંહના છાતીના ડાબા પડખામાં એક જ ઘા ઝીંકી દેતાં જયરાજસિંહ બનાવ સ્થળે જ લોહીયાણ હાલતમાં ઢળી પડયા હતા.ઋતુરાજસિંહ પર પણ છરી વડે હુમલો કરી જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. સાથે રહેલા સમર્થસિંહ દરમિયાનગીરી કરતાં લૂખ્ખા અજયસિંહની સાથે રહેલા તેના સાગરીતે બેલુ ઉપાડી સમર્થસિંહ પર ઝીંકવાની કોશીષ કરી હતી. ઘટનાના પગલે ટોળા એકઠા થઈ જતાં બંને લુખ્ખાઓ નાસી છુટયા હતા. ગાંધીગ્રામ પોલીસ દોડી આવી હતી.

તક્ષશીલા કોલેજમાં અભ્યાસ કરતા ઈજાગ્રસ્ત ઋતુરાજસિંહે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પોતે બુલેટ પર મિત્ર સમર્થસિંહ સાથે ઘરેથી નીકળીને યાજ્ઞિાકરોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેમના માતાનો ફોન આવ્યો હતો કે જયરાજનું ટુવ્હીલર ખરાબ થઈ ગયુ છે અને પુનીતનગર મેઈનરોડ પર ઉભો છે ત્યાં બુલેટ આપી આવ. જેથી ઋતુરાજસિંહ મિત્ર સાથે ભાઈ પાસે પહોંચ્યા હતા. જ્યાં જયરાજસિંહને શું થયું એમ પુછતાં જ ઝગડો કરી રહેલા લુખ્ખા અજયસિંહે છરીનો ઘા ઋતુરાજસિંહને ઝીંકવા જતાં જયરાજસિંહ વચ્ચે પડયા અને છરી છાતીના ડાબા પડખે ઘુસી જતાં ત્યાં જ ઢળી પડયા હતા. ત્યારબાદ લુખ્ખાએ ઋતુરાજસિંહ પર પણ છરીનો ઘા ઝીંકવા જતાં ઋતુરાજસિંહે છરી હાથથી પકડી લીધી હતી. અજયસિંહ સાથે રહેલા સાગરીતે ઋતુરાજસિંહના મિત્ર સમર્થસિંહ પર પથ્થર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો.

હો-હા દેકારો થતાં લોકો એકઠા થઈ ગયા અને બંને હુમલાખોર નાસી છુટયા હતા. ઈજાગ્રસ્તને ખાનગી વાહનમાં સિવિલ હોસ્પિટલે લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. પી.આઈ. એચ.આર.ભાટુ, રાઈટર ભાનુભાઈ મિયાત્રાએ ફરિયાદના આધારે બંને લૂખ્ખાઓ સામે હત્યા, હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ સકંજામાં સપડાયા હોવાનું જાણવા મળે છે. હત્યાના વિરોધમાં કાલે કોલેજો બંધ સાથે પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર પણ અપાશે તેમજ ગુજરાતભરમાં એનએસયુઆઈ દ્વારા આવેદન આપી વિરોધ પ્રર્દિશત કરાશે.

નાનાભાઈએ ઘા આડો ઝીંલી લઈ મોટાભાઈનો જીવ બચાવ્યો
જયરાજસિંહ તથા કુખ્યાત અજયસિંહ બંને ઝગડી રહ્યા હતા ત્યારે ઋતુરાજસિંહ મિત્ર સાથે પહોંચ્યા હતા. બાઈક પરથી ઉતરીને શું ડખ્ખો છે તે પુછતાંની સાથે જ અજયસિંહે પોતાની પાસે રહેલી છરી કાઢીને સીધો ઋતુરાજસિંહ પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાઈ પર છરી વડે હુમલો થતાં જ જયરાજસિંહ વચ્ચે પડયો હતો અને છરીનો ઘા આડો ઝીંલી લેતા છાતીના નીચેના ભાગે છરી ઘુસી ગઈ હતી અને જીવ ગુમાવ્યો હતો.

યુવક તરફડીયા મારતો રહ્યો પણ લૂખ્ખાએ હોસ્પિટલ લઈ જવા ન દીધા
અતિ ખુન્નસે ભરાયેલા અજયસિંહે જાણે બંને ભાઈઓની હત્યા જ કરી નાખવી હોય એ રીતે જયરાજસિંહને છરીનો ઘા ઝીંકી દીધા બાદ જયરાજસિંહના ભાઈ ઋતુરાજસિંહને પણ છરી મારવા જતાં હાથમાં લાગી હતી. ત્યારબાદ ઋતુરાજસિંહ પાછળ છરી લઈને દોડયો હતો. લોહીયાણ હાલતમાં તરફડીયા મારી રહેલા જયરાજસિંહને ત્યાંથી ઉઠવા ન દેવા માટે લૂખ્ખો છરી લઈને ત્યાં જ ઉભો રહ્યો હતો.