RCEP કરાર અર્થાત્ ભારતની  એક્ટ ઇસ્ટ નીતિની સાર્થકતા - Sandesh
  • Home
  • Columnist
  • RCEP કરાર અર્થાત્ ભારતની  એક્ટ ઇસ્ટ નીતિની સાર્થકતા

RCEP કરાર અર્થાત્ ભારતની  એક્ટ ઇસ્ટ નીતિની સાર્થકતા

 | 2:52 am IST

ઓવર વ્યૂ

સાત વર્ષની લાંબી વિચારણાને અંતે ભારતે પ્રાદેશિક કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઇપી) સમજૂતીમાં સામેલ ના થવા નિર્ણય લીધો હતો. બેંગકોંગ ખાતે મળેલી છેલ્લી આરસીઇપી શિખરને અંતે આપવામાં આવેલા નિવેદન પૂરા મુદ્દાને ખુલ્લો કરી દીધો. તે નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તમામ આરસીઇપી દેશો ભારતે આ સમજૂતી અંગે જે મહત્ત્વના મુદ્દા ઉઠાવ્યા છે તેના ઉકેલ માટે તમામ આરસીઇપી દેશો પ્રયાસ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદને તો આ દિશામાં આગળ પર વિચારણા કે પુનઃ વાટાઘાટો માટે કોઈ માર્ગ જ નહોતો રાખ્યો.

ભારતના નિર્ણય માટે બે મહત્ત્વનાં કારણો આગળ ધરવામાં આવ્યાં હતાં. પ્રથમ તો એમ કહેવામાં આવ્યું હતું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય સંદર્ભો આ દિશામાં મદદરૂપ નથી. ચીન-અમેરિકા વચ્ચેના વેપારયુદ્ધ અને બહુમુખી વેપાર પ્રણાલી સામે ઊભા થયેલા પડકારો આરસીઇપી વાટાઘાટો ઝડપથી સંપન્ન કરવા વધારાનાં દબાણો લાવી રહ્યાં છે. તેવા સંજોગોમાં બધાને અનુકૂળ હોય તેવી સમજૂતી ઘડી કાઢવા પરથી ધ્યાન હટી ગયેલું છે. બીજું, આરસીઇપી પેકેજના અંતિમ સ્વરૂપમાં પણ સમતોલન અને ન્યાય તોળવાનો અભાવ જોવા મળે છે. ભારતે જે ચિંતાઓ જાહેર કરેલી છે તેનું સમાધાન પેકેજમાં જોવા નથી મળી રહ્યું. ભારતે ખાસ કરીને સમજૂતીને પગલે ચીનથી થતી આયાતોમાં ઉછાળો આવશે તે મુદ્દે ચિંતા જાહેર કરી હતી. તે ઉપરાંત નન-ટેરિફ બેરિયરની સમસ્યાનાં સમાધાન, કૃષિનાં કેટલાંક ક્ષેત્રોની સુરક્ષા તેમજ સર્વિસ સેક્ટરમાં બહેતર પહોંચ મળે તે માટેની ચિંતાઓ જાહેર કરી હતી.

નિવેદનમાં જેનો ઉલ્લેખ નહોતો થયો અને આરસીઇપી સમજૂતીમાં સામેલ ના થવાના નિર્ણયને જે મુદ્દાએ પ્રભાવિત કર્યો હતો તેમાં આર્થિક મંદી અને દેશના મિજાજનો પણ સમાવેશ થતો હતો. દેશના કેટલાક ખૂણેથી આરસીઇપી સામે વિરોધ પણ વ્યક્ત થયો હતો. રાજકીય રીતે એટલું કહી શકાય કે વર્ષ ૨૦૧૯ની ચૂંટણી ઢંઢેરામાં આરસીઇપીનો ઉલ્લેખ ના હોવાથી વીતેલા સપ્તાહો દરમિયાન આ વિષયે દેશમાં ચર્ચા પણ ઓછી થઈ હતી.

પરંતુ હવે કેટલાંક વર્તુળો ભારતે આરસીઇપીમાં સામેલ થવું જોઈએ , અને પોતાની તરફેણમાં સમજૂતી સુધી પહોંચવા ગાઢ મંત્રણામાં સામેલ થવું જોઈએ તેવી દલીલ પણ કરી રહ્યા છે. આવી તક ભાગ્યે જ સામે આવતી હોય છે. આ વર્તુળો આ સંદર્ભમાં સીઆઇઆઇ દ્વારા થયેલા અભ્યાસને ટાંકતાં એમ પણ કહી રહ્યા છે કે ભારતે વર્ષ ૨૦૨૫ સુધી થોડાં વર્ષો માટે વેરાકીય છૂટછાટ મળી રહે તે માટે પ્રયાસો કરવા જોઈએ. એમ કરવામાં આવે તો ભારત સ્પર્ધાત્મક સ્થિતિમાં આવી પણ શકે. આમેય આરસીઇપી દેશો પૈકી કોઈપણ સભ્ય દેશ જૂથના કોઈ દેશ સાથે એટલી મોટી વેપારી ખાધ તો ધરાવતો નથી જ.

સીઆઇઆઇ દ્વારા થયેલા અભ્યાસમાં વર્ષ ૨૦૨૫ સુધીના એક્શન પ્લાનની રૂપરેખા પણ આપવામાં આવેલી છે. ભારત સીઆઇઆઇ માટે તૈયાર થવા આ એક્શન પ્લાનનો અમલ પણ કરી શક્યું હોત. બહારી દબાણોની સ્થિતિમાં આવા એક્શન પ્લાન મદદરૂપ બનતા હોય છે. દાખલા તરીકે નિશ્ચિત સમયાંતરે સુધારા કરીને તે દિશામાં તૈયારી કરી શકાઈ હોત.

૨૦ વર્ષ પહેલાં ભારત વિશ્વ વેપાર સંગઠનમાં કેસ હારી જતાં ભારતે આયાત પરનાં નિયંત્રણો મોટેપાયે ઉઠાવી લીધાં હતાં. એવો ભય સેવાઈ રહ્યો હતો કે દેશમાં આયાતના ઘોડાપૂર આવશે. તેની આશંકાને પગલે વાણિજ્ય મંત્રાલયમાં આયાત પર નજર રાખવા વોરરૂમ ઊભો થયો હતો. આયાતને અંકુશમાં રાખવામાં આવી. ઉદારીકરણે ઉદ્યોગોને બેઠા થવામાં મદદ કરી. વિશ્વવેપાર સંગઠનમાં એક બીજો કેસ હારી જતાં આપણી નિકાસ પ્રોત્સાહન યોજનામાં હવે સુધારા થઈ રહ્યા છે. મુશ્કેલ સુધારા માટે જાહેર અને રાજકીય સમર્થન સરળ નથી જ. મોડાં કે વહેલાં આપણે આંતરરાષ્ટ્રીય વ્યવહારોને અનુસરવું જ પડે. એકલા એકલા કોઈ નિર્ણય ના લઈ શકાય.

એવું લાગતું નથી કે ભારતે આરસીઇપી બેઠકમાં આગ્રહપૂર્વક મંત્રણા કરી હોય તેવું લાગતું નથી અને મંત્રણાને અંતે અન્ય દેશો ભારતની ચિંતાનો સ્વીકાર કરવા તૈયાર ના થયા. અન્ય દેશો વધુ છૂટછાટભર્યું વલણ અપનાવે તો ભારત વધુ ઝડપથી વિકસિત થઈ શકત. ભારત એક મોટા બજારના રૂપમાં ઊભરી શક્યો હોત. આમ થતાં આરસીઇપીના અન્ય દેશો પણ લાભાન્વિત થઈ શકત. પરંતુ આ વાતનો સ્વીકાર ના થતાં આપણે આરસીઇપી બસમાંથી નીચે ઊતરી જવાનો નિર્ણય લઈ લીધો.

ભારત આરંભથી જ આરસીઇપી મંત્રણાઓ વિષે જરાપણ શંકા નહોતું સેવતું. કેમ કે અન્ય તમામ દેશો (કંબોડિયા, લાઓસ અને મ્યાનમારને બાદ કરતાં અન્ય દેશો. આ ત્રણ દેશો તો સૌથી ઓછા વિકસિત છે અને આ દેશો પ્રતિ સંગઠનનું વલણ હંમેશા નરમ રહ્યું) એપીઇસીના સભ્ય દેશો છે વિવિધ તબક્કે મંત્રણામાં ભાગ લેતા રહ્યા હતા. એપીઇસી તો વર્ષ દરમિયાન ૩૦૦ જેટલી બેઠક યોજીને સભ્ય દેશોના માઇન્ડસેટમાં ફેરફાર કરવા હંમેશા પ્રયાસશીલ રહે છે. આરસીઇપી મારફતે એસીઇપી જૂથના સભ્ય દેશોના સંપર્કમાં આવીને તેમનો ફાયદો ભારત લઈ શક્યું હોત. આ સંપર્કને પલગે એસઇપીના સભ્ય દેશો સાથે સીધી મંત્રણા કરીને પારસ્પરિક કરારો કરીને સપ્લાય ચેઇન પણ ઊભી કરી શકાઈ હોત.

આશા રાખીએ કે આરસીઇપીમાં સામેલ ના થવાના નિર્ણયને કારણે ભારતના નિકાસલક્ષી વિસ્તાર અને સ્પર્ધાત્મકતામાં વધારો કરવાની રાહમાં અવરોધ નહીં સર્જાય એને આયાતની માગ પણ નહીં ઘટે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુકૂળ રીતે દેશમાં આયાતનું નિયમન પણ જરૂરી છે, પરંતુ આ દિશામાં ઓછું ધ્યાન અપાઈ રહ્યું છે. હવે તો આ જૂથના સભ્યદેશો વધુ રોકાણ પણ મેળવવાના છે. તેવામાં આપણે આરસીઇપીમાં ભાગીદાર ના બન્યા તેનો અર્થ એ નહીં કે આપણે આ જૂથના સભ્યદેશોના નિકાસ લક્ષ્યાંક નહીં બનીએ. આપણે નિકાસ લક્ષ્યાંક ના બનીએ તે માટે પણ સાવધ રહેવું પડશે.

દેશની બજાર પહોંચને સુરક્ષિત કરીને તેનો વિસ્તાર કરવાને મુદ્દે વિશ્વવેપાર સંગઠન હવે ભરોસાપાત્ર નથી રહ્યું. તેવામાં આપણી સૌથી વધુ નિકાસો પહોંચે છે તેવા અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો સફળતાપૂર્વક સંપન્ન કરવી તે આપણી અગ્રિમતા રહેવી જોઈએ.

મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ની વાત છે ત્યાં સુધી આપણે આ મુદ્દે પૂર્વ તરફ વધુ ધ્યાન આપ્યું છે. પશ્ચિમના એક પણ દેશ સાથે આપણે મુક્ત વેપાર સમજૂતી ધરાવતા નથી. આરસીઇપી મંત્રણામાં થયેલા અનુભવો આધારે કહી શકાય કે આગામી પાંચ વર્ષ માટે ભારત વાસ્તવલક્ષી એફટીએ વ્યૂહો ઘડી કાઢે તે જરૂરી છે. વધુમાં ભારત વર્તમાનમાં જે મુક્ત વેપાર સંધિઓ ધરાવે છે તેમાંથી વધુ લાભો મેળવવા પણ જરૂરી છે. વર્તમાન મુક્ત વેપાર સમજૂતીઓઓમાંથી જ આપણો પૂરતો લાભ ના મેળવી શકીએ તો વધુ મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવા તમામ હિતધારીઓ તરફથી સમર્થન મેળવવું મુશ્કેલ હોય છે.

ભારત આરસીઇપીમાં સહભાગી બન્યું હોત તો આપણી એક્ટ ઇસ્ટ નીતિને કદાચ વધુ બળ મળ્યું હોત. લૂક ઇસ્ટ નીતિની વાત કરીએ તો રાજકીય મોરચાને મુકાબલે આર્થિક મોરચે પિલર નબળા રહ્યા છે. ભારતે આરસીઇપીની બહાર થઈ જવા નિર્ણય લઈ લેતાં ભારત-પ્રશાંત જેવા દૃષ્ટિકોણને હવે જીવતો રાખવો હોય તો દ્વિપક્ષી વેપાર અને પારસ્પરિક રોકાણો પર વધુ ધ્યાન આપવું પડશે.B

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન