કર્ણાટકના રાજકીય ડ્રામામાં હવે રામ જેઠમલાણીની એંટ્રી, સુપ્રીમમાં ધા - Sandesh
  • Home
  • Featured
  • કર્ણાટકના રાજકીય ડ્રામામાં હવે રામ જેઠમલાણીની એંટ્રી, સુપ્રીમમાં ધા

કર્ણાટકના રાજકીય ડ્રામામાં હવે રામ જેઠમલાણીની એંટ્રી, સુપ્રીમમાં ધા

 | 2:18 pm IST

કર્ણાટકમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી રાજનૈતિક લડાઈમાં હવે એક વ્યક્તિની એંટ્રી થઈ છે જેણે રાજકીય ગરમીનો પારો અદ્ધર ચડાવી દીધો છે. આ વ્યક્તિ છે દેશના જાણીતા અને મોખરાના ધારાસાસ્ત્રી રામ જેઠમલાણી. રામ જેઠમલાણીએ કર્ણાટકના રાજ્યપાલ દ્વારા ભાજપને સરકાર બનાવવા આપેલા આમંત્રણ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે.

જેઠમલાણીએ રાજ્યપાલના નિર્ણયને ‘બંધારણીય શક્તિનો ઘોર દુરુપયોગ’ ગણાવ્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની પીઠે તત્કાળ સુનાવણી માટે દાખલ કરવામાં આવેલી જેઠમલાણીની અરજી પર વિચાર કરતા કહ્યું હતું કે, ગુરૂવારે સવારે કર્ણાટક મામલે સુનાવણી કરનારી ત્રણ સભ્યોની સ્પેશિયલ બેંચ શુક્રવારે આ મામલે સુનાવણી કરશે.

કર્ણાટકના રાજ્યપાલના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં મુદ્દો ઉઠાવનારા રામ જેઠમલાણીએ કહ્યું હતું કે, હું આ મામલે વ્યક્તિગત રીતે પોતાનો પક્ષ રજુ કરવા માંગુ છું. જેને કોર્ટે ધ્યાનમાં લેવો જોઈએ. આ મામલે હું અંગત રીતે કોર્ટ સમક્ષ આવ્યો છું, કોઈ પાર્ટી તરફથી નહીં. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આ મામલો જસ્ટિસ એ કે સિકરીની આગેવાની હેઠળની બેચ સાંભળી રહી છે. આ બેચ શુક્રવારે સુનાવણી હાથ ધરશે. તમે આ મુદ્દો ત્યાં ઉઠાવી શકો છો. ત્યાર બાદ કોર્ટની બહાર આવેલા રામ જેઠમલાણીએ રાજ્યપાલના આદેશને બંધારણીય અધિકારનો દુરૂપયોગ ગણાવ્યો હતો. જેઠમલાણી હવે આ મામલો કોર્ટ સમક્ષ આવતીકાલે શુક્રવારે ઉઠાવશે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર બની છે, પરંતુ આ મામલે ભયંકર વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ અને જેડીએસે આરોપ લગાવ્યો છે કે, રાજ્યપાલ બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. જેડીએસના નેતા કુમારસ્વામીએ મોદી સરકાર ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરવા માટે ઈડીનો સહારો લઈ રહી હોવાનો અને ધમકાવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.