Rajkot Police Caught Mother over Son Case
  • Home
  • Featured
  • પુત્રને મગજમાં ગાંઠ હતી, પીડા સહન થતાં રાજકોટમાં માતાએ શુભ મુહૂર્તમાં ગળેટૂંપો આપી દીધો

પુત્રને મગજમાં ગાંઠ હતી, પીડા સહન થતાં રાજકોટમાં માતાએ શુભ મુહૂર્તમાં ગળેટૂંપો આપી દીધો

 | 11:06 pm IST

રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. રાજકોટમાં એક માતાએ જ પોતાના સગા પુત્રની હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. શહેરનાં કુવાડવા રોડ પર આવેલ રણછોડવાડીમાં એક માતાએ તેનાં જ પુત્રને ગળાટૂંપો આપી હત્યા કરી નાખી છે. પહેલાં તો માતાએ પોલીસથી બચવા પુત્ર જમીન પર પડી જતાં મોત થયું હોવાનું બહાનું ધર્યું હતું. જો કે પોલીસ તપાસમાં માતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટનાં કુવાડવા રોડ પર આવેલ રણછોડવાડી શેરી નંબર 7માં રહેતા કિશોરભાઇ ડાંગરીયાનો 17 વર્ષનો પુત્ર પ્રિન્સ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાથી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસમાં મૃતક પ્રિન્સનાં માતા દક્ષાબેને ઘરમાં પડી જતાં તેનું મોત થયું હોવાનું નિવેદન નોંધાવ્યું હતું. જો કે પોલીસને શંકા જતાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સનું મોત પડી જવાથી નહીં પરંતુ ગળાટૂંપો આપવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે પોલીસે મૃતકની માતા દક્ષાબેનની ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપી દક્ષાબેન વટાણાં વેરી દીધા હતા અને પુત્રને ગળાટૂંપો આપી હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. હાલ પોલીસે મૃતકનાં પિતા કિશોર ડાંગરીયાની ફરીયાદ નોંધી નિષ્ઠુર માતા દક્ષા ડાંગરીયાની ધરપકડ કરી હતી.

પોલીસનાં કહેવા મુજબ, મૃતક પ્રિન્સને જન્મથી જ મગજમાં ગાંઠ હતી. જે પોતે સહન કરી શકતો ન હતો. તબીબી સારવાર ચાલું હતી, પરંતુ ગાંઠનું બે વખત ઓપરેશન કરાવવા છતાં પીડા થતી હોવાથી અવારનવાર માતા પાસે મોત માંગતો હતો. શનિવારે શુભ મૂર્હુતમાં સવારે 9 વાગીને 39 મિનિટે માતા દક્ષાબેને સિલાઇ મશીન સાથે ચૂંદડી બાંધી પુત્રનાં ગળામાં ટૂંપો નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ વીડિયો પણ જુઓઃ રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારીનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન