રાફેલ ડીલ : જેટલીના આરોપ પર રાહુલ ગાંધીનો પલટવાર - Sandesh
  • Home
  • Ahmedabad
  • રાફેલ ડીલ : જેટલીના આરોપ પર રાહુલ ગાંધીનો પલટવાર

રાફેલ ડીલ : જેટલીના આરોપ પર રાહુલ ગાંધીનો પલટવાર

 | 3:24 am IST

નવી દિલ્હી, તા. ૯

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરી રાફેલ ડીલને લઈને મોદી સરકાર પર હુમલો બોલાવ્યો છે. આ વખતે રાહુલ ગાંધીએ અરુણ જેટલીના એ દાવાનો જવાબ આપ્યો છે જેમાં નાણાપ્રધાને કહ્યું હતું કે UPA દરમિયાન પણ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી ડિફેન્સ ડીલની માહિતી જાહેર કરવામાં આવતી નહોતી. રાહુલ ગાંધીએ ત્રણ અલગ-અલગ સમયે UPAના કાર્યકાળ દરમિયાન સાંસદો દ્વારા ડિફેન્સ ડીલને લઈને પૂછવામાં આવેલા સવાલોના જવાબ ટ્વિટ કર્યા છે.

રાહુલે ફરી એક વાર આ ટ્વિટમાં નાણાપ્રધાનના ટાઇટલમાં જેટલીની જગ્યાએ જેટલાઈ કરી નાખ્યું છે. આ સંબંધમાં પૂછવામાં આવતાં રાહુલે કહ્યું કે તે સ્પેલિંગ ચેક કરશે. આ અગાઉ ગુજરાતની ચૂંટણી દરમિયાન પણ રાહુલે આવું જ કર્યું હતું. ત્યારે ભાજપ સાંસદે તેમની વિરુદ્ધ વિશેષાધિકાર હનનની નોટિસ આપી હતી. રાહુલે જે ટ્વિટ કર્યું છે એમાં મનીષ તિવારી દ્વારા એરક્રાફ્ટ કેરિયર એડ્મિરલ ગોર્શકોવ ડીલ, ઓવૈસી દ્વારા સુખોઈ-૩૦ વિમાનની ડીલ અને કલિકેશ નારાયણ સિંહ દેવના સવાલો પર આપવામાં આવેલા જવાબ છે. આ સવાલ UPAના શાસનકાળમાં ડિફેન્સ ડીલ પર પૂછવામાં આવ્યા હતા અને રાહુલે તેમના જવાબ પણ એની સાથે જોડયા છે. રાહુલે UPA સરકારમાં આપવામાં આવેલા જવાબને સોશિયલ મીડિયા પર રજૂ કરીને નવો પડકાર આપી દીધો છે.

રાહુલે લોકસભામાં બોલવાની મંજૂરી માગી

રાહુલે શુક્રવારે આ મામલા પર લોકસભામાં બોલવા માટે સ્પીકર સુમિત્રા મહાજનને લેખિત નોટિસ આપી છે. એક અંગ્રેજી ચેનલ પ્રમાણે રાહુલે નિયમ ૩૫૭ હેઠળ નોટિસ આપતાં સ્પીકર પાસેથી આ મામલે બોલવાની અનુમતિ માગી છે.

વડા પ્રધાન રાફેલ વિશે કંઈ બોલી રહ્યા નથી

રાહુલે કહ્યું હતું કે નિયમ છે કે જ્યારે કોઈ સભ્ય કોઈ મુદ્દો ઉઠાવે છે તો એના પર તેને બોલવાની તક મળવી જોઈએ. જ્યારે મેં સંસદમાં બોલવાની ઇચ્છા વ્યક્ત કરી તો સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. રાફેલ ડીલ વિશે વડા પ્રધાન કંઈ બોલી રહ્યા નથી.

;