રાજ્યસભાના ડે.ચેરમેનની ચૂંટણી : પરંપરાનો છેદ ઊડયો - Sandesh
  • Home
  • Columnist
  • રાજ્યસભાના ડે.ચેરમેનની ચૂંટણી : પરંપરાનો છેદ ઊડયો

રાજ્યસભાના ડે.ચેરમેનની ચૂંટણી : પરંપરાનો છેદ ઊડયો

 | 3:04 am IST

રાજકીય લેખાંજોખાં :- વિનોદ પટેલ

સામાન્ય રીતે રાજ્યસભા વડીલોનું ગૃહ ગણાય છે, એટલે આ ગૃહના દરજ્જાને અનુરૂપ ઠાવકાઈથી તેના પદાધિકારીઓની પસંદગી કે ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભામાં છેલ્લાં ૨૬ વર્ષથી ડેપ્યુટી ચેરમેનના હોદ્દાની ચૂંટણી યોજવામાં આવી નહોતી. આજે પા સદી જૂની આ પરંપરા ધ્વસ્ત થઈ છે તે સંસદીય લોકશાહીની પરિપવક્તાની નજરે સીમાચિહ્નરૂપ ઘટના છે. હાર-જીતનું વિશ્લેષણ તો થશે પણ પરંપરાની વાત આવે ત્યારે તમામ પક્ષોએ એક ગરિમા જાળવવી પડે, જે આ વખતે ચૂંટણી થવાને પગલે નામશેષ થઈ છે.

કોંગ્રેસ અને વિપક્ષો ફરી એક વાર રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણીના મામલે ઊંંઘતા ઝડપાયા છે. કોગ્રેસ પાસે આ હોદ્દો છેલ્લાં ૪૧ વર્ષથી હતો એટલે તેને વધુ પડતો આત્મવિશ્વાસ હોય તે સ્વાભાવિક છે, પરંતુ જ્યારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માથે તોળાઈ રહી હોય અને આ હોદ્દા પર કોણ બેસે તે એક પ્રકારનો દિશાનિર્દેશ બની રહેવાનો હોય ત્યારે કોઈ પ્રકારની બેદરકારી ન પરવડે. કોંગ્રેસના નેતા પી. જે. કુરિયન આ હોદ્દા પરથી બીજી જુલાઈએ નિવૃત્ત થયા તે પછી આ હોદ્દો ખાલી પડયો હતો.

વિરોધપક્ષોમાં બેદરકારી કે વધારે પડતો ખોટો આત્મવિશ્વાસ હોવાનું કારણ એ હતું કે તેમને એમ હતું કે ભાજપ પાસે સંખ્યાબળ પૂરતું નથી એટલે સંસદનાં ચોમાસું સત્રને બદલે શિયાળુ સત્રમાં આ મામલો હાથ ધરવામાં આવશે, પરંતુ ભાજપની ચાલાક નેતાગીરી સંખ્યાબળને વધારવા માટે પડદા પાછળ કામ કરી રહી હતી. ૨૪૫ સભ્યોનાં ગૃહમાં ૧૨૩ સભ્યોની સાદી બહુમતી હોય તો આ હોદ્દો અંકે કરી શકાય તેમ હોવાથી ભાજપે તક ઝડપી લેવાનું નક્કી કર્યું અને જ્યારે બહુમતી નક્કી થઈ કે તરત જ ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું. બીજી તરફ વિપક્ષો ઊંઘતા ઝડપાયા. સંયુક્ત સર્વમાન્ય ઉમેદવાર નક્કી કરવા માટે બેઠકો કરવી પડી. પહેલાં કોંગ્રેસે ઉદારતા દાખવી એનસીપી અને તૃણમૂલ કોંગ્રેસને ઉમેદવાર ઊભો કરવા માટે જણાવ્યું પણ શરદ પવાર જેવા ધુરંધરને પણ વંદના પાટિલનું નામ નક્કી કર્યા બાદ હાર નિશ્ચિત જણાતાં બહાદુરીભરી પીછેહઠ કરવી પડી. છેવટે કોંગ્રેસને માથે ઉમેદવાર ઊભો કરવાની જવાબદારી આવી, જેનું પરિણામ એ આવ્યું કે છેલ્લી ઘડીએ યુપીએના પાંચ સાંસદો મતદાનથી વેગળા રહેતાં બીજેડીને મનાવવામાં સફળ થયેલા ભાજપને સરળતાથી તેમનાં જૂથ એનડીએના ઉમેદવારને જિતાડવાની તક મળી ગઈ. એનડીએના ઉમેદવારને ૧૨૫ અને યુપીએના ઉમેદવારને ૧૦૫ મતો મળતાં આ હોદ્દો છેવટે એનડીએના ફાળે ગયો હતો.

ડીએમકેના બે, તૃણમૂલ કોંગ્રેસનો એક અને વાયએસઆર કોંગ્રેસે મતદાનથી વેગળા રહેવાનું નક્કી કરતાં મામૂલી વીસ મતોના તફાવતથી કોંગ્રેસના ઉમેદવાર બી. કે. હરિપ્રસાદને હાર ખાવી પડી. બીજી તરફ ભાજપે નીતીશકુમારના પક્ષના હરિવંશ નારાયણસિંહને ઉમેદવાર બનાવી એક કાંકરે ઘણાં પક્ષી માર્યાં. એક તો એનડીએમાં એવી છાપ પ્રવર્તતી હતી કે ભાજપ કોઈનું સાંભળતો નથી એવી છાપ દૂર થઈ અને નીતીશકુમારની નારાજી દૂર કરવાની તક મળી, વળી ૨૦૧૯ની ચૂંટણી લડવા માટે વિપક્ષમાં જરૂરી એકતા નથી એ પણ પુરવાર થયું. આમ આ ચૂંટણી જીતવા માટે ભાજપનાં તેનાં કારણો હતાં. એક વાત તો સ્પષ્ટ હતી કે રાજ્યસભાના ચેરમેનપદે ભાજપના વેંકૈયા નાયડુ છે એટલે ભાજપના ઉમેદવારને તો ડેપ્યુટી બનાવવાનો સવાલ જ પેદા થતો નથી, પરંતુ આ ચૂંટણી જીતવાથી ભાજપને બીજા અનેક લાભ હતા, એટલે જ તો ખુદ વડા પ્રધાને છેલ્લી ઘડીએ ઓડિશાના નવીન પટનાઇકને ફોન કરી તેમના પક્ષ બીજુ જનતાદળના નવ મત મેળવવાની ખાતરી મેળવી હતી. બીજી તરફ ભાજપપ્રમુખ અમિત શાહે પણ તેમના ફોનનો સતત ઉપયોગ કરીને અકાલીદળ અને શિવસેના જેવા કાઠા ઘરાકોને પોતાની તરફેણમાં મત આપવા માટે સમજાવી લીધા હતા. એક રીતે જોઈએ તો પીડીપી, શિવસેના અને અકાલીદળ જેવા પક્ષોને મનાવી પોતાની તરફેણમાં મતદાન કરાવવાનું કામ એટલું બધું અઘરું નહોતું પણ વિપક્ષો શરદ પવાર જેવા ધુરંધરોની સેવા ઉપલબ્ધ હોવા છતાં આ કુનેહ દાખવવામાં નિષ્ફળ ગયા છે તે એક વરવી હકીકત છે.

બીજી તરફ આપના નેતા અરવિંદ કેજરીવાલે તેમને રાહુલ ગાંધીએ ટેકો મેળવવા માટે ફોન કેમ ન કર્યો તેને મુદ્દો બનાવી અંટસ વધારી મતદાનનો બહિષ્કાર કર્યો, જેને પગલે યુપીએને બીજા ત્રણ મતો ગુમાવવાનો વારો આવ્યો. આમ મતદાનથી વેગળા રહેનારા સભ્યોની સંખ્યા વધવાને કારણે ૨૪૫ સભ્યોનાં ગૃહમાં ૧૨૩ સભ્યોને બદલે સાદી બહુમતી મેળવવા માટે માત્ર ૧૧૯ સભ્યોના મત મેળવવાની જ જરૂર રહી હતી, પરંતુ એનડીએના ઉમેદવારને ૧૨૫ મતો મળતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે વિપક્ષો માટે ૨૦૧૯માં ચૂંટણી બાદ દિલ્હીમાં તેમના ઉમેદવારને વડા પ્રધાનની ખુરશીમાં બેસાડવાનું સ્વપ્ન સાકાર કરવું કેટલું મુશ્કેલ બની રહેવાનું છે.

;