NIFTY 9,897.30 +103.15  |  SENSEX 31,770.89 +321.86  |  USD 64.1500 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટમાં યુવકે મહિલા પાસે કરી બિભત્સ માંગણી, ઇન્કાર કરતા સળગાવ્યું ઘર

રાજકોટમાં યુવકે મહિલા પાસે કરી બિભત્સ માંગણી, ઇન્કાર કરતા સળગાવ્યું ઘર

 | 12:54 pm IST

રાજકોટ શહેરમાં પોલીસની ધાક કે હાકલા પડકારા ફરી ભુતકાળ બની ગયા હોય એ રીતે લુખ્ખાઓ, ટપોરીઓએ માથું ઉંચક્યું છે. નહીં જેવી બાબતોએ તોડફોડ, આગજની કરતાં પણ ખચકાતા નથી. બે દિવસ પહેલાં રેસ્ટોરેન્ટમાં તોડફોડ બાદ બેડીપરા શ્રમજીવ સોસાયટીમાં પત્નીની પજવણી કરનારાઓને ટપરાતાં લાજવાને બદલે ગાજેલા લુખ્ખાઓએ યુવાન પર હુમલો કર્યો હતો અને ઘરમાં તોડફોડ અને બાદમાં રાત્રે ઘરને જ આગ ચાંપી દેતાં ઘટનાના પગલે કોળી પરિવાર ફફડી ઉઠયો હતો. થોરાળા પોલીસે ચાર લુખ્ખાઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

પોલીસના સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ મનપાની ઈસ્ટ ઝોન ઓફિસ પાછળ આવેલા શ્રમિક વિસ્તાર ગણાતાં બેડીપરા શ્રમિક સોસાયટી શેરી નં.૧૦માં રહેતાં પિયુષ ગોવિંદભાઈ કનેજા ઉ.વ.૩૩ નામના યુવાનની પત્ની રાત્રે તેના ઘર પાસે હતી ત્યારે આરોપીઓ ગોપાલ, ઘોઘો, વિશાલ ધસી આવ્યા હતા. પિયુષની પત્નીનો હાથ પકડીને બિભત્સ માગણી કરી હતી. પત્નીની છેડતી બાબતે કોળી યુવકે લુખ્ખાઓને ટપાર્યા હતા. લાજવાના બદલે લુખ્ખાઓ ગાજ્યા હતા અને કોળી યુવક અને તેના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. ઘરમાં ઘુસીને ટીવી સહિતની ચીજવસ્તુઓની ધોકાઓ ફટકારી તોડફોડ કરી હતી.

બનાવના પગલે કોળી પરિવાર ફફડી ઉઠયો હતો અને નજીકમાં રહેતાં મામાના ઘરે સુવા માટે ચાલ્યો ગયો હતો. આટલેથી નહીં અટકેલા લુખ્ખા ત્રિપુટી અન્ય સાગરીતો સાથે ધસી આવી હતી અને કોળી યુવકના બંધ મકાનને આગ ચાંપી દીધી હતી. ફાયરબ્રીગેડ સ્ટાફે આગ કાબુમાં લીધી હતી. આગના કારણે મકાનમાં એક લાખથી વધુનું નુકસાન થયું હતું. ચાર કલાક સુધી ચાલેલા ફિલ્મી આતંક બાદ થોરાળા પોલીસમાં વ્હેલી સવારે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસની પણ ઈજ્જત પર દાવ લગાવનારી ઘટનાથી દોડતી થયેલી પોલીસે આજે જયદિપ ચંદુભાઈ ગોહેલ, ગોપાલ રમેશ બાવળીયા, કૈલાશ દોલુ સોલંકી, સાહિલ રામજી બાવળીયા (રહે. બધા ચુનારાવાડ-૧) નામના ચારેય આરોપીઓને દબોચી લઈને પોલીસે સરભરા કરી હતી. વિસ્તારવાસીઓના કથન મુજબ જો થોરાળા પોલીસ રાત્રે જ કડક થઈ હોત તો આરોપીઓ આટકલી હદે લુખ્ખાગીરી પર ન જાત અને નુકસાન ન થાત.