Ramdas Athawale Big Offer To Sharad Pawar For Joining NDA
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રની ગાદી પરથી શિવસેનાને પાડવાની તૈયારી! આઠવલેએ શરદ પવારને આપી મોટી ઑફર

મહારાષ્ટ્રની ગાદી પરથી શિવસેનાને પાડવાની તૈયારી! આઠવલેએ શરદ પવારને આપી મોટી ઑફર

 | 7:52 pm IST

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા સંજય રાઉતની મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આ મુલાકાતના ઠીક બીજા દિવસે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ મુલાકાત કરી ત્યારબાદ અટકળો તેજ થઈ ગઈ. આ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી અને બીજેપીના સહયોગી દળ આરપીઆઈના અધ્યક્ષ રામદાસ આઠવલેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાએ બીજેપી સાથે આવી જવું જોઇએ અને જો તેઓ નથી આવતા તો એનસીપી ચીફ શરદ પવારે એનડીએ સાથે જોડાઈ જવું જોઇએ.

આઠવલેએ નવા સમીકરણ તરફ ઇશારો કર્યો 

ઉલ્લેખનીય છે કે શનિવારના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના સાંસદ સંજય રાઉતની વચ્ચે મુલાકાત થઈ હતી, ત્યારબાદ રાજકીય અટકળો તેજ થઈ. જોકે ત્યારબાદ ખુદ સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસે મુલાકાતને લઇને સ્પષ્ટતા આપી હતી કે બેઠકમાં કોઈ રાજકીય વાતચીત નહોતી થઈ. આના ઠીક બીજા દિવસે જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવારે રવિવારના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. તો આ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી અને બીજેપીના સહયોગી દળ આરપીઆઈના અધ્યક્ષ રામદાસ આઠવલેએ એક નવા સમીકરણ તરફ ઇશારો કર્યો છે.

પવારને મળી ઑફર

બીજેપી અને શિવસેના સાથે ના આવવાની સ્થિતિમાં રામદાસ આઠવલેએ શરદ પવારને બીજેપીની સાથે આવવાનું આમંત્રણ આપ્યું છે. આઠવલેએ ટ્વીટ કરીને કહ્યું છે કે જો શિવસેના સાથે આવે છે તો સરકાર બનશે. જો શિવસેના નથી આવતી તો શરદ પવાર એનડીએમાં આવવાનો વિચાર કરી શકે છે. જો તેઓ એનડીએમાં આવે છે તો અહીં બીજેપીની સાથે સરકારમાં રહેશે અને દિલ્હીમાં પણ તેમને સત્તામાં કોઈક મોટું પદ મળી શકે છે. આઠવલેનું માનવું છે કે શિવસેના બીજેપીની સાથે છે અને શિવસેના નથી આવતી તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસને બીજેપી સાથે આવવું જોઇએ અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવી જોઇએ.

શિવસેના સાથે રહીને પવારને કોઈ ફાયદો નથી – રામદાસ આઠવલે

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, જો શિવસેના અમારી સાથે નથી આવતી તો મહારાષ્ટ્રના વિકાસ માટે એનસીપીને એનડીએમાં સામેલ થવું જોઇએ, શિવસેના સાથે રહીને તેમને કોઈ ફાયદો નથી મળવાનો. એનડીએ સાથે આવવાથી તેમને કોઈક મોટું પદ પણ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આઠવલેએ એનસીપીને સાથે આવવાની ઑફર એવા સમયે આપી છે જ્યારે તેના સૌથી જૂના સાથી અકાલી દળને કૃષિ બિલના મુદ્દે એનડીએથી વાંકુ પડ્યું છે.

આ વિડીયો પણ જુઓ: EDએ સાંડેસરા બ્રધર્સને ભાગેડુ જાહેર કર્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન