રામનાથ કોવિંદને ગુજરાત ફળ્યું, ભાજપને કોળી મતો ફળશે? - Sandesh
  • Home
  • Gujarat
  • રામનાથ કોવિંદને ગુજરાત ફળ્યું, ભાજપને કોળી મતો ફળશે?

રામનાથ કોવિંદને ગુજરાત ફળ્યું, ભાજપને કોળી મતો ફળશે?

 | 7:45 am IST

રામનાથ કોવિંદ- આ નામ ગુજરાતમાં કોળી અને અનુસૂચિત જાતિના વિવિધ સમાજ માટે નવુ નથી ! બિહારના રાજ્યપાલપદે નિયુક્તિ બાદ ગત સપ્તાહે જ બગોદરા, ગોંડલ અને સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું અભિવાદન સ્વિકારનાર રામનાથ કોવિંદને ગુજરાત ફળ્યુ ! ભારતના સર્વેચ્ચપદ માટે તેમની પસંદગી ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભાજપને કોળી, અનુસૂચિત જાતિના વિવિધ સમાજની વોટબેંક રૂપે ફળે તો નવાઈ નહી. કાનપુરમાં કોળી સમાજમાંથી આવતા કોવિંદ એક સમયે ભાજપના રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. રાજ્યપાલ તરીકે નિયુક્તિ પહેલા અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ પણ હતા. ઉત્તરપ્રદેશમાં તેમનો સમાજ એસસી વર્ગ હેઠળ છે. ગુજરાતમાં કોળી સમાજ ઓબીસીમાં સમાવિષ્ટ છે. આથી, ગુજરાતના એસસી, કોળી આગેવાનો તેમના વ્યક્તિગત સંબંધો રહ્યા છે. રાજ્યપાલપદે નિયુક્તિ પહેલા ગુજરાતમાં રામનાથ કોવિંદના ૧૦૦થી વધુ સન્માન સમારોહમાં હાજર રહ્યા છે. તદ્ઉપરાંત લોકસભા, વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ગુજરાતમાં લાંબો સમય આપ્યાનું જણાવ્યુ હતુ. આ નિસબતે સોમનાથ ખાતે એપ્રિલમાં મળેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં કોળી સમાજના સાંસદો, ધારાસભ્યો, હોદ્દેદારોએ બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદના કાર્યક્રમોની માંગણી કરી હતી.

ગુજરાત સાથે ૪૦ વર્ષથી નાતો છે : રામનાથ કોવિંદ
એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જેમનું નામ જાહેર કરાયું છે તે રામનાથ કોવિન્દે હમણાં જ સૌરાષ્ટ્રની મુલાકાત કરી હતી. આજથી પાંચ દિવસ પહેલા તેઓ ગોંડલમાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા કોળી સમાજ તેમજ માંધાતા ગૃપ ગોંડલ દ્વારા બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રામનાથ કોવિંદ જણાવ્યું હતું કે ‘ગુજરાત સાથે ૩પથી ૪૦ વર્ષનો નાતો છે. શિક્ષણના મામલે બાંધછોડ ના કરો. દિકરા-દીકરીમાં ભેદ ન રાખો. ભારતના સંવિધાનમાં સાઉને બે અધિકાર મળ્યા છે. એક શિક્ષણ અને બીજો મતાધિકાર. અશિક્ષિત હોવાના કારણે આપનો મત કોઈ ખરીદી જશે. શિક્ષિત બનીશું તો જ આપનો મત કોઈ ખરીદી શકશે નહીં’ તેમણે ગોંડલ અક્ષર મંદિરે દર્શન કર્યા હતા.

કોળી સમાજ: 17 MLA, 40 બેઠકો પર પ્રભાવ!
વિધાનસભામાં 17 ધારાસભ્યો ધરાવતો કોળી સમાજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 40 બેઠકોમાં પ્રમુખ વોટબેન્ક તરીકે પ્રભાવી સર્જે છે. આ ક્ષમતા પામીને જ વર્ષ 2012-વિધાનસભામાં ભાજપે સૌથી વધુ ટિકિટો ફાળવી હતી. લોકસભામાં પણ સૌરાષ્ટ્રની 6માંથી 3 બેઠકો ઉપર કોળી સમાજના ઉમેદવારો ઉતાર્યા હતા. રાજ્યમાં એક એમ કુલ 4 સાંસદો કોળી સમાજમાંથી આવે છે.

મોદીએ એક કાંકરે 3 રાજ્યોને મેસેજ આપ્યો
– યુપીમાં દલિત રાજનીતિ કરતા માયાવતીની બાકી રહેલી વોટબેંક સરકી જશે
– બિહારમાં લાલુની પછાત વર્ગની જાતિ આધારિત રાજનીતિ સાફ થશે
– વિકાસમાં પછાત કોળી જ્ઞાતિના નેતાની સર્વોચ્ચ પદ માટે પસંદગી

વઢવાણમાં રામનાથ કોવિંદનો સત્કાર સમારંભ યોજાયો
વઢવાણ આનંદ ભુવન ખાતે બિહારના મહામહિમ રાજયપાલ રામનાથ કોવિંદનો સત્કાર સમારંભ યોજાયો હતો. તેમણે શિક્ષણ ઉપર ભાર મુકીને યુવા શકિતને જાગૃત કરવા આહવાન કર્યુ હતુ. સમાજમાં વધતા જતા દારૃ જેવા દુષણોને તિલાંજલી આપવા માટે ટકોર કરી હતી.

સોમનાથ અને રાષ્ટ્રપતિ પદ વચ્ચેના અતૂટ સંબંધો
‘શિવ શંકર કો જીસને પૂજા ઉસકા બેડા પાર હૂઆ’. ઈતિહાસ સાક્ષી પુરે છે કે સોમનાથ મહાદેવના દર્શન કરી ચુકેલા રાજનેતાઓએ વિજયપથ કંડાર્યો છે ત્યારે એ જાણવું પણ રસપ્રદ છે કે એનડીએ દ્વારા ઘોષિત રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઉમેદવાર રામનાથ કોવિંદ રાજ્યપાલ પદ દરમિયાન સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ચૂક્યા છે.

ભારતના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિની ચૂંટણી આગામી માસે દેશમાં યોજાઈ રહી છે ત્યારે સોમનાથ અને રાષ્ટ્રપતિ પદ વચ્ચેના અતૂટ સંબંધોનો ચિતાર ખડો થઈ જાય છે. સોમનાથ મંદિર જ્યોતિર્લિંગ પ્રાણ પ્રતિષ્ઠા તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે કરી ત્યારથી અત્યાર સુધીના મોટાભાગના રાષ્ટ્રપતિઓ સોમનાથ દાદાને શિશ નમાવી ચૂક્યા છે. આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર થયેલા રામનાથ કોવિંદ બિહારના રાજ્યપાલ તરીકે તા. ૩૧-૧-૧૬ના રોજ સોમનાથના દર્શને આવ્યા હતા. તેમને પ્રોટોકોલ મળ્યો હતો અને સોમનાથ દાદાના પૂજનનો લાભ તેમણે લીધો હતો.

કયા રાષ્ટ્રપતિ આવી ચૂક્યા છે સોમનાથ
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ ૧૯પ૧માં સોમનાથ આવી ચૂક્યા છે. ડો. શંકરદયાળ શર્માએ ૧૯૯પમાં સોમનાથમાં ખાસ પૂજન વિધીમાં ભાગ લીધો હતો. ડો. ઝૈલસિંઘ, આર વેંકટરામન, પ્રતિભા પાટીલ પણ સોમનાથના દર્શને આવી ચૂક્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદે રહેલા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથના દર્શને આવ્યા બાદ રાષ્ટ્રપતિ બન્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન