2019ની ચૂંટણી પહેલાં રામમંદિરનું નિર્માણ શરૂ થશે: ડૉ. રામવિલાસ વેદાંતી - Sandesh
  • Home
  • India
  • 2019ની ચૂંટણી પહેલાં રામમંદિરનું નિર્માણ શરૂ થશે: ડૉ. રામવિલાસ વેદાંતી

2019ની ચૂંટણી પહેલાં રામમંદિરનું નિર્માણ શરૂ થશે: ડૉ. રામવિલાસ વેદાંતી

 | 6:07 pm IST

રામજન્મભૂમિ ન્યાસના કાર્યકારી અધ્યક્ષ ડો. રામવિલાસ વેદાંતીએ શનિવારે એક મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભાજપે અયોધ્યાના રામમંદિરના મુદ્દે લગભગ સમાધાન શોધી કાઢયું છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલાં શરૃ થઈ જશે. ડો. વેદાંતીએ એમ પણ કહ્યું કે અયોધ્યામાં વિશ્વનું સૌથી મોટું મંદિર બનશે અને લખનઉમાં સૌૈથી મોટી મસ્જિદ. અમે સમજૂતીના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે.

રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષે અલાહાબાદના એક કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટૂંક સમયમાં આવી જશે અને તે પછી મંદિર નિર્માણ શરૃ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે લખનઉમાં બનનારી મસ્જિદ કોઈ લૂંટારાને નામે નહીં હોય પરંતુ અલ્લાહ અને ઈશ્વરને નામે બનશે.

વેદાંતીએ મંદિર નિર્માણ માટેની કોઈ નક્કી તારીખ નહોતી જણાવી પરંતુ એટલું જરૃરથી કહ્યું હતું કે ૨૪ ઓક્ટોબરના રોજ અયોધ્યામાં મોદી વિજય રથયાત્રા કાઢવામાં આવશે અને તે તમામ લોકસભા વિસ્તારમાં ભ્રમણ કરશે. તેમણે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સપા અને કોંગ્રેસ બધાને તોડી રહ્યા છે જ્યારે ભાજપ બધાને જોડી રહ્યું છે.ડો. રામ વિલાસ વેદાંતી અલાહાબાદના કટરા ખાતે મિશન મોદી, અગેન મોદી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. વેદાંતીને આ મિશન કાર્યશાળાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

મિશન મોદી, અગેન મોદી
મિશન મોદી, અગેન મોદીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ રામગોપાલ કાકાએ જણાવ્યું હતું કે મોદીને ફરી વડા પ્રધાન બનાવવા માટે તમામ બૂથ પર ૧૧ મિશન કાર્યકર્તા અને તમામ લોકસભા ક્ષેત્રમાં ૧૧,૦૦૦ કાર્યકર્તાઓની ટીમ તૈયાર થશે. અલાહાબાદમાં તેની બે દિવસીય કાર્યશાળાનું સમાપન થયું હતું.