rajnath-singh-offer-pakistan-imran-khan-to-help-fight-against-terrorism
  • Home
  • Featured
  • રાજનાથે ઇમરાનને આપી મોટી ઓફર, ‘આતંકવાદ સાથે ના લડી શકતા હોય તો અમને કહો’

રાજનાથે ઇમરાનને આપી મોટી ઓફર, ‘આતંકવાદ સાથે ના લડી શકતા હોય તો અમને કહો’

 | 6:16 pm IST

ગૃહમંત્રી રાજનાથ સિંહ રવિવારે ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનમાં હતા. તે દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનો તો કોઇ મુદ્દો જ નથી, કારણ કે આ દેશનું તે અભિન્ન અંગ છે. તેમણે કહ્યું કે, મુદ્દો તો આતંકવાદનો છે અને પાકિસ્તાન તેના પર ચર્ચા કરી શકે છે.

ગૃહમંત્રીએ કહ્યું કે, હું પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને કહેવા માંગું છું કે જો અફઘાનિસ્તાનમાં અમારી મદદથી આતંકવાદ અને તાલિબાન વિરુદ્ધ લડાઇ ચાલુ રાખી શકે છે તો પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ભારતની મદદ માંગી શકે છે. જો પાકિસ્તાનને લાગે છે કે આતંકવાદથી તેઓ એકલા લડવામાં અસમર્થ છે, તો તેઓ વિચારી શકે છે.

રાજનાથ સિંહનું નિવેદન તે વખતે આવ્યું છે, જ્યારે હાલ કરતારપુર કોરિડોરની આધારશિલા સાથે જોડાયેલા નિવેદન પર વિવાદ ચાલી રહ્યો છે. કોરિડોરને લઇને જ્યાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, ઇમરાન ખાનની ગુગલી પર ભારતે બે મંત્રીઓને કરતારપુર મોકલ્યા હતા. તેનો જવાબ આપતા સુષમા સ્વરાજે કહ્યું કે, ભારત તેમની ગુગલીમાં ફસાયું નથી, પરંતુ અમારા બે મંત્રી એટલા માટે ત્યાં ગયા, જેઓ ત્યાં પ્રાર્થના કરી શકે.

અગાઉ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરની જ્યારે આધારશિલા રાખવામાં આવી ત્યારે ત્યાંના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે, બન્ને દેશોની વચ્ચે કાશ્મીર એક મુદ્દો છે અને વાતચીત મારફતે તેનો હલ કરી શકાય છે. ઇમરાને એવુ પણ કહ્યું હતું કે, ભારત આ દિશામાં એક કદમ ચાલશે તો અમે બે કદમ આગળ આવવા તૈયાર છીએ. હવે રાજનાથ સિંહે એક વાર ફરી ભારતનું વલણ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દો નથી, પરંતુ આતંકવાદનો મુદ્દો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.