રાજકોટના પારેવાડા ગામે ત્રણ બાળલગ્ન અટકાવાયા, ૧પ દિવસમાં ૧૪ ઘટના - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટના પારેવાડા ગામે ત્રણ બાળલગ્ન અટકાવાયા, ૧પ દિવસમાં ૧૪ ઘટના

રાજકોટના પારેવાડા ગામે ત્રણ બાળલગ્ન અટકાવાયા, ૧પ દિવસમાં ૧૪ ઘટના

 | 8:48 am IST

રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તેની બીજી બાજુ રાજકોટ જિલ્લાના ગામડામાં ર૧મી સદીમાં પણ સામાજિક દુષણની ભરમાર જોવા મળે છે. જેની નાબૂદી માટે જનજાગૃતિ ફેલાવવી જરૃરી નહીં પરંતુ અનિવાર્ય બની ગઈ છે. રાજકોટના કુવાડવા નજીક પારેવાડા ગામે ગુરુવારે વધુ ત્રણ બાળલગ્ન થતા અટકાવવામાં આવ્યા હતા. ૧પ દિવસમાં બાળલગ્નની ૧૪ ઘટના સામે આવી હતી.

કુવાડવા નજીક પારેવાડા ગામે બાળલગ્ન નિર્ધારવામાં આવ્યા હોવાની ટેલિફોનિક માહિતીને આધારે સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ગોહિલ તેમજ અજયભાઈ સહિતનો સ્ટાફ સવારના સુમારે પારેવાડા ગામે ધસી ગયો હતો. જ્યાં કોળી પરિવારના ૧૯ વર્ષના વરરાજા સાથે ર૧ વર્ષની કન્યાના લગ્ન થતા પહેલા અટકાવવામાં આવ્યા હતા. બાળલગ્ન સબબ સરકારી અધિકારીઓ આવી પહોંચ્યાની જાણ થતાં જ પરિવાર દ્વારા બાળ વરરાજાની જગ્યાએ પુખ્ત વયના યુવાનને વરરાજા તરીકે બેસાડી દીધો હતો. જો કે તપાસ દરમિયાન આ પોલ ખૂલી ગઈ હતી.

જ્યારે આ જ ગામમાં આવતીકાલ તા. ૧૭મીના રોજ અન્ય એક કોળી પરિવારના રર વર્ષના પુત્રની ભાવિ પત્નીની ઉંમર ૧૭ વર્ષ તેમજ બાવાજી પરિવારની ૧૭ વર્ષની પુત્રીના લગ્ન થવાના હોવાનું સામે આવતા આ બન્ને લગ્ન પણ અટકાવવામાં આવ્યા હતા. લગ્ન માટે અપરિપક્વ વયના એક વરરાજા તેમજ બન્ને કન્યાઓનો કબજો મેળવી રાજકોટ સમાજ સુરક્ષા વિભાગની કચેરી ખાતે લાવી આગળની કાર્યવાહી કરાઈ હતી.

શા માટે બાળલગ્ન કરાવવા ઉતાવળ ?
બાળલગ્નની અનેક ઘટનાઓ વારંવાર સામે આવે છે ત્યારે જાગૃત દૈનિક તરીકે ‘સંદેશ’ દ્વારા તેના કારણના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરાતા મોટાભાગના કિસ્સામાં ગામડામાં છોકરીઓ પ્રેમી સાથે ઘરેથી ભાગી જવાની ભીતિ, કાચી-અણસમજૂ ઉંમરે પ્રેમમાં પડી જવાથી ઘરનું ડહોળાતું વાતાવરણ અને આ બધાને કારણે ગામમાં અને સમાજમાં આબરૃ જવાની ભીતિ લોકોને કોરી ખાય છે. આવી સમસ્યા જ ન ઉદ્ભવે તે માટે વડીલો કન્યાના લગ્ન નાની વયે જ કરાવી દેવા સંમત થઈ જતા હોવાનું જાણવા મળ્યું છે. આ અને અન્ય કારણો તપાસી સરકારી તંત્ર દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવે તો આ દૂષણ નાબૂદ કરી શકાય તેમ છે.