Ready to take on the challenge of tackling Vaidya Corona if the government allows it
  • Home
  • Ahmedabad
  • સરકાર મંજૂરી આપે તો વૈદ્યો કોરોના નાથવાનો પડકાર ઝીલવા તૈયાર, જાણો કેવી રીતે સારવાર કરશે?

સરકાર મંજૂરી આપે તો વૈદ્યો કોરોના નાથવાનો પડકાર ઝીલવા તૈયાર, જાણો કેવી રીતે સારવાર કરશે?

 | 8:29 am IST

કોરોના વાઇરસથી થકી કોવિડ-૧૯ બીમારીની કોઈ દવા મોર્ડન મેડિકલ સાયન્સ પાસે નથી. પરંતુ આયુર્વેદમાં કોરોના વાઇરસના લક્ષણો સન્નીપાત જ્વર સાથે મળતા આવે છે. આયુર્વેદનું વિશદ્ જ્ઞાન ધરાવતા ઘણા આયુર્વેદાચાર્યોએ સરકાર પાસે કોરોના દર્દીનો ઇલાજ કરવાની મંજૂરી માગી છે. જો કે સરકારે હજુ સુધી એક પણ આયુર્વેદના વૈદ્યોને કોરોનાની સારવાર કરવા મંજૂરી આપી નથી.

ચાઈનામાંથી કોરોના વાઇરસનો ઉદ્દભવ થયો હતો. પરંતુ આ વાઈરસની કોઈ દવા નહીં હોવાના કારણે ચાઈનાની લોકલ તબીબી પદ્વતિ ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસિનનો(કેજે ટીસીએમ તરીકે પણ ઓળખાય છે તેનો) તબીબોએ ઉપયોગ શરૂ કર્યો અને ૭૩ ટકા કેસમાં ઝડપી રિક્વરી થઈ હોવાનો દાવો ચાઈનાના ન્યૂઝ પેપરોમાં થયો હોવાના દાવાના આધારે અમદાવાદ-ગુજરાતના આયુર્વેદના વૈદ્યોએ પણ આયુર્વેદિક ઉપચારથી કોરોનાના દર્દીની સારવાર શક્ય હોવાનો દાવો કર્યો છે.

વૈદ્યોનો મત એવો છે કે હાલમાં તબીબી સારવાર માટે વૈશ્વિક કક્ષાએ શ્રેષ્ઠ મનાતા રાષ્ટ્રો પણ કોરોના આગળ લાચાર છે. હજુ સુધી કોરોનાની વેક્સિન બની નથી. ત્યારે આયુર્વેદ પાસે તેનો ઉપાય છે. વૈદ્યોના મતે ભાવ પ્રકાશ સંહિતામાં સન્નીપાત જ્વર વિશે વર્ણન છે તે કોરોનાના લક્ષણ સાથે મળતું આવે છે.

કોરોનાના દર્દીને શ્વાસ ચડે છે. સૂકી ઉધરસ આવે છે અને તાવ રહે છે. જ્યારે સન્નીપાત જ્વરમાં પણ દર્દીને શ્વાસ ચડે છે, કાસ એટલે સૂકી ઉધરસ અને જ્વર એટલેકે તાવ રહે છે. હદયગ્રહ એટલે સિવિયર ચેસ્ટ પેઇન, કંઠગ્રહ એટલે ગળું પકડાવું અથવા અવાજ બેસી જવો. પાર્શ્વશૂલ એટલે બગલની નીચેના ભાગમાં દુઃખાવો થવો.

જો આયુર્વેદના વૈદ્યોને છૂટ આપવામાં આવે તો મોતના મુખમાં ધકેલાતા ૫૦ ટકા દર્દીઓને બચાવી શકાય તેમ છે. દર્દીને ન્યુમોનિયા થાય તે પહેલાં અટકાવી શકાશે. હાલમાં કોરોનામાં ૧૪ દિવસનો સમય લાગે છે તેને આયુર્વેદિક ઉપચારથી ઘણો ઘટાડી શકાશે. ૯૮ ટકા રિકવરી ટાઇમ ઘટાડી શકાશે તેવો દાવો પણ વૈદ્યો કરી રહ્યાં છે.

વૈદ્યોના મતે આયુષ પાસે પણ કોરોનાના દર્દીની સારવાર કરવા મંજૂરી માગવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આપી નથી. તેના બદલે પુરાવા માગવામાં આવે છે. ઘણા વૈદ્યોએ કહ્યું કે અમને ફક્ત ૧૦ દર્દી આપો. અમે તેમનો ઉપચાર કરીશું. દર્દીની સારવાર કરવાની મંજૂરી આપો તો અમે પુરાવા આપીએને. દર્દી વગર પુરાવા કેવી રીતે આપવા ?

કેવી રીતે સારવાર કરવામાં આવશે ?

આયુર્વેદના જાણકાર વૈદ્યોના મતે જુદા જુદા ઉકાળા અને ટેબ્લેટ આપીને દર્દીને સિવિયર એક્યૂટ રેસ્પરેટરી ઇન્ફેક્શનમાં જતા બચાવી શકાય છે. બીજું દર્દીના આહારને નિયંત્રિત કરવામાં આવશે. તેના દ્વારા કોરોનાને કંટ્રોલ કરવામાં આવશે. જે દર્દીની હાલત ગંભીર છે તેવા કિસ્સામાં ઉકાળા સાથે આયુર્વેદની મોંઘી દવાનો ઉપયોગ કરવામાં આવશે. જો ચીનવાળાને તેમની ટ્રેડિશનલ પદ્વતિમાં વિશ્વાસ હોય તો આપણને આયુર્વેદમાં કેમ નથી? તેવો પ્રશ્ન પણ ઘણા વૈદ્યો ઉઠાવી રહ્યાં છે.

સિવિલના તબીબોને ક્વોરન્ટાઇનમાં અન્યત્ર રાખવા જોઈએ  

સિવિલ  હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે ડોક્ટરો  ૨૪ કલાક ખડેપગે ૧૪ દિવસ સુધી ફ્રજ બજાવી રહ્યા છે, આ પછી તબીબને ક્વોરન્ટાઇનમાં બીજે મેડિકલ કોલેજમાં રખાયા છે. ત્યારે ખરેખર તબીબને ક્વોરન્ટાઇનમાં સિવિલ  હોસ્પિટલના કેમ્પસની જગ્યાએ અન્ય જગ્યાએ રાખવા જોઈએ. સિવિલ  હોસ્પિટલના એક તબીબે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું  કે, કોરોનાના પોઝિટિવ દર્દીની સારવાર માટે સતત ૧૪ દિવસ  હોસ્પિટલમાં રહ્યા પછી ૧૪ દિવસ ક્વોરન્ટાઇનમા અન્ય જગ્યાએ રાખવા  જોઈએ.કારણ કે, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંની જગ્યાએ અન્ય  જગ્યાએ રાખવા જોઈએ. જેથી તેમને માનસિક રીતે સ્વસ્થ થઈ શકે  અને તે વાતાવરણમાંથી બહાર નીકળી વધુ જુસ્સાભેર માનવ  સેવામાં લાગી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન