Read The 6th Part of Novel Padmaja by Devendra Patel
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પ્રકરણ – 6 : તમે આજની રાત લાઈટહાઉસ પર ન જાવ તો નહીં ચાલે?

પ્રકરણ – 6 : તમે આજની રાત લાઈટહાઉસ પર ન જાવ તો નહીં ચાલે?

 | 7:00 am IST
  • Share

નવલકથા

પ્રકરણ-૬  

આજે રાત્રે ફરી એકવાર વિશ્વંભર લાઈટહાઉસનાં પગથિયાં ચડીને નિયંત્રણ ખંડ સુધી પહોંચ્યો. એણે સમુદ્રમાં આવતાંજતાં જહાજોને રસ્તો બતાવવા લાઈટહાઉસની જ્યોત પ્રગટાવી. કેટલીયે વાર સુધી નાની બારીમાંથી કાળા દેખાતા સમુદ્રને તે જોઈ રહ્યો.

થોડીવાર એ ટેબલ પર બેઠો. એ ખંડમાં એક રેડિયો હતો. રેડિયો ચાલુ કર્યા પણ એ હજુ મૂંઝવણમાં હતો. રેડિયો બંધ કરીને એણે આંખો બંધ કરી. એ મનોમન બોલ્યોઃ ‘મા, હું કાંઈ ખોટું તો કરતો નથીને? શું હું ખરેખર મહાશ્વેતાને પ્રેમ કરું છું માટે પરણવા માંગું છું કે પછી તેની પર દયા ખાવા માંગું છું?’

પણ અહીં જવાબ કોણ આપે?

એટલી વારમાં બહાર વાદળોનો ગડગડાટ થયો. વીજળીના ચમકારા થયા. થોડીવાર બાદ એણે ઊભા થઈને જોયું તો બહાર ધીમો વરસાદ વરસી રહ્યો હતો. લાઈટહાઉસની ચારે તરફ ફરતી ફ્લેશમાં એણે જોયું તો દૂરદૂર પસાર થતા એક સમુદ્રી જહાજની લાઈટો દેખાતી હતી. પીરમગઢના લાઈટહાઉસની સર્ચલાઈટ એને રસ્તો દર્શાવતી હતી.

એ ફરી ટેબલ પાસેની ખુરશીમાં બેસી ગયો. એ ફરી આંખો બંધ કરીને સ્વગત જ બોલ્યોઃ ‘ઠીક છે, મા. મેં હવે મહાશ્વેતા સાથે લગ્ન કરવાનો પાક્કો નિર્ણય લઈ લીધો છે. મને કાંઈ થઈ જાય તો ભગવાન એને સંભાળી લે એવા આશીર્વાદ આપો મા.’

અને વિશ્વંભર મનોમન તેની માતાને યાદ કરી માનું સ્વરૂપ મનઃચક્ષુ સમક્ષ પ્રગટાવી વંદન કરી રહ્યો.

૦ ૦ ૦

મહાશ્વેતાનું ઘર.

આજે ફરી એકવાર વિશ્વંભર અને મહાશ્વેતા બેઠેલાં છે. ગામના કેટલાક વડીલો આવીને શોક પ્રર્દિશત કરીને જતા રહેતા હતા. એ લોકો કેટલાયે દિવસોથી મહાશ્વેતા અને વિશ્વંભરને અને તેમના સાનિધ્યને જોતાં હતા.

લગભગ બપોરે લોકોની અવરજવર બંધ થઈ ગઈ. મહાશ્વેતાએ જાતે જ જમવાનું બનાવ્યું. બેઉ જણ સાથે જ જમ્યાં. ફરી તેઓ દીવાનખંડમાં આવ્યાં.

વિશ્વંભરે ધીમેથી વાત શરૂ કરીઃ ‘મહાશ્વેતા, મમ્મીના અવસાનનો શોક પૂરો થાય તે પછી આપણે લગ્ન તો કરી લઈશું પણ તારે મારા વિશે કાંઈ પૂછવું નથી?’

‘ના’

‘કેમ?’

‘મારી માએ તમને મારા માટે પસંદ કરી લીધા છે.’

‘ફરી તેં મને ‘તમે’ કેમ કહ્યું?’

‘કારણ ખબર નથી.’

વિશ્વંભર બોલ્યોઃ ‘તું ભલે મને ના પૂછે પણ મારે એક બે વાતો તારી સાથે કરી લેવી છે.’

‘કઈ?’

વિશ્વંભર બોલ્યોઃ ‘આપણે લગ્ન કરીએ તે પહેલાં તારે મારા પરિવાર વિશે જાણી લેવું જોઈએ. જો હું ચંદ્રનગરના મહારાજાના દિવાન પંડિત દીનાનાથનો પુત્ર છું. મારા પિતા સંસ્કૃતના પંડિત પણ હતા અને મહારાજાના વિશ્વાસુ સલાહકાર પણ. મહારાજા સ્વયં અનેક શાસ્ત્રોના જાણકાર અને વિદ્વાન હતા. મારાં માતા પદ્મજા દેવી અત્યંત પવિત્ર, ગુણિયલ અને માયાળુ હતાં. મારે કોઈ ભાઈ કે બહેન નથી. અને હવે તો મારાં માતા-પિતા પણ નથી. મારા પિતાએ મને પૂણેની ફરગ્યુસન કોલેજમાં ભણાવ્યો. હું ગ્રેજ્યુએટ થયો પણ મેં દેશસેવા માટે ભારતના નૌકાદળમાં જવાનું પસંદ કર્યું: હું નેવી ઓફિસર બન્યો. એક યુદ્ધ દરમિયાન મારા પગે ગોળી વાગી. મને ચાલવાની કોઈ તકલીફ નથી પરંતુ નેવીના નિયમો પ્રમાણે નેવલ ઓફિસર તરીકે હું અનફીટ હોઈ સરકારે મને સમુદ્રમાં જહાજોને રસ્તો દર્શાવવા અહીં આ લાઈટહાઉસના કીપર તરીકે મૂક્યો છે. મારે કોઈ દુશ્મન દેશનું જહાજ ભારતની સરહદમાં ઘૂસી ન જાય તે ખબર પણ રાખવાની છે. મારે તને કહી દેવું જોઈએ કે હું નેવી તરફથી દુશ્મન દેશોનાં જહાજો પર નજર રાખવા નીમાયેલો નેવીની ઈન્ટેલિજન્સ બ્રાંચનો ઓફિસર પણ છું.’

મહાશ્વેતા બોલીઃ ‘આ તો સારી વાત છે કે તમે દેશસેવાનું કામ કરો છો.’

વિશ્વંભર બોલ્યોઃ ‘હવે બીજી વાત. મમ્મીનો શોક પૂરો થઈ જાય તે પછી આપણે મંદિરમાં જઈ સાદગીથી લગ્ન તો કરી લઈશું પરંતુ હું તને ફરી વાર પૂછું છું કે તું એક લાઈટહાઉસ કીપર સાથે લગ્ન કરવા જઈ રહી છે. ભૂતકાળની ઘટનાઓ જોતાં તને કોઈ ડર નથી?’

મહાશ્વેતા બોલીઃ ‘ના…મને કોઈ ડર નથી. મારી માએ તમને પસંદ કરી લીધા છે. મારે હવે બીજું કાંઈ વિચારવાનું નથી. મારી મા ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર મહિલા હતાં, અંધશ્રદ્ધાળુ નહીં.’

‘પણ…!’

‘જે થવાનું હોય તે થાય. જેટલી તકલીફો આવવાની હોય તે આવે. હું સામનો કરતી રહીશ. દુઃખોનો સામનો કરતાં કરતાં હારી જઈશ તો તે પણ જીવનનો એક ભાગ છે તેમ સમજીને વાસ્તવિક્તા સ્વીકારી લઈશ. તમારા સિવાય હવે બીજો કોઈ પુરુષ મને પતિ તરીકે સ્વીકાર્ય નથી.’

વિશ્વંભર શાંતિથી મહાશ્વેતાની વાતને સાંભળી રહ્યો. થોડીવાર બાદ તે ફરી બોલ્યોઃ ‘હવે ત્રીજી વાત. જો મહાશ્વેતા, મારી ડયૂટી રાતની હશે. રાતોની રાતો મારે સમુદ્રના ટાપુ પરના લાઈટહાઉસમાં ગુજારવી પડશે. બહુ ઓછી રાતો તારી સાથે ગુજારી શકીશ.’

‘કોઈ વાંધો નહીં, દિવસે તો રહેશોને મારી સાથે?’

વિશ્વંભરે સ્મિત આપ્યું. એ ધીમેથી બોલ્યોઃ ‘હા, કોઈકોઈ વાર દિવસને પણ રાતમાં પલટી શકાય છે.’

મહાશ્વેતા સહેજ શરમાઈ.

વિશ્વંભરે પૂછયું: ‘કેમ કાંઈ બોલી નહીં?’

મહાશ્વેતા ધીમેથી બોલીઃ ‘હું તો રોજ દિવસને રાતમાં અને રાતને દિવસમાં પલટી નાંખીશ’

વિશ્વંભર ફરી બોલ્યોઃ ‘હવે ચોથી વાત. લાઈટહાઉસના કીપર તરીકે સરકારે મને લાઈટહાઉસના ટાપુ પર જ એક ક્વાર્ટર આપેલું છે. હજુ હું ત્યાં રહેવા ગયો નથી. તને મારી સાથે ત્યાં રહેવાનું ફાવશે?’

‘તમારી સાથે હું જંગલમાં પણ રહેવા તૈયાર છું. પણ શું તમે મારાં માતા-પિતાને તમારાં માતા-પિતા ગણતા નથી?’

‘કેમ આવું પૂછે છે?’

‘મારું આ ઘર એ તમારું ઘર નથી? મારે ઉપર જતી વખતે સાથે બાંધીને લઈ જવાનું છે? તમારે મને જ્યાં રાખવી હોય ત્યાં રહેવા તૈયાર છું. બસ, મને તો તમારી સાથે જ રહેવું છે. મારી એટલી જ ઇચ્છા છે કે અહીં મારી માતાની સ્મૃતિઓ સચવાયેલી છે તેથી તમે અહીં રહો તો મારી માતાના આત્માને શાંતિ મળશે.’

વિશ્વંભર બોલ્યોઃ ‘ઠીક છે. જેવી તારી ઇચ્છા. મારી પણ એક ભવ્ય હવેલી ચંદ્રનગરમાં છે. મહારાજાએ મારા પિતાને ભેટ આપેલી એ હવેલીમાં અઢાર રૂમ છે પણ હવે ત્યાં રહેનારું જ કોઈ નથી. હું અહીં જ તારી સાથે રહીશ.’

અને મહાશ્વેતાના ચહેરા પર ખુશી અને સંતોષ છલકતાં જોઈ વિશ્વંભરને પણ આનંદ થયો.

૦ ૦ ૦

મહાશ્વેતાનાં માતા મંદાકિનીના અવસાનનો શોક પૂરા થયાના દિવસો પસાર થઈ ગયા. મહાશ્વેતાએ માતાની ઇચ્છાનુસારની બધી જ ધાર્મિક વિધિઓ પૂરી કરી દીધી. માના આત્માની શાંતિ માટેની કોઈ વિધિ કે દાન બાકી ન રાખ્યાં.

કેટલાક દિવસો બાદ પીરમગઢની જ એક ટેકરી પર આવેલા એક મંદિરમાં ગામના કેટલાક વડીલોની હાજરીમાં સાદગીથી મહાશ્વેતા અને વિશ્વંભર પરણી ગયાં. લગ્નની વેદી પણ મંદિરના પ્રાંગણમાં જ ઊભી કરવામાં આવી. વિદ્વાન પંડિતે પવિત્ર મંત્રોચ્ચાર કર્યા. સપ્તપદીના સાત ફેરા પણ ફરી લીધા. બેઉએ એકબીજાને ફૂલની માળા પહેરાવી. મહાશ્વેતાએ પતિ બનેલા વિશ્વંભરના ચરણસ્પર્શ કર્યા અને બોલીઃ ‘આ સાત ડગલાં તમારી સાથે ચાલી એટલે એમાં બધું આકાશ આવી ગયું.’

વિશ્વંભરે સ્મિત આપ્યું. ગામમાંથી આવેલા વડીલોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા. મહાશ્વેતા અને વિશ્વંભરે લગ્નવિધિ કરાવનાર બ્રાહ્મણને દાન-દક્ષિણા આપી એમના પણ આશીર્વાદ લઈ લીધા.

અને પીરમગઢના મંદિરમાં આજે એક ખુશીનો માહોલ છલકાયો.

૦ ૦ ૦

સાંજ પડી ગઈ.

વિશ્વંભર અને મહાશ્વેતા હવે ઘેર પાછાં આવી ગયાં. બેઉ માતાના શયનખંડમાં ગયાં. માતાની તસવીરને પગે લાગ્યાં, પરંતુ આજે તેની બાજુમાં જ એક બીજી તસવીર લાગેલી હતી જે મહાશ્વેતાના પિતાની હતી. આ તસવીર અત્યાર સુધી બીજા રૂમમાં હતી પણ આજે સવારે જ પિતાની તસવીર પણ મહાશ્વેતાએ માની તસવીરની બાજુમાં લટકાવી દીધી હતી.

વસ્ત્રો બદલીને બેઉ દીવાનખંડમાં પાછાં આવ્યાં. મહાશ્વેતા બોલીઃ ‘હું થાકી ગઈ છું. સ્નાન કરીને આવું છું. તમે પણ સ્નાન કરી લો.’

વિશ્વંભર બોલ્યોઃ ‘પણ મારે અત્યારે લાઈટહાઉસ જવું પડશે.’

મહાશ્વેતા મૌન રહી. થોડીવાર બાદ એ સ્ત્રીસહજ ભાવે બોલીઃ ‘આજે રાત્રે પણ…?’

‘હા મહાશ્વેતા, મારી ડયૂટી તો રાત્રે જ હોય છે ને!’

‘પણ…!’

વિશ્વંભર બોલ્યોઃ ‘જો મહાશ્વેતા, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે હું રાત તને આપી શકીશ નહીં. મારે સમુદ્રી જહાજોને અંધારામાં અટવાવાં દેવાં નથી. હું એક નેવી ઓફિસર છું. એક શિસ્તબદ્ધ નૌકા અધિકારી છું.’

‘પણ…!’ મહાશ્વેતાના આ એક જ શબ્દમાં નવપરણેતરની આજીજી હતી. થોડીવાર ખામોશ રહ્યા બાદ મહાશ્વેતા વિશ્વંભરની નજીક આવી અને એને વળગી રહી. પોતાના બંને હાથ એણે વિશ્વંભરની આસપાસ વીંટાળી દીધા. જાણે કે તે આજે રાત્રે વિશ્વંભરને ક્યાંયે જવા જ દેવા માંગતી નહોતી. વિશ્વંભર કાંઈ જ બોલ્યો નહીં. છેવટે મહાશ્વેતા જ બોલીઃ ‘સારું જવું હોય તો ભલે જાવ…પણ જમીને તો જશોને? હું ફટાફટ કાંઈક બનાવી દઉં છું. થોડોક કંસાર પણ બનાવીશ.’

વિશ્વંભર બોલ્યોઃ ‘ઠીક છે, હું સ્નાન કરી લઉં…ત્યાં સુધીમાં તારે જે બનાવવું હોય તે બનાવ. હવે રાત થવાની તૈયારી છે. મારે લાઈટહાઉસની ફ્લેશ ચાલુ કરવી પડશે.’

અને મહાશ્વેતા રસોડામાં ગઈ. એણે ઝડપથી થોડીક રસોઈ બનાવી લીધી. થોડોક કંસાર પણ રાંધ્યો. ઝડપથી જમવાનું પીરસી દીધું. બેઉ જણ ડાઈનિંગ ટેબલ પર બેસી સાથે જ જમ્યાં. ભોજન પતાવીને વિશ્વંભર ઊભો થયો. વોશબેસીન પાસે જઈ હાથ ધોયા. હાથ લૂછતાંલૂછતાં એ બોલ્યોઃ ‘હું જાઉં છું, મહાશ્વેતા!’

મહાશ્વેતા સહેજ દુઃખી સ્વરે બોલીઃ ‘આજની રાત તો રોકાઈ જાવો. આજની રાત લાઈટહાઉસ પર ન જાવ તો નહીં ચાલે?’

‘ના!’

‘ઠીક છે. હું દરેક વાતમાં તમારી સાથે છું. તમે મારા સાથે સાત ફેરા ફર્યા એટલું જ મારા માટે પૂરતું છે. તમને મારો હંમેશાં સહયોગ મળતો રહેશે. હું તમારા દરેક કદમમાં કદમ મીલાવતી રહીશ.’

વિશ્વંભર બોલ્યોઃ ‘થેંક્સ, મહાશ્વેતા હું જાઉં છું.’

મહાશ્વેતા બોલીઃ ‘સારું હવે જવું હોય તો ભલે જાવ…પણ પેલી ‘પદ્મજા’ વાળી વાત ભૂલતા નહીં?’

‘એટલે?’

મહાશ્વેતા બોલીઃ ‘તમારે મને એક દીકરી આપવાની છે – ‘પદ્મજા.’ ‘

વિશ્વંભર મહાશ્વેતાને જોઈ રહ્યો.

મહાશ્વેતા ફરી શરમાઈ.

વિશ્વંભર હસ્યો. જતાંજતાં તે બોલ્યોઃ ‘હું અત્યારે તો જાઉં છું પણ…રાત્રે એકલી તુ શું કરીશ?’

મહાશ્વેતા બોલીઃ ‘હું આખી રાત જાગતી રહીશ. તમારી રાહ જોઈશ.’

અને વિશ્વંભર લાઈટહાઉસ તરફ રવાના થયો.

હવે અંધારું થઈ ગયું હતું, પરંતુ રાત હજુ બાકી હતી. વાત હજુ બાકી હતી.

૦ ૦ ૦

રાત ઘણી વહી ગઈ હતી.

પીરમગઢ આખું શાંત થઈ ગયું હતું. દરિયો હજુ મોજાં ઉછાળતો હતો. ક્યાંક ક્યાંક કૂતરાં ભસતાં હતાં. લોકો હવે તેમના ઘરમાં દીવા બંધ કરી સૂઈ ગયાં હતાં. આખા ગામ પર એક અંધારપછેડો વીંટળાઈ ગયો હતો પરંતુ હવેલીની બારીમાં ઝાંખો પ્રકાશ દેખાતો હતો.

મહાશ્વેતા હજુ ઊંઘી નહોતી. લગ્નની પ્રથમ રાત્રિ હોવા છતાં આજે તે એના શયનખંડમાં એકલી જ હતી.મોડી રાત્રે પણ પતિ થોડીવાર માટે ઘેર આવશે તેવી આશા સાથે તે સ્નાનાગૃહમાં ગઈ. રાત્રે જ જળમાં ગુલાબજળ નાંખી સ્નાન કર્યું. એણે ફરી પાનેતર પહેર્યું. દેહ પર મોગરાનું અત્તર લગાવ્યું. દર્પણમાં જોઈ માથાના વાળ સરખા કરી લીધા. કપાળમાં મોટો લાલ ચાંદલો કર્યો. તે પછી તે રસોડામાં ગઈ. એક થાળીમાં આરતી તૈયાર કરી લાવી . તેમાં ઘીના દીવાની વાટ, કંકુ, ચોખા વગેરે હતાં. એ સ્વગત બોલીઃ ‘ એ રાત્રે આવશે તો હું પહેલાં તેમની આરતી ઉતારીશ. પછી જ દાંપત્યજીવનનો આરંભ કરીશ.’

આરતીની એ થાળી લઈને તે તેના શયનખંડમાં આવી. આરતીની થાળી એક ટેબલ પર મૂકી. તે પછી એણે તેના પલંગ પર સાવ નવી શ્વેત ચાદર પાથરી ઓશીકાં ગોઠવ્યાં. પથારી સરખી કરી. બાજુના ટેબલ પર વીંઝણો મૂક્યો. દીવાલ પરના લેમ્પની જ્યોત ધીમી કરી અને બાલ્કનીમાં ગઈ. ‘મોડા મોડા પણ વિશ્વંભર આજે રાત્રે તો આવશે જ’- તેવી ઝંખના સાથે રાતના અંધકારમાં પણ રસ્તા પર નજર માંડીને બાલ્કનીમાં જ ઊભી ઊભી પતિના આવવાની રાહ જોવા લાગી.

રાત આગળ ધપતી ગઈ. મહાશ્વેતા હજુ બાલ્કનીમાં જ ઊભી હતી.એણે જોયું તો લાઈટ હાઉસની ફ્લેશ લાઈટ કાળા અંધારા દરિયા પર ફંગોળાતી હતી. પરંતુ મહાશ્વેતાનું હૃદય પણ દરિયાની જેમ કોઈ ચિંતાના ઊંડાણમાં ડૂબેલું હતું. મહાશ્વેતા વિચારતી હતી કે ‘આજે તો લગ્નની પ્રથમ રાત્રિ છે એટલે મારા પતિ મોડા મોડા પણ ઘેર જરૂર આવશે. હું રાતભર તેમની રાહ જોઈશ. એ નહીં આવે ત્યાં સુધી હું અહીં બાલ્કનીમાં જ ઊભી રહીશ.’

કાળા ડિબાંગ અંધારામાં લાઈટહાઉસની ફ્લેશ હવે વધુ ચમકતી હતી. બીજી બાજુ પીરમગઢ પર રાતનો સૂનકાર વધ્યો હતો. મહાશ્વેતા હજુ એ અંધકારમાં મેઘરાજાની રાહ જોતાં ચાતક પક્ષીની જેમ પતિના આવવાની રાહ જોતી ઊભી હતી.એ ત્યાંથી ખસવા માંગતી નહોતી. આજે મહાશ્વેતા એક અડગ સતી જેવી લાગતી હતી.

એણે અંધકારમાં આકાશ તરફ જોયું તો શુક્રનો તારો આજે વધુ ચમકતો હતો.

(ક્રમશઃ)

  • devandrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન