પસ્તાવાનું ઝરણું - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS

પસ્તાવાનું ઝરણું

 | 7:08 am IST

નવલિકા । ઈન્દુબહેન પંડયા

સૌમ્ય સાંજે ઓફિસેથી આવ્યો ત્યારે ટેબલ પર કવર ખુલ્લું પડયું હતું. એણે વાંચ્યું, એ સમજી ગયો કે ચાર્મીએ નહોર ભરાવવા માંડયા. પિયર ચાલી ગઈ ત્યારે ફોન પર સમજાવવાની કોશિશ કરી, પરંતુ એને રસ જ ન હોય એમ પિતાના હાથમાં મોબાઈલ પકડાવીને બહાર ચાલી ગઈ હતી. એને બદલે એના પિતાનું ભાષણ સાંભળવા મળ્યું.

”તમને આવા નહોતા જાણ્યા. દીકરીને ભણાવી ગણાવીને પગભર કરી. કમાતી-ધમાતી કરીને તમારા હાથમાં સોંપી, પણ તમને જરાય કદર છે? અમને એ ભારે નહીં પડે સમજ્યા? ભાંગ્યું ભાણું કંસારે જ જાય ને? અમે સાચવી લેશું” કહી ફોન કટ કરી નાખ્યો.

સૌમ્યને પણ ગુસ્સો ખૂબ આવ્યો હતો, પરંતુ માતાની શિખામણથી એ ચૂપ રહ્યો. મા હંમેશાં કહેતી : ”બેટા, ક્રોધથી માણસને બોલવાનું ભાન રહેતું નથી, ગુસ્સાને ગળી જતાં શીખો.” એ ડ્રોઇંગ રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે પિતા હિંચકે બેસીને ચા પીતા હતા. એ સમજી ગયો કે પિતાએ પણ કવર વાંચી લીધું છે અને મા-બાપ વચ્ચે એ બાબતની ચર્ચા થઈ ગઈ છે.

એ પિતાની બાજુમાં બેસી ગયો. પછી વાત શરૂ કરી : ”પપ્પા, આપણે લાંબો વિચાર નથી કર્યો. મેરેજ બ્યૂરોવાળાએ જે ઠેકાણાં બતાવ્યા એ જોયા, પણ આપણા ઘરને અનુરૂપ પાત્ર છે કે નહીં એની તપાસ પણ ન કરી અને જુઓ, કેવા હાલ થયા? મારી મા આજકાલ કરતાં નવ નવ વર્ષથી ઘરમાં ચૂલો સળગાવે છે, ઘરનું કામકાજ થાય છે એટલું કરે છે. હવે એને ક્યારે નિરાંત થશે? આપણે એને પાટલે બેસાડીને પૂજવા લાવ્યા છીએ? એ પણ ઘરની વ્યક્તિ છે. પોતાનું ઘર સમજીને એણે બધી જવાબદારી સંભાળી લેવી જોઈએ ને?”

”મરિયમબહેન ત્રણ કામ તો ઘણાં વર્ષોથી કરે છે, પણ આ તો ”મારે નોકરી છે” એવું બહાનું આગળ ધરીને બહાર જ વધુ રહે છે. આપણે હવે એની નોકરીની જરૂર પણ છે? પ્રાઈવેટ કંપનીમાં બહારગામ પણ દોડવું પડે. જો એને આમ જ રહેવું હતું તો નોકરી જ કરવી હતી, લગ્ન કરવાની શી જરૂર હતી? વળી પૂછયા વિના પિયરવાટ લીધી અને ઉપરથી આ નોટિસ કેવા આક્ષેપ નાખ્યા છે! મમ્મી બાપડી ક્યારેય એને વઢતી હતી? છતાંય દીદી સાસરે છે તો એને અને જીજાજીને લપેટમાં લીધા! પપ્પા! તમે તો મંદિરે અને લાઈબ્રેરીએ હોય ઉપરાંત પૂજાપાઠ માટે જૂના ઘરે જ રહો છો તો તમારું દુઃખ-એને ખોટા આળ ચડાવવા છે.

સૌમ્ય બોલ્યો : ”પપ્પા, તમે હંમેશા ઈશ્વર પર આસ્થા રાખો છો, પણ એને આપણી જરાય લાગણી છે? નહીંતર આવા કાગળો કરે? એના મા-બાપ પણ કેવા છે? સારી વાત કે સલાહ આપતા નથી. પેલીને ચડાવે છે, એટલે પોતાની જાતને મહાન સમજે છે.”

ચાર્મીને જ્યારે સસરાએ કહ્યું કે : ”વહુ બેટા, હવે તમે રસોઈમાં તમારાં સાસુને મદદ કરજો એટલે તમારા હાથની રસોઈનો સ્વાદ ચાખીએ.”

ચાર્મીએ મોં બગાડયું : એને તો મને ચૂલો ફૂંકતી કરી દેવી છે, પણ હું નોકરી છોડું તો મારે ઘરકૂકડી જ બની જાઉં ને? એટલું નહીં સમજતા હોય છે હું ઘરની ગુલામ નથી. એમ.બી.એ. થયેલી છું.

એને એના પિતાએ કહ્યું કે, ”ચાર્મી, આઈ.ટી. થયેલા ઓફિસર કમ એન્જિનિયરને બદલે સરકારી ખાતાના વહીવટી ક્લાર્ક કે પટાવાળાને પસંદ કરી લે. એ બધાને ઉપલી મલાઈની આવક હોય છે. જ્યારે આ તો જગદીશપ્રસાદ માસ્તરનો દીકરો. એના બાપની જેમ સિદ્ધાંત પ્રામાણિકપણાનું પૂંછડું વળગાડીને ફરતો હોય. આજના જમાનામાં એવા બે પાંદડે ન થાય. જ્યારે પેલા તો લાખોની મૂડી બનાવી લે અને એશો આરામથી રહે.”

ચાર્મીએ વિચારેલું કે, સૌમ્ય ક્લાસ વનની પરીક્ષા પાસ કરીને નોકરી પર જોડાયો છે. સરકારી ક્વાર્ટર, કાર, ફોન, નોકર-ચાકર અને પટાવાળાની સુવિધા હશે. મળવા માટે માણસોની કતાર લાગતી હશે. જ્યારે અહીં તો સીધું-સાદું સાદાઈભર્યું વાતાવરણ છે. કંઈ વાંધો નહીં એમ વિચારીને ચાર્મી ટાપટીપ અને નખરા વડે, મીઠી મીઠી જબાનથી પતિને પોતાની જાળમાં ફસાવવા માટે પ્રયત્નશીલ બની, જેથી પતિ પણ પત્નીની પાછળ લટ્ટુ બનીને આવક કરતાં વધુ બનાવતો થઈ જાય.

પરંતુ ચાર્મીનો દાવ સફળ થતો ન હતો. એ ધૂંધવાતી રહી. રજા હોવાથી ચાર્મી ઘરે હતી. એની સાસુ રમાગૌરીએ પૂછયું : ”વહુ બેટા, હું મંદિરે દર્શન કરવા જાઉં છું. બહારથી શાક-પાંદડું અને કોઈ ચીજવસ્તુ મગાવવાની છે?”

ચાર્મી મનોમન બબડી : જે લાવો એ તમારે જ બનાવવાનું છે. ”મમ્મી, આપને જે લાવવાની ઈચ્છા હોય એ લાવજો ને.” કહી ટી.વી. જોવા બેસી ગઈ.

મરિયમબહેન કામ કરવા આવ્યાં ત્યારે ચાર્મીએ પૂછી લીધું : ”જુઓ બાઈ, રસોઈ કરે એવી કોઈ બાઈ ધ્યાનમાં હોય તો કહેજો.”

મરિયમબહેન આૃર્યથી જોઈ રહ્યાં ત્યારે ચાર્મી બોલી : ”હું કહું છું એ સંભળાતું નથી?”

મરિયમબહેને કહ્યું : ”બધું સંભળાય છે વહુરાણી. પહેલાં સૌમ્યભાઈને તો પૂછી જુઓ. આટલા વર્ષમાં હજી રસોડું બીજાને સોંપ્યું નથી. જ્યારે બાને મજા ન હોય ત્યારે માસ્તર સાહેબ અને નાના ભાઈએ જાતે રસોઈ બનાવી છે. બેનબા સાસરે ગયા એને ય દસકો થયો. ભાઈ તો મોટા સાહેબ બની ગયા છે, પણ ક્યારેય સરકારી ફોજ રાખી નથી. અત્યાર સુધી બીજા નોકર રાખ્યા નથી તો હવે શું રાખશે? તમારા પિયરમાં નોકરચાકરની ફોજ હશે કેમ?”

ચાર્મી બોલી : ”એ તમારે શી પંચાત? તમે કામથી કામ રાખો ને?”

ચાર્મીએ સાસુ-સસરા સાથે તોછડાઈભર્યું વર્તન કરવા માંડયું. બહેનને ઘરે ભાણિયાની જનોઈ હતી. એથી જગદીશપ્રસાદે કુટુંબીજનોને આમંત્રણ આપેલું. મિની બસ કરીને સૌ ભરૂચ રવાના થયા. ચાર્મીએ કહ્યું : ”મારે નોકરીને કારણે કંપનીના કામે વડોદરા જવાનું છે. હું ત્યાં સીધી પહોંચીશ.”

આખરે એ ત્યાં સીધી પહોંચી. પ્રસંગ આટોપી બપોરે અઢી થયા કે એ તૈયાર થઈ ગઈ. બધાએ એને આગ્રહ કર્યો : ”આજનો દિવસ રોકાઈ જાવ, વહેલી સવારે સૌ સાથે નીકળશું.”

પરંતુ ‘સોરી’ કહીને ચાર્મી નીકળી ગઈ. સૌમ્ય મનોમન ધૂંધવાતો હતો કે આવી સ્ત્રી સાથે જિંદગી કેમ જશે?

મોબાઈલ પર ચાર્મીની વાતો ચાલુ જ હોય. એમાંય એના પિતા સાથે તો બધા સમાચારની આપ-લે થતી હોય.

સૌમ્ય ચાર્મીને રિઝવવાને બહાને એના જન્મ દિવસ નિમિત્તે ડ્રેસ અને મેકઅપ કિટ લઈને ઘરે ગયો. ‘હેપી બર્થડે’ કહીને એને ભેટી પડયો, પણ ચાર્મીને તરત માતાની શિખામણ યાદ આવી : ”જોજે, ગાંગલી થઈને ભોળવાઈ જતી નહીં. નહીંતર એ ભૂ કરીને તને બધા પી જાય એવા છે.” એ તરત જ છણકાઈને બોલી ઊઠી : ”હવે તમારી એ મસ્કાબાજી રાખો તમારી પાસે.”

સૌમ્ય ગુસ્સે થઈ ગયો. સમતુલા ગુમાવીને એક ફડાકો ઝીંકી દીધો : ”આટલું રાખવા છતાંય વાત વાતમાં અપમાન? તને અહમ્ કઈ વાતનો છે?”

ચાર્મી પગ પછાડતી પિયર ચાલી ગઈ. મા-બાપને અવળી ચાવી ચડાવતાં ફાવતું હતું.

નોટિસ આપીને બળતામાં ઘી હોમ્યું. સૌમ્યે એના એડવોકેટ મિત્રની સલાહ લીધી. મિત્રોએ મિટિંગ ગોઠવીને નક્કી કર્યું. સૌ પ્રથમ મિત્ર પત્નીઓ સંપર્ક કરીને ગાડી પાટા પર લઈ આવશે.

સૌમ્યના મિત્રો હેમંત અને સુદીપની પત્ની અંકિતા અને રીનાએ ચાર્મી સાથે પરિચય વધાર્યો. એક બીજીને ત્યાં જવા આવવાનું ગોઠવ્યું. ચાર્મીના પિયરનું ઘર સાધારણ હતું. વળી એકાદ-બે કામ બધું કામ જાતે જ કરવાનું હતું. ચાર્મી નોકરી માટે જતી, એથી એની માતાએ ઘરનું કામ એના પર નાખ્યું ન હતું, પણ અંદરખાને દીકરીની આવકમાં રસ હતો.

વાત વાતમાં અંકિતાએ કહ્યું : ”મને તો કૂકિંગનો શોખ. આપણા હાથની બનેલી રસોઈ આપણા ઘરનાને ભાવે એટલી રસોયાની સ્વાદિષ્ટ હોય? એડવોકેટ સાહેબ સરખું જમ્યા હશે કે નહીં એની ચિંતા માટે હું જમવાનો ટાઈમ સાચવી લઉં.”

રીનાએ કહ્યું : ”મને તો એમની સાથે ન જમું ત્યાં સુધી મજા ન આવે, વળી બહાર એકાદ ચક્કર મારવાનું. વળી વડીલો તો આપણા ઘરનું તાળું છે. આપા માટે સંરક્ષક છે.”

ચાર્મી મનોમન પસ્તાતી હતી. માતાએ એને સુસંસ્કાર આપ્યા નહીં. ઘરમાં સાસુ-સસરા પણ કોઈના મા-બાપ છે એ વાત કેમ ભુલાઈ ગઈ? સૌમ્ય આટલા મોટા હોદ્દાનું ગૌરવ જાળવે છે અને પોતે? કેવી ફરજ ભૂલી ગઈ છે?

એ ચૂપચાપ ઘરમાં પ્રવેશી ત્યારે જોયું તો સસરાજી રામાયણની ચોપાઈ ગાતા હતા. પતિદેવ રસોડામાં સટરપટર કરતા હતા.

ચાર્મી પગે લાગી ત્યાં તો જગદીશપ્રસાદ બોલ્યા : ”ચાલો ભાઈ, ચા તૈયાર હોય તો બહાર લાવજો, મહેમાનને હવે ચાની તલપ લાગી છે.”

ચાર્મી શરમની મારી નીચું જોઈને મંદ મંદ હસી રહી.