બળાત્કારીઓનાં કોઈ પ્રાંત, જ્ઞા।તિ કે ધર્મ હોતાં નથી - Sandesh
  • Home
  • Columnist
  • બળાત્કારીઓનાં કોઈ પ્રાંત, જ્ઞા।તિ કે ધર્મ હોતાં નથી

બળાત્કારીઓનાં કોઈ પ્રાંત, જ્ઞા।તિ કે ધર્મ હોતાં નથી

 | 1:38 am IST

ઘટના અને ઘટન  :-  મણિલાલ એમ. પટેલ

ગુજરાતમાં એક નિઃસહાય, અબુધ અને અબોલ નાની કુમળી વયની બાળકી કે જેને પોતાનાં શરીરનાં અંગોનું પણ જ્ઞા।ન કે ભાન નથી તેના પર બળાત્કાર ગુજારવાની હેવાનિયતની હદ વટાવે તેવી ને માનવતાને સાવ નેવે મૂકી દે તેવી શરમજનક ને નિંદનીય ઘટના ઘટી તેને વખોડવા કોઈ શબ્દો ઓછા પડે અને આવા બળાત્કારીઓને તાત્કાલિક ફાંસીના માંચડે ચડાવી દેવા જોઈએ તેવી ઉગ્ર ને પ્રબળ લોકલાગણી જન્મે તે સ્વાભાવિક છે, આમ છતાં સમગ્ર પ્રશ્ને જે રીતે વળાંક લીધો ને તેને પ્રાંત અને જ્ઞા।તિનું સ્વરૂપ આપવામાં આવ્યું તે દુઃખદ ને આત્મખોજ કરવા પ્રેરે તેવી ઘટના છે.

બે ઘડી રાજકારણને ભૂલીને સ્વસ્થ ચિત્તે સૌએ વિચારવાની જરૂર છે. શું બળાત્કારીનો કોઈ પ્રાંત હોય છે? શું બળાત્કારીનો કોઈ ધર્મ હોય છે ખરો? શું બળાત્કારીની કોઈ જ્ઞા।તિ હોય છે. બળાત્કારનો ભોગ બનનાર જેમ કોઈ પણ વય, પ્રાંત કે જ્ઞા।તિનાં હોય છે તેમ બળાત્કારીના પણ કોઈ વય, પ્રાંત, જ્ઞા।તિ કે ધર્મ હોતાં નથી. સૌથી વધુ આત્મમંથન તો એ વાતનું કરવાની જરૂર છે કે બળાત્કારની ઘટનાઓ ૬૧ ટકા વધી છે જ્યારે કુમળી વયની સગીરાઓ પર બળાત્કારની ઘટનાઓ ૧૩૩ ટકા વધી છે. આવી શરમજનક ઘટનાઓએ અધોગતિની હદ વટાવી છે. એમાંયે નાની બાળકીઓ પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાની ક્રૂર ને માનવતાવિહોણી ઘટનાઓ છાશવારે દિન-પ્રતિદિન વધતી જ જાય છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.  દેશનાં કોઈ એક રાજ્યમાં જ આવું બને છે તેવું નથી. ઉ. પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા ને છત્તીસગઢમાં આવી ઘટનાઓ વધી છે. બળાત્કાર કરનાર અને ભોગ બનનાર બંને એક જ પ્રાંતના હોય છે. એક જ્ઞા।તિનાં પણ હોય છે અને ઘણી વાર એક જ પરિવારનાં પણ હોય છે. બળાત્કારના કિસ્સામાં નજીકના પરિચિતો દ્વારા થતા બળાત્કારોની સંખ્યા ઘણી મોટી છે. સૌથી વધુ કમનસીબી તો એ છે કે, સમાજની તરછોડાયેલી બાલિકાઓને સુરક્ષા માટે જ્યાં મૂકવામાં આવે છે તે સંરક્ષણ ગૃહો પણ અસલામત ને અનીતિનાં ધામ સમાં કેટલાંક રાજ્યોમાં બની ગયાં છે. રક્ષક જ ભક્ષક બને ત્યારે આભ ફાટે ત્યાં થીંગડું ક્યાં દેવું? પોલીસ, નેતા, ધર્મગુરુ, પરિવારનો સભ્ય, પાડોશી બળાત્કારી હોય પછી કોનો વાંક કાઢવો?

શું ગુજરાત, મ. પ્રદેશ, ઉ. પ્રદેશ કે મહારાષ્ટ્રમાં બળાત્કારની ઘટના ઘટે તો તે રાજ્યના જ બળાત્કારીઓ નથી હોતા? બળાત્કારને પ્રાંત, જ્ઞા।તિ કે ધર્મની સાથે જોડવાને બદલે એક અક્ષમ્ય અપરાધ કે સામાજિક પાપ સાથે જોડવાની જરૂર છે. આવા સમયે બળાત્કારને પ્રાંત સાથે જોડીને ગુજરાત જેવાં શાંતિપ્રિય રાજ્યમાં બળાત્કારનાં નામે પ્રાંતવાદનાં ઝેરનું વાવેતર કરીને શાંતિ તથા કાયદો-વ્યવસ્થાને ડહોળવાનો જે પ્રયાસ થયો તે ગુજરાતના વિકાસ માટે વિરોધીને ખુદ ગુજરાત માટે નુકસાનકર્તા છે.

ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીનું વર્ષ છે ને સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મુકાવાની છે ત્યારે તેમની દેશની એકતા ને અખંડિતતાની શીખ ને સંદેશ જાણે ગુજરાતમાં જ ભુલાઈ રહ્યા હોય તેવા પ્રાંતવાદ ને જ્ઞા।તિવાદનાં ઝેરના કટોરા ગુજરાત અવારનવાર પી રહ્યું છે. એક રાજ્યને બીજા રાજ્ય વિના ચાલવાનું નથી. પ્રાંતવાદને પ્રોત્સાહન આપનાર મહારાષ્ટ્રમાં શિવસેના કદી રાષ્ટ્રીય પક્ષ બની શક્યો નથી. દેશનાં બંધારણનાં સંઘીય માળખામાં પ્રાંતવાદને કોઈ સ્થાન નથી. રાજ્યો એકબીજાના સ્પર્ધક નહીં પણ પૂરક છે. ગુજરાતમાં સકુશળ શ્રમજીવીઓની અછત છે ત્યારે ગુજરાતનાં મોટાં શહેરોમાં નાના-મોટા ઉદ્યોગો ને ઘરકામ સુધી બિનગુજરાતીઓની ૨૦ ટકા જેટલી વસતી છે. ઘણા તો પેઢી દર પેઢીથી અહીં રહે છે તેમને તેમનાં પોતાનાં રાજ્યનાં ગામમાં પણ કોઈ ઓળખતું નહીં હોય. દિવાળી ટાણે ઉદ્યોગો માટે કમાણીનો સમય હોય છે ત્યારે હીરા, બાંધકામ, કલર કે અન્ય વ્યવસાય કે કારખાનાંઓને વિપરીત અસર થયા વિના રહે નહીં. પરપ્રાંતીઓને રોજીની અસર થશે તો ગુજરાતના ધંધા-વ્યવસાયને પણ વિપરીત અસર થયા વિના રહેશે નહીં, ત્યારે સરકારે કાયદો-વ્યવસ્થા જાળવવાની સાથે સાથે આખો પ્રશ્ન રાજકીય ને મતબેન્કનો ન બની જાય તે માટે સોશિયલ મીડિયા પ્રત્યે પણ જાગ્રત રહેવાની જરૂર છે. સગીરો કે કિશોરોને મોબાઇલ આપવા અંગે પણ વાલીઓએ ચેતવાની જરૂર છે.

ગુજરાતની સમૃદ્ધિ ને વિકાસમાં પરપ્રાંતીઓનું મોટું પ્રદાન છે. ગુજરાત તો સૌને સાથે લઈને ચાલવાવાળું મિલનસાર સ્વભાવ ધરાવતી પ્રજાનું રાજ્ય છે. શું ગુજરાતને બીજાં રાજ્યોની જરૂર નહીં પડે? શું નર્મદાનાં પાણીનો આધાર મધ્ય પ્રદેશ નથી? ગુજરાતીઓને અયોધ્યા, મથુરા, વૃંદાવન કે હરિદ્વાર, ઋષિકેશ, પ્રયાગ, બદ્રીનાથ, કેદારનાથ, વૈષ્ણોદેવી, ગયા વિના ચાલશે? ઉ. ભારતમાંથી દ્વારકા આવીને વસેલા શ્રીકૃષ્ણને આપણે પરપ્રાંતીય ગણીએ છીએ? સવાયા ગુજરાતી જેવા કાકાસાહેબ કાલેલકર કે બે વાર વડા પ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદાને આપણે પરપ્રાંતીય કહીશું? ગુજરાતમાં શ્વેતક્રાંતિ લાવનાર ડો. કુરિયનને પરપ્રાંતીય ગણીશું? શું બીજાં રાજ્યોમાં ગાંધી, સરદાર, મોરારજી દેસાઈ કે નરેન્દ્ર મોદી પરપ્રાંતીય ગણાતા હશે? આપણે બીજાં રાજ્યોના મહાન દેશભક્ત નેતાઓને પરપ્રાંતીય ગણીશું? શું ગુજરાતે પ્રણવ મુખરજીથી માંડીને અરુણ જેટલી જેવા પરપ્રાંતીય નેતાઓને રાજ્યસભામાં ગુજરાતમાંથી નથી મોકલ્યા? વાજપેયી, અડવાણી ગાંધીનગરથી તો નરેન્દ્ર મોદી બનારસમાંથી ચૂંટણી નથી લડયા? શું ગુજરાતમાં ૪૦ ટકા જેટલા પરપ્રાંતીય આઈએએસ ને આઈપીએસ નથી? પ્રાંતવાદનું ઝેર આપણામાં પડેલા ગુજરાતી આત્મા માટે કમનસીબ છે. ગુજરાત એ માત્ર એક રાજ્ય નથી એક સંસ્કૃતિ છે, એક મિની ભારત છે. અહીં વિવિધ ભારતીય વસે છે. ગુજરાતીનાં દિલ કે દિમાગમાં પ્રાંતવાદનું ઝેર નથી. તે ભરવાના પ્રયાસો મર્યાદા ઓળંગે તે પહેલાં રોકવાની રાજકીય પક્ષોની ફરજ છે. કમસે કમ રાજકીય પક્ષો મતના સ્વાર્થ ખાતર પણ આને રોકે તે તેમના ખુદનાં હિતમાં છે.  શિક્ષક વિર્દ્યાિથની પર બળાત્કાર કરે, કોઈ ધર્મગુરુ પછી તે સાધુ-સંત, મૌલવી, પાદરી કે જૈન સાધુ હોય તે પોતાના ધર્મ કે પોતાનામાં શ્રદ્ધા ને વિશ્વાસ રાખનાર અનુયાયી પર બળાત્કાર કરે, કોઈ સગો કે સાવકો બાપ યા પરિવારનો નજીકનો સગો કે પડોશી બળાત્કાર કરે, કોઈ રાજનેતા કે પોલીસ જેમની જવાબદારી પ્રજાનાં રક્ષણની છે તે ખુદ બળાત્કારમાં સંડોવાયેલા હોય ત્યારે આવા નરરાક્ષસો કે વરુઓને સમાજે ઓળખવાની જરૂર છે.

નવરાત્રિ ચાલે છે ને ચારે બાજુ દેવીપૂજાનું વાતાવરણ છે છતાં દેવી સ્વરૂપ નારીની યાતનાઓ વધતી જાય છે ત્યારે થાય છે કે આપણો ધર્મ, શિક્ષણ, સંસ્કૃતિ ને સમાજ ઘડતરનાં કાર્યમાં નાપાસ થયો હોય યા નિષ્ફળ ગયો હોય તેમ લાગે છે. ક્યાંક પાયાનાં ચણતરમાં જ ખામી છે. જ્યાં જટાયુ જેવું પક્ષી સીતાનાં રક્ષણ માટે બલિદાન આપે તે દેશમાં ખુદ રક્ષકો જ ભક્ષકો બનતા હોય ત્યારે પ્રાંત કે જ્ઞા।તિનાં નામે પાડાને વાંકે પખાલીને ડામ દેવાને બદલે સમગ્ર સામાજિક પાપના મુદ્દે આત્મખોજની અત્યંત આવશ્યકતા છે.