Rally in Mehsana: Thousand of People protest over GAD
  • Home
  • Featured
  • GAD ઠરાવના વિરોધમાં મહેસાણામાં મહારેલી, યોગ્ય નિર્ણય નહીં લેવાય તો વિધાનસભા ઘેરાવની ચીમકી

GAD ઠરાવના વિરોધમાં મહેસાણામાં મહારેલી, યોગ્ય નિર્ણય નહીં લેવાય તો વિધાનસભા ઘેરાવની ચીમકી

 | 1:24 pm IST

હાલ ગુજરાતમાં LRD પરીક્ષામાં અન્યાયને લઈ એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલાઓ દ્વારા દોઢ મહિનાથી પણ વધારે સમયથી ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. દોઢ મહિના કરતાં પણ વધારે સમય થયો હોવા છતાં મહિલાઓ આજે પણ પ્રદર્શન સ્થળે બેસી રહી છે. તેવામાં આટલો સમય થયો હોવા છતાં મહિલાઓને બહેનો માનતી આ સરકારને અનામત વર્ગની મહિલાઓ માટે કોઈ લાગણી ન હોય તેવું ફલિત થઈ રહ્યું છે. કેમ કે, દોઢેક મહિનાથી આંદોલન કરી રહેલી આ મહિલાઓને સમજાવવા સરકારનો એકપણ પ્રતિનિધિ પહોંચ્યો નથી.

ત્યાં એલઆરડી ભરતીમાં અન્યાય અને ગુજરાત સરકારનાં વિવાદિત GAD ઠરાવને લઈ મહેસાણામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. અને રસ્તા પર બેસીને મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ રેલીની મુખ્ય માગો પર નજર કરીએ તો તે નીચે પ્રમાણે છે.

મહેસાણા રેલીની મુખ્ય મુદ્દા અને માગોઃ

-1 ઓગષ્ટ 2018નો ઠરાવ રદ્દ કરવામાં આવે
-ઠરાવમાં 12 અને 13ની જોગવાઈઓ સામે મુખ્ય વિરોધ
-ઠરાવ મુજબ sc, st OBCની મહિલાઓને 27 ટકામાં જ સમાવવામાં આવે
-SC, ST, OBCની મહિલાઓને વધુ ટકા છતાં 27 ટકામાં જ સ્થાન
-પહેલાં વધુ માર્કસવાળાને જનરલમાં સ્થાન મળતું હતું
-ઠરાવ ગરીબ મહિલાઓ, દીકરીઓ માટે અન્યાયકારક હોવાનો આરોપ
– ગરીબ લોકોની દીકરીઓનાં ભવિષ્યને નુકસાન કરતો પરિપત્ર
-ગુજરાતમાં SC, ST, OBCની 54 ટકા વસ્તીને માત્ર 27 ટકા જ સમાવવામાં આવે
-બિનઅનામતની મહિલાઓને 10 ટકા અનામત
-બિનઅનામત વર્ગનાં આર્થિક પછાતને અલગથી 10% અનામત અપાઈ છે
-100 ટકામાંથી 49% અનામત વ્યવસ્થા બંધારણીય રીતે છે
-49%માં ગુજરાતની 85% (એસ.એસટી.ઓબીસી)ની વસ્તી છે
-51%માં 15% (અંદાજીત-બિનઅનામત વર્ગ)ની વસ્તી છે
-સમગ્ર ભારતમાં જુનો નિયમ ચાલે છે તો આપણા ગુજરાતમાં કેમ અલગ?
-પહેલાં એવું હતું કે પહેલી 51% સીટો જનરલની ભરવામાં આવતી હતી. જેમાં તમામ અનામતવાળા અને અનામત વગરનાં જે ટોપ માર્ક્સવાળા 51%વાળા (અનામત-બિનઅનામતવાળા) હતા એ તમામનો સમાવેશ કરવામાં આવતો હતો. અને પછી જે તે અનામત (SC/ST/OBC) મુજબ સમાવેશ થતો હતો.
-નવા નિયમો મુજબ 51%માં ફક્ત 15% બિન અનામત વર્ગનો જ સમાવેશ કરવામાં આવશે એવું સ્પષ્ટ થાય છે. અને એમાં અનામતવાળાને લાભ નહિ મળે.

1 ઓગસ્ટ 2018ના રોજ કરવા GAD દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રમાં સવાલ નંબર 12 અને સવાલ નંબર 13 અંગે હાલ વિવાદ ઉભો થયો છે. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે મહિલાઓ આંદોલન પર ઉતરી છે.

● પરિપત્રમાં શું છે વિવાદાસ્પદ બાબતો

– પરિપત્રમાં સવાલ નંબર 12 અને 13 વિવાદનું કારણ છે
– સરકારમાં મહિલા અનામત માટેની કેટલીક ગુંચવણો હતી
– અનામતની સમજણ માટે 2018માં સરકારે આ સ્પષ્ટીકરણ કરતો પરિપત્ર કર્યો
– આ પરિપત્ર સંપૂર્ણ રીતે મહિલા અનામત વિશે જ સ્પષ્ટતા કરે છે
– પરંતુ પરિપત્રમાં સવાલ નંબર 12 અને સવાલ નંબર 13 અંગે હાલ વિવાદ ઉભો થયો છે
– મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવી
– મતલબ કે, મહિલાની પસંદગી તો જનરલમાં થઈ પણ ક્વોટામાં એક સીટ ઘટી ગઈ
– દાખલા તરીકે મેરિટના આધારે 100માંથી અનામત વર્ગની 20 મહિલાઓની પસંદગી થઈ, તો આવા સંજોગોમાં પરિપત્ર મુજબ અનામત વર્ગની 20 મહિલાઓની ભરતી થઈ ગઈ ગણાય.
– પરિપત્રના કારણે જે વિવાદ થયો છે તે એ થયો છે કે એ મહિલાની ગણતરી જનરલમાં જ થવી જોઈએ
– મહિલા અનામત અને વર્ગવાળી અનામતને પરિપત્રએ ભેગી કરી દીધી છે
– કુલ 17 જગ્યા માટે 5 મહિલાઓ લેવી જરૂરી છે, જો જનરલમાં 2 મહિલાની પસંદગી થઈ હોય તો બાકીની 3ની જ ભરતી થાય
– પરિપત્રનો આ વિવાદ છે કે મેરિટના ધોરણે પસંદ થાય તો મહિલાઓને અનામત ન મળી ગણાય
– આમ આ પરિપત્ર સંપૂર્ણ રીતે અનામતની ભાવનાનો છેદ ઉડાડે છે એવો આરોપ છે અને એટલે વિવાદ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન