રાજકોટમાં સ્વિમિંગ પુલથી લઇ સ્ટેડિયમમાં યોગ, એક્વા યોગામાં સ્થપાશે વિશ્વ વિક્રમ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં સ્વિમિંગ પુલથી લઇ સ્ટેડિયમમાં યોગ, એક્વા યોગામાં સ્થપાશે વિશ્વ વિક્રમ

રાજકોટમાં સ્વિમિંગ પુલથી લઇ સ્ટેડિયમમાં યોગ, એક્વા યોગામાં સ્થપાશે વિશ્વ વિક્રમ

 | 3:29 pm IST

ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિન નિમિત્તે રંગીલું રાજકોટ યોગમય બની ગયું હતું. શહેરમાં ઠેર-ઠેર સામૂહિક યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રાજકોટ મનપા દ્વારા અલગ-અલગ વોર્ડ માટે કુલ પાંચ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત શહેરની તમામ શાળા-કોલેજોમાં વહેલી સવારથી યોગના કાર્યક્રમો થયા હતા. રાજકોટના સ્નાનાગરોમાં 792 મહિલાઓએ પાણીમાં યોગાસનના પ્રયોગો કર્યા હતા અને વિશ્વ વિક્રમ તરીકે નોંધ લેવાઇ છે.

ખાસ મહિલાઓ માટે પાણીમાં થતા એક્વા યોગનું આયોજન કરાયું હતું. જેમાં 7 વર્ષની બાળકીથી માંડી 82 વર્ષના મહિલાએ પાણીમાં યોગ કર્યા હતા. મનપાનો પ્રયાસ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવાનો છે. મનપાના તમામ સ્વિમિંગ પુલ પર તેનું આયોજન થયું હતું. એક્વા યોગનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે તેને ગિનિસ બુકમાં મોકલાશે. મનપા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલ (કાલાવડ રોડ), લોકમાન્ય તિલક સ્નાનાગાર (રેસકોર્સ), સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર(કોઠારિયા રોડ) અને સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર(પેડક રોડ) પર ખાસ મહિલાઓ માટે સામૂહિક એક્વા યોગ થયા હતા.

રાજકોટ મનપા દ્વારા રેસકોર્સના ક્રિકેટ સ્ટેડિયમમાં વોર્ડ નં. 2, 3 અને 7ના નગરજનો માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યાં નગરજનો જોડાયા હતા. ચો તરફ સૌ કોઈ યોગ કરીને વિશ્વ યોગ દિનને સાર્થક કર્યો હતો. જ્યાં ક્રિકેટ મેચની રમત રમાતી હતી ત્યાં આજે યોગ કરતાં લોકો જોવા મળ્યા હતા. શહેરની તમામ શાળા અને કોલેજો સામુહિક યોગના કાર્યક્રમોમાં જોડાઈ હતી. શાળા-કોલેજના વિદ્યાર્થીઓને વહેલી સવારે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.