NIFTY 10,093.05 -48.10  |  SENSEX 32,273.96 +-126.55  |  USD 64.7400 +0.48
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • એક વિવાહ ઐસા ભી.. શિક્ષિત યુવતીઓએ ખેતી કરતો મુરતિયો, ગાયો, ગામડું પસંદ કર્યું

એક વિવાહ ઐસા ભી.. શિક્ષિત યુવતીઓએ ખેતી કરતો મુરતિયો, ગાયો, ગામડું પસંદ કર્યું

 | 10:50 am IST

આઝાદી પહેલાં અને પછી લગ્ન પ્રસંગોના કમ્મરતોડ ખર્ચાઓથી અનેક ખેડૂતોની જમીનો વેચાઇ ગઇ હતી. આજે લગ્ન દેખા-દેખી, ખોટા ખર્ચા અને પ્રદૂષણનો અખાડો બન્યા છે ત્યારે કિસાન, ગામડું અને સંસ્કૃતિને નવા રાહરૂપ સંપૂર્ણ વ્યસનમુક્ત, ફેશન મુક્ત, ભોજનમાં ઝેર મુક્ત અને સામાન્ય ખેડૂતને પોષાય એવા સ્વાવલંબી છતાં ધનપતિઓના લગ્નોને પણ ઝાંખા પાડે એવા સંસ્કાર-સાત્વીકતા સંપન્ન લગ્નનું જૂનાગઢ જિલ્લાના જામકા ગામે ર૧મી મેના રોજ રૂડું આયોજન થયું છે.

દેશને જળક્રાંતિ, ગીર ગાયક્રાંતિ, કાંકરેજ ગાય ક્રાંતિ અને ગાય આધારિત કૃષિ જેવી ક્રાંતિ આપનારા મનસુખભાઇ સુવાગીયાની પ્રેરણાથી જામકાના માજી સરપંચ પરસોતમભાઇ સીદપરાએ જાતે ખેતી, ગોપાલન કરતા એન્જિીનીયર પુત્રો ભાવીન અને કિશનના લગ્નનું અનોખું આયોજન કર્યું છે.


આજે યુવાઓને મોટે ભાગે ગામડામાં રહેવું નથી, ખેતી કરવી નથી અને ગામડામાં દીકરી દેવી નથી ત્યારે ગ્રેજયુએટ કન્યાઓ ચિ. શ્રધ્ધા અને ચિ. વંદના તથા તેના માતા – પિતાએ અનોખો વિચાર અપનાવીને સામેથી ખેતી કરતો મુરતિયો – કૃષિ, ગાયો અને ગામડું પસંદ કર્યું છે. આ ભણેલી કન્યાઓ કૃષિ કાર્યો અને ગોદહનમાં પારંગત છે. કન્યાઓ બ્યુટીપાર્લરના ખોટા ખર્ચા અને કૃત્રિમ ફેશનનો ત્યાગ કરીને ભારતીય પરંપરાના સોળે શણગાર સજશે.

સામાજિક દૂષણો દૂર કરવાના ધ્યેયથી આ પ્રસંમાં કોકાકોલા જેવા ઝેરી ઠંડા પીણા, ફટાકડા ભયાનક ડી.જે. સાઉન્ડ, પ્લાસ્ટીકનો પ્રતીબંધ રહેશે. નવ દંપતીને આરોગ્ય અને દિવ્યસંતાનના ધ્યેયથી જાતવાન ગાય અને સંસ્કાર વારસાના જતન રૂપે ૧૧ શાસ્ત્રો ચાર વેદ રામાયણ, ગીતા, ગોવેદ નીતિશાસ્ત્રો, આરોગ્ય શાસ્ત્રો અર્પણ થશે. પુરુષાર્થના પ્રતીક રૂપે હળ – વલોણું અને રાષ્ટ્ર તથા સંસ્કૃતિરક્ષા કાજે તલવાર ભેટ અપાશે. સમારંભના અધ્યક્ષ તરીકે જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઇ સુવાગીયા અને વૈદિક ભોજન પધ્ધતિ વિશે વૈદ ધર્મેન્દ્રભાઇ પટેલના પટેલના પ્રેરક પ્રવચનોનું આયોજન કરેલું છે.

લગ્નની અન્ય વિશેષતાઓ
લગ્નમાં જળક્રાંતિ ટ્રસ્ટ સાથે જોડાયેલા દેશભરનાં ૧૦૦૦ અગ્રણી ખેડૂતો, ગોપાલકો, સમાજ સેવકો, ઉદ્યોગ પતિઓ ઉપસ્થિત રહેશે.

સંપૂર્ણ વ્યસન મુકિતથી ઉજવાશે પ્રસંગ
આજે તમાકુ, માવા, ગુટખાના વ્યસનથી રોજ ૩૦૦૦ લોકો મોતને ભેંટે છે, યુવાઓમાં નપુંસકતાની માત્રા બેફામ વધી છે. વ્યસને ગુજરાતને અજગર ભરડો લીધો છે. શહેરોમાં નબીરાઓ લગ્નમાં દારૂ પીને છાકટા થાય છે ત્યારે આ લગ્ન સંપૂર્ણ વ્યસન મુક્તિથી ઉજવાશે.

ભોજનમાં કૃત્રિમ રસાયણોને જાકારો
ભોજનમાં રંગ, રસાયણ, એસેન્સલ, લીંબુના ફુલ, આજીનો મોટો અને મેંદા જેવા અનેક રોગોથી લઇ કેન્સર કરનારા પદાર્થોનો બહિષ્કાર કરાયો છે.

સ્વાવલંબી પ્રાકૃતિ ભોજન પીરસાશે
ગાયના છાણ, ગૌમુત્રથી પાકેલા ઘઉં, ચોખા, બાજરી, ચણા, તુવેર, મસાલા, મગ, અડદ તથા આગોતરા આયોજનથી આઠ પ્રકારના શાકભાજી તુરીયા, દુધી, ગલકા, કારેલા, ભીંડો, ગુવાર, મેથી, કોથમરીનું વાવેતર કરાયું છે જેનો ઉપયોગ લગ્નમાં કરાશે. ગાયના દુધની ખીર, લીલા પોકનું જાદરીયું, દુધીના મુઠીયા ઢોકળા, પરંપરાગત દેશી શાક, ગીરનારી ખીચડી, ભાત, રોટલા, રોટલી, પુરીનું સંપૂર્ણ સાત્વીક – સ્વાવલંબી ભોજન પીરસાશે. બહારથી માત્ર મીઠું, ખાંડ અને ચણાનો લોટ ત્રણ જ વસ્તુ ખરીદી છે.

વડાપ્રધાને સામાજિક અવસર ગણાવ્યો
આ અનોખા લગ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક અવસર, રચનાત્મક કાર્ય ગણાવી આવી પહેલ કરનાર પરિવારને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે લગ્ન પ્રસંગને સામાજિક અવસરમાં પલટી નાંખવાનું આ ઉમદા ઉદાહરણ છે. મૂલ્યનિષ્ઠ સમાજ ઘડતરની ભૂમિકામાં ગ્રામીણ સુધારએ પાયારૂપ આધારબિંદુ છે.