RBI Is Monitoring Monetary Tightening Between The Government : IMF
  • Home
  • Business
  • RBI સાથે તકરારમાં ઉતરેલી મોદી સરકાર પર IMFની ચાંપતી નજર

RBI સાથે તકરારમાં ઉતરેલી મોદી સરકાર પર IMFની ચાંપતી નજર

 | 8:35 pm IST

ભારતમાં રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો વકરી રહ્યા છે અને વિવાદ વધી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે(IMF) આરબીઆઈને સ્વાયત્તતા આપવા અને તેનાં કામકાજમાં સ્વતંત્રતા જાળવવાની તરફેણ કરી છે.

આઈએમએફે કહ્યું હતું કે તે આરબીઆઈ અને સરકાર વચ્ચેના ગજગ્રાહ પર સતત નજર રાખી રહ્યું છે. વિશ્વમાં કોઈપણ દેશની સેન્ટ્રલ બેન્કની સ્વાયત્તતા જળવાવી જોઈએ તેને છીનવી લેવાના પ્રયાસો થવા જોઈએ નહીં. તેણે કોઈપણ દેશની સેન્ટ્રલ બેન્કની સ્વાયત્તતા પર તરાપ મારવાના પ્રયાસોનો વિરોધ કર્યો હતો. આઈએમએફના કોમ્યુનિકેશન ડિરેક્ટર ગેરી રાઇસે કહ્યું કે, સમગ્ર ઘટના પર અમારી નજર છે અને નજર નાખતાં રહીશું. સરકારે આ મુદ્દે સૈદ્ધાંતિક રીતે પીછેહઠ કરવી જોઈએ. સેન્ટ્રલ બેન્કની જવાબદારી અને જવાબદેહિતા એ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સિસ્ટમ છે, જેને અમે ટેકો આપીએ છીએ. કોઈપણ દેશની સેન્ટ્રલ બેન્કની કે નાણાકીય નિયમનકારની કામગીરીમાં સરકાર કે ઉદ્યોગોની દખલગીરી હોવી જોઈએ નહીં.

તાજેતરમાં અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ દ્વારા તેમજ ભારતમાં સરકાર દ્વારા સેન્ટ્રલ બેન્કની કામગીરીમાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસો પછી ગેરી રાઇસે ઉપર મુજબ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક દેશોમાં હાલ આવી દખલગીરી વધી છે તેથી અમારે આવી સ્પષ્ટતા કરવાની જરૂર પડી છે.

સ્વતંત્રતા પર તરાપ મારવાના સરકારના પ્રયાસો સામે આરબીઆઈએ ચેતવણી ઉચ્ચારી

ગયા શુક્રવારે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે તેમનાં આક્રમક ભાષણમાં આરબીઆઈની સ્વતંત્રતા પર તરાપ મારવાના સરકારના પ્રયાસો સામે ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે જો સરકાર આરબીઆઈની સ્વાયત્તતા છીનવી લેશે તો તે મોટી આર્િથક મોરચે મોટી હોનારત સર્જી શકે છે. ચૂંટણીનાં વર્ષ પહેલાં તેની નીતિઓ હળવી કરવા સરકાર દ્વારા આરબીઆઈ પર દબાણ કરવામાં આવ્યું હશે તેવો સંકેત તેમનાં ભાષણ દ્વારા અપાયો હતો.

સરકારે કલમ 7 લાગુ કરતાં વિવાદ વકર્યો

સરકારે આરબીઆઈ એક્ટની કલમ 7ને લાગુ કરીને જુદા જુદા મુદ્દે આરબીઆઈના ગવર્નરને ૩ પત્રો લખ્યા હતા, જેમાં કેટલીક બાબતોમાં જાહેર હિતમાં આરબીઆઈના ગવર્નરને સૂચના આપવાની સરકારને સત્તા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ખાસ કરીને નબળી સરકારી બેન્કોને બેઠી કરવાના મામલે, બજારમાં તીવ્ર નાણાભીડના મુદ્દે તેમજ પાવર સેક્ટરમાં શકમંદ લોનોની સમસ્યા ઉકેલવાના મુદ્દે આરબીઆઈનાં વલણની સરકારે ટીકા કરી હતી અને ઝડપી તેમજ હળવી નીતિ અપનાવવા અનુરોધ કર્યો હતો. આરબીઆઈ દ્વારા તેના અમલનો ઇનકાર કરાતાં સરકાર અને આરબીઆઈ વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે સરકારની દખલગીરીના વિરોધમાં રાજીનામું આપવાની ધમકી આપ્યા પછી સરકારે કહ્યું કે આરબીઆઈ એક્ટની મર્યાદામાં રહીને સરકાર તેની સ્વતંત્રતા અને સ્વાયત્તતાનું સન્માન કરે છે અને તરફેણ કરે છે.

જેટલીએ બેન્કોની એનપીએ માટે આરબીઆઈ પર દોષનો ટોપલો ઢોળ્યો

સરકાર અને આરબીઆઈ વચ્ચેનો વિખવાદ નાણાનીતિ ઘડનારાની સ્વાયત્તતાના સંદર્ભમાં હતો. મંગળવારે નાણાપ્રધાન જેટલીએ રિઝર્વ બેન્કની ટીકા કરતાં કહ્યું હતું કે, 2008થી 2014 સુધી બેન્કો દ્વારા આડેધડ લોન અપાઈ હતી, ત્યારે રિઝર્વ બેન્કે આંખ આડા કાન કરીને તેના પર કોઈ નિયંત્રણ જાળવ્યું ન હતું. બેન્કોની હાલની સમસ્યા માટે આરબીઆઈને તેમણે જવાબદાર ગણી હતી.

રિઝર્વ બેન્કે વાતચીત માટે ઇનકાર કરતાં સરકારે કલમ 7 લગાવી

રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ દ્વારા સરકાર કે અન્ય હિતધારકો સાથે વાતચીત કરવાનો ઇનકાર કરવામાં આવતાં સરકારે કલમ 7 લાગુ પાડવાની ફરજ પડી હતી તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ બેન્કર્સ, ઇન્ડસ્ટ્રીઝ અને માર્કેટનાં લોકો સાથે મહત્વના મુદ્દા પર ચર્ચા કરતા ન હતા. આરબીઆઈનાં બોર્ડને અગાઉ રબરસ્ટેમ્પ બનાવી દેવાયું હતું તેને સરકારે વધુ સત્તા આપી હોવાનો દાવો કરાયો હતો. આરબીઆઈનાં 83 વર્ષના ઇતિહાસમાં ક્યારેય કલમ 7 લાગુ કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન