બળાત્કારના આરોપસર પકડાયેલા ધરણ શાહને જેલ કસ્ટડી પડી - Sandesh
  • Home
  • Mumbai
  • બળાત્કારના આરોપસર પકડાયેલા ધરણ શાહને જેલ કસ્ટડી પડી

બળાત્કારના આરોપસર પકડાયેલા ધરણ શાહને જેલ કસ્ટડી પડી

 | 2:37 am IST

। મુંબઈ ।

મુંબઈની ગીરગામ ચોપાટી પર આવેલા પ્રાણસુખલાલ મફતલાલ બાથના સેક્રેટરી અને હીરાના વેપારી હિતેશ શાહના દીકરા ધરણ શાહની એેલ.ટી.માર્ગ પોલીસે ૨૯ વર્ષની યુવતી પર બળાત્કારના કેસમાં ધરપકડ કરી હતી. તેને હવે જેલકસ્ટડીમાં મોકલી અપાયો છે. વાશી પોલીસમાં પણ તેની સામે મારઝૂડ અને નિર્વસ્ત્ર કરાયાનો વિનયભંગનો કેસ નોંધાયો હોવાથી હવે વાશી પોલીસ ગમે ત્યારે તેની કસ્ટડી લઇ શકે છે. એલ ટી માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ રાઉતે આ વિશે કહ્યું હતું કે ધરણ શાહની સોમવારે પોલીસકસ્ટડી પૂરી થતાં તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને જેલકસ્ટડી આપી હતી. જોકે તેના જામીન મંજૂર કરાયા કે કેમ એ વિશે તેમની પાસે કોઇ જાણકારી નહોતી. ધરણનો તાબો કોર્ટમાંથી જેલ પોલીસે લીધો હતો.   ૨૯ વર્ષની ફરિયાદીએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે ૯ સપ્ટેમ્બરે આરોપી ધરણ શાહે તેની પાસે અજુગતી માગ કરી હતી. જેનો તેણે વિરોધ કરતાં ધરણે તેની ધારદાર હથિયારથી મારઝૂડ કરી તેને બળજબરીથી નિર્વસ્ત્ર કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ દ્વારા કરાયેલા તેના મેડિકલમાં પીડિતાની છાતી પર અને ગળા પર જખ્મના નિશાન મળી આવ્યા હતા. પીડિતાએ વધુમાં કહ્યું હતું કે ૩ સપ્ટેમ્બરે પણ આરોપીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અને એ સંદર્ભે પણ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ વધુમાં કહ્યું હતું કે ૩ સપ્ટેમ્બરે કરેલી ફરિયાદ પાછી લેવા આરોપીએ ૯ સપ્ટેમ્બરે દબાણ કર્યું હતું.

;