રિયલ મેડ્રિડનો ગ્રેનાડા સામે ૫-૦થી વિજય – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • રિયલ મેડ્રિડનો ગ્રેનાડા સામે ૫-૦થી વિજય

રિયલ મેડ્રિડનો ગ્રેનાડા સામે ૫-૦થી વિજય

 | 1:33 am IST

મેડ્રિડ, તા. ૭

રિયલ મેડ્રિડે પોતાના વિજય અભિયાનને આગળ વધારતાં લા લીગામાં ગ્રેનાડાને ૫-૦થી પરાજય આપ્યો હતો. રિયલ મેડ્રિડે આ સાથે સતત ૩૯ મેચમાં અપરાજય રહેવાના બાર્સેલોનાના રેકોર્ડની બરાબરી કરી હતી. આ જીત સાથે રિયલ મેડ્રિડની ટીમે લા લીગા પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે રહેલી બાર્સેલોના કરતાં છ પોઇન્ટ આગળ થઈ ગઈ છે. રિયલ મેડ્રિડ તરફથી ઇસ્કોએ બે જ્યારે રોનાલ્ડો, બેન્ઝેમા અને કેસેમિરોએ ૧-૧ ગોલ કર્યા હતા.

મેચ શરૂ થઈ તે પહેલાં ક્રિસ્ટાયનો રોનાલ્ડોએ ચોથી વખત જીતેલો બેલોન ડી ઓર એવોર્ડ સાથે પોઝ આપ્યો હતો. રિયલ મેડ્રિડે શરૂઆતની ૩૨ મિનિટમાં જ ચાર ગોલ કરી ગ્રેનાડાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. રિયલ મેડ્રિડ તરફથી મેચની ૧૨મી મિનિટે ઇસ્કોએ ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવ્યા બાદ ૨૧મી મિનિટે કરીમ બેન્ઝેમાએ ગોલ કર્યો હતો. તેની છ મિનિટ બાદ રોનાલ્ડોએ ગોલ કરી રિયલ મેડ્રિડને ૩-૦ની લીડ અપાવી હતી. ગ્રેનાડાની ટીમ હજુ કંઈ વિચારે તે પહેલાં ૩૨મી મિનિટે ઇસ્કોએ પોતાનો બીજો અને ટીમનો ચોથો ગોલ નોંધાવ્યો હતો. પ્રથમ હાફમાં ૪-૦થી આગળ રહ્યા બાદ બીજા હાફમાં કેસેમરોએ ૫૮મી મિનિટે ગોલ કરી રિયલ મેડ્રિડને ૫-૦ની લીડ અપાવી હતી. તે પછી ફાઇનલ વ્હીસલ વાગી ત્યાં સુધી બંને ટીમો ગોલ કરી શકી નહોતી અને રિયલ મેડ્રિડે આ મેચ ૫-૦થી જીતી લીધી હતી.

બાર્સેલોના ટીમ ૨૦૧૫-૧૬ની સિઝનમાં સતત ૩૯ મેચમાં અપરાજય રહી હતી. ૩૯ મેચ પૈકી બાર્સેલોનાએ ૩૨માં જીત મેળવી હતી અને સાત મેચ ડ્રો રહી હતી. રિયલ મેડ્રિડની ટીમે ૩૯ મેચ પૈકી ૩૦માં જીત મેળવી હતી જ્યારે નવ મેચ ડ્રો રહી હતી.