સુપ્રીમ કોર્ટ જજ વિવાદ : જાણો કોણે શું કહ્યું - Sandesh
  • Home
  • India
  • સુપ્રીમ કોર્ટ જજ વિવાદ : જાણો કોણે શું કહ્યું

સુપ્રીમ કોર્ટ જજ વિવાદ : જાણો કોણે શું કહ્યું

 | 6:15 pm IST

સુપ્રીમ કોર્ટના 4 સૌથી સિનિયર જજ દ્બારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવાની ઘટનાને કાયદાના નિષ્ણાંતો અભૂતપૂર્વ ગણાવી હતી. કેટલાક નિષ્ણાંતોએ તેને આશ્ચર્યજનક ગણાવી હતી તો કેટલાકનું કહેવું હતું કે આ પ્રકારના પગલા પાછળ કોઈ મોટા કારણ હોઈ શકે છે. કાયદાના કેટલાક જાણકારોએ આજના ઘટનાક્રમને ન્યાયિક વ્યવસ્થાની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવનારું ગણાવ્યું છે.

 ઉજ્જવલ નિકમ

આ મામલે વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે પોતાની પ્રતિક્રિયા આપી છે. નિકમે ન્યાયાધિશોના આ નિર્ણયને ન્યાયપાલિકા માટે કાળો દિવસ ગણાવ્યો છે. નિકમે કહ્યું છે કે, જજોએ પોતાની ફરિયાદો રજુ કરવા માટે પ્રેસ કોન્ફરન્સના બદલે બીજો કોઈ માર્ગ અપનાવવો જોઈતો હતો. આ પગલા બાદ દેશનો સમાન્ય માનવી કોર્ટના દરેક નિર્ણય પર સવાલ ખડા કરી શકે છે. નિકમે જણાવ્યું હતું કે, હવેથી દરેક વ્યક્તિ ન્યાયપાલિકાના દરેક આદેશને શંકાની નજરે જોઈ શકે છે અને દરેક નિર્ણય પર પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે.

અમિતાભ સિન્હા

ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અમિતાભ સિન્હાએ કહ્યું હતું કે, જજોએ એક્ટિવિઝમમાં શામેલ ના થવું જોઈએ. તેમણે રાજીનામા આપવા જોઈતા હતાં અને ત્યાર બાદ દેશના લોકો સમક્ષ આવવું જોઈતું હતું. તેમણે સર્વોચ્ચ અદાલતની પ્રતિષ્ઠા ઘટાડવાનું કામ કર્યું છે. સિન્હાએ કહ્યું હતું કે આજે આ ચારેય જજ અને પ્રશાંત ભૂષણ વચ્ચે કોઈ જ અંતર રહ્યું નથી. લોયા જજ કેસમાં આ જજો એક્ટિવિસ્ટ બનવા માંગે છે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

સિન્હાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા વધુમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં 23 જજ છે, પરંતુ સમસ્યા માત્ર 4 જજને જ છે. મતભેદોને આંતરીક રીતે જ ઉકેલી લેવા જોઈતા હતાં. સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવાની જરૂરીયાત નથી જણાતી.

ભૂતપૂર્વ કાયદામંત્રી

ભૂતપૂર્વ કાયદા મંત્રી હંસરાજ ભારદ્વાજે કહ્યું હતું કે, તેઓ પ્રેસ કોન્ફરન્સ કરનારા જજો સાથે અસહમત છે. ચીફ જસ્ટિસ ઓફ ઈંન્ડિયા આ માટે બેચની રચના કરી શકે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, સરકારે આ જજો સાથે વાત કરવી જોઈએ.

સુબ્રમણ્યમ સ્વામી

ભાજપના વરિષ્ઠ નેત અને વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, આ ચારેય જજ ખુબ જ ઈમાનદાર છે. તેમની નીયત પર સવાલ ના ઉઠાવી શકાય. જજોએ ખુબ જ ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યાં છે. સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે.

સમલાન ખુર્શીદ

ભૂતપૂર્વ કાયદા મંત્રી અને વરિષ્ઠ વકીલ સલમાન ખુર્શીદે જજોની પ્રેસ કોન્ફરન્સ બાબતે કહ્યું હતું કે, આ ખુબ જ દુખદ અને પીડાદાયક છે. દેશની સર્વોચ્ચ અદાલતની એ હાલત થઈ ગઈ છે કે જજોએ મીડિયા સમક્ષ આવીને પોતાની વાત કરવી પડી રહી છે.

પ્રશાંત ભૂષણ

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આ મામલે કહ્યું હતું કે, આ ખુબ જ ગંભીર બાબત છે જેને ચીફ જસ્ટિસને જ સવાલોના ઘેરામાં ખડાં કરી દીધાં છે. પ્રશાંત ભૂષણે આક્ષેપ કર્યો હતો કે સીજેઆઈ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી રહ્યાં છે અને તેમના વિરૂદ્ધ અવાજ બુલંદ કરવો અભૂતપૂર્વ બાબત છે.

CPM

કમ્યૂનિસ્ટ પાર્ટી માર્ક્સવાદ (CPM)એ કહ્યું છે કે, ન્યાયપાલિકાની નિષ્ઠાને વેચી ન શકાય. જે પણ થયું તે અભૂતપૂર્વ હતું, આશા છે કે વિવાદ ઉકેલાઈ જશે.

કેટીએસ તુલસી

વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ ઘટનાને આશ્ચર્ય પમાડનારી ગણાવતા કહ્યું હતું કે, જરૂર કોઈ મોટી બાબત રહી હશે તો જ વરિષ્ઠ જજોએ આ પગલું ભર્યું હોય. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ જજોના ચહેરા પર દર્દ ઝલકાતું હતું.