આનંદ-પ્રમોદને બદલે સ્ત્રીઓની સેવા અને ઉત્થાનમાં પ્રવૃત્ત રહ્યાં - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • આનંદ-પ્રમોદને બદલે સ્ત્રીઓની સેવા અને ઉત્થાનમાં પ્રવૃત્ત રહ્યાં

આનંદ-પ્રમોદને બદલે સ્ત્રીઓની સેવા અને ઉત્થાનમાં પ્રવૃત્ત રહ્યાં

 | 1:25 am IST

મહિલા શક્તિ અને સ્ત્રી સશક્તિકરણની વાત થતી હોય ત્યારે શ્રીમતી લીલાબહેન પટેલનું નામ મોખરે આવે. અમદાવાદમાં મહિલાઓ માટેનું સૌથી પહેલું મેગેઝિન ‘સ્ત્રી’ શરૂ કરનાર તથા મહિલાઓની સંસ્થા સ્ત્રી-નિકેતનનો આરંભ કરનાર શ્રીમતી લીલાબહેનને સમગ્ર ગુજરાતની મહિલાઓ વતિ નારી તરફથી સલામ.

વડોદરામાં આર્ય કન્યાવિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ ગર્ભશ્રીમંત પરિવારના લીલાબહેન સુખ-સાહ્યબીથી નિરાંતે જીવી શક્યા હોત, પરંતુ તેમણે સમાજસેવાને પ્રાધાન્ય આપ્યું. સંદેશ પરિવારના વડીલ હોવાની સાથે તેમણે સ્ત્રી મેગેઝિનનાં તંત્રી તરીકે એક સારા લેખિકા અને સમાજ સેવિકા તરીકેની ફરજ પણ બખૂબી નિભાવી. શરૂઆતમાં તે સ્ત્રીઓનાં પ્રશ્નોને વાચા આપતી કોલમ લખતાં. તેનો એટલો પ્રતિસાદ મળ્યો કે લોકો તેમની સલાહ મેળવવા ઓફિસની બહાર લાઈન લગાવતા. સ્ત્રી મેગેઝિનનાં તંત્રી અને લેખિકા તરીકેની ફરજ નિભાવીને જ સંતોષ માનવાને બદલે તેમણે પ્રશ્ન લઈ આવનારી દરેક સ્ત્રીની સમસ્યાને વાચા આપી, યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી, મદદ કરી અને તેના ઘરમાં સુખનો દીવો પ્રગટાવીને સંતોષનો શ્વાસ લીધો.

સ્ત્રીઓના કલ્યાણ અને ઉત્થાન માટે મેગેઝિનની સાથે-સાથે તેમણે સ્ત્રી-નિકેતન સંસ્થા શરૂ કરી. જે સમયે શ્રીમંત કુટુંબની મહિલાઓ વિવિધ સંસ્થાઓમાં નૃત્ય, નાટક કે સંગીતની મજા માણતી તે સમયે લીલાબહેન આનંદપ્રમોદના બદલે સ્ત્રી-નિકેતન સંસ્થામાં ગરીબ અને તરછોડાયેલી મહિલાઓ માટે સીવણ ક્લાસ, ટાઈપ ક્લાસ વગેરે રોજગારીની તકો ઊભી કરી તેમને સ્વનિર્ભર બનાવવાની પ્રવૃત્તિ કરતાં. તંત્રી તરીકે તેઓ નવોદિત લેખિકાઓને પોતાના મેગેઝિનમાં લખવાની તક આપતાં અને તેમની કારકિર્દીને આગળ ધપાવવામાં મદદ કરતાં.

સમાજ સેવિકા તરીકેની ફરજ બજાવવા તેઓ અંતરિયાળ વિસ્તારોમાં પણ પગપાળા ચાલીને જ જતા,  ટૂંકી  આવક ધરાવતા જરૂરિયાતમંદને અનાજ, કપડાં અને રોજગારીની મદદ કરતાં. પૂર કે દુષ્કાળ જેવી આપત્તિ આવે તો રાહત ફંડ એકઠું કરી જરૂરિયાતમંદોની મદદે દોડી જતાં. જાતે કાદવ ખૂંદી બધાના ખબર-અંતર લેતાં. દર્દીઓ માટે મેડિકલ કેમ્પ કરતાં. તેમનાં આ બધા કાર્યોને આગળ વધારવા તેમણે અમદાવાદ, મુંબઈ અને દક્ષિણ આફ્રિકામાં પણ સ્ત્રી-નિકેતનની શાખાઓ શરૂ કરી. જીવનના અંતરંગ નામની કોલમ દ્વારા તેઓએ ઘણી સ્ત્રીઓનાં તૂટતા ઘર પણ બચાવ્યા છે.

અમદાવાદની પોળોમાં તથા સોસાયટીમાં તેમને પ્રવચન માટે ખૂબ આમંત્રણ મળતા. તેઓ દીકરો જ જોઈએ તેવા આગ્રહ સામે સમજણ આપતા. બેટી બચાવો અને મહિલા શિક્ષણને પ્રાધાન્ય આપતા. તેઓ પછાત વિસ્તારમાં પ્રોત્સાહન પણ આપતાં. એ સમયની એસએસસી( ધોરણ ૧૧)માં  પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમે આવનારને સુવર્ણચંદ્રક એનાયત કરી અન્ય છોકરીઓનેપ્રોત્સાહન આપતાં.

પોતાની સેવાની કામગીરી બદલ સરકાર તરફથી મળતા એવોર્ડ ક્યારેય સ્વીકાર્યા નહીં, તેઓ કહેતાં,  કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી એ જ સૌથી મોટો પુરસ્કાર છે. કોઈપણ રાજકીય પક્ષમાં જોડાયા વગર સ્વતંત્ર રીતે સ્ત્રી સશક્તિકરણની ઝંુબેશને આગળ વધારી.

બપોરના ૨-૦૦થી સાંજના ૭-૦૦ સુધી સેવાયજ્ઞા ચલાવતાં, રવિવારે પણ સંદેશ કાર્યાલયની ઓફિસે રજા ન પાળતાં. અમદાવાદ, મુંબઈ, વડોદરા, સુરત, સૌરાષ્ટ્રમાં બહેનોના કલ્યાણના પ્રવચન માટે સંસ્થાઓ ઉપરાંત નાગરિકો પણ સોસાયટી તથા પોળના ઉપક્રમે બોલાવતા હતા. મુંબઈની મહિલા સંસ્થાઓ પણ પ્રવચન માટે આમંત્રણ પાઠવતી હતી. સમાજમાં સંપત્તિ અને જ્ઞાનનો સાચી દિશામાં ઉપયોગ કરીને લાખો લોકોના જીવન તારનાર એવા માતૃશ્રી લીલાબહેનને આંતરરાષ્ટ્રીય મહિલાદિવસ નિમિત્તે વાચકગણ સહિત સમગ્ર  સંદેશ પરિવાર  તરફથી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન