Relationship between Astrology and Diseases
  • Home
  • Astrology
  • જ્યોતિષશાસ્ત્ર અને રોગો વચ્ચેનો સંબંધ, આવો જાણીએ વિગતે

જ્યોતિષશાસ્ત્ર અને રોગો વચ્ચેનો સંબંધ, આવો જાણીએ વિગતે

 | 11:59 am IST

જન્મકુંડલી

આ જગતમાં સાડા સાત અબજ માનવીઓ વસે છે. તેમને અનેક જાતના રોગો થાય છે. આ રોગો શા માટે થાય છે અને તેના માટે કઈ કઈ દવાઓ અસરકર્તા છે એટલું જ નહિ પણ સાથે સાથે તે શોધાયેલી દવાઓ નુકસાનકર્તા પણ ન હોવી જોઈએ, તેની શોધ માનવી આદિ કાળથી કરતો આવ્યો છે. પરિણામે એલોપથી, વૈદક, યુનાની, હોમિયોપથી અને બોયોકેમિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે.

માનવીને જે રીતે રોગો થાય છે તે માટે એલોપેથી જે કારણો આપશે તેનાથી વૈદક કદાચ જુદું જ કારણ આપશે. બંનેની દવાઓમાં પણ ફેર હશે, પરિણામે વિશ્વાસ પર જ દવા કરાવવાનું કારણ મળે છે અને એક રોગની અનેક દવાઓ હોવાથી કામ પણ કરી જાય છે.

પરંતુ આપણે તો અહીં જ્યોતિષશાસ્ત્રના આધારે કંઈક જાણવા ઈચ્છા ધરાવીએ છીએ. માનવ જીવન ગ્રહાધીન હોય છે અને આ ગ્રહો જો બગડી ગયા હોય તો ગ્રહોની નબળાઈ માનવીના રોગોનું કારણ બને છે. આપણે આ રીતે જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને રોગો અને તેની દવાઓ વિષેનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરીશું.

આપણે કેટલીકવાર લોકોને વાતો કરતાં સાંભળીએ છીએ કે ‘ભાઈ, તેને તો મંગળ નડે છે, શનિ નડે છે’ તેથી બારેય માસ માંદો રહે છે, વગેરે.

જો કોઈપણ માનવીને સાતેય ગ્રહોનાં શુભ તત્વો મળે છે તો તે તંદુરસ્ત રહે છે અને જેને એકાદ બે કે ત્રણ ગ્રહોનાં અશુભ તત્ત્વો મળે છે તો તે માનવી તેનાં તત્ત્વોનાં (ક્ષારોના) અભાવવાળી માંદગી ભોગવે છે તેની તબિયત નાદુરસ્ત રહેતી હોય છે. તંદુરસ્ત થવા માટે તે ફાંફાં મારતો હોય છે અને દવાના ખર્ચ માટે ચિંતા સેવતો હોય છે.

માનવજીવનનું નિર્માણ એ જન્મકુંડળી જ જો હોય તો માનવીને થતા રોગોનું કારણ પણ તેની જન્મકુંડલી જવાબદાર હોઈ શકે. જન્મકુંડલીની રચના, ગ્રહોનાં અને રાશિઓનાં સ્વભાવ, પ્રભાવ અને અસર માનવજીવનમાં જે કામ કરે છે તે જ્યોતિષશાસ્ત્રી સમજી શક્તો હોય છે.

ગ્રહોનાં તત્ત્વો  

ગ્રહોનાં સ્વભાવ, પ્રભાવ અને અસર અહીં આપણે રોગ પૂરતાં મર્યાદિત રીતે જોઈશું.

સૂર્યનું સ્થાન હાડકામાં અને શરીરની ગરમીમાં છે.

ચંદ્રનું સ્થાન પાણીમાં છે. ઠંડીમાં છે.

મંગળનું સ્થાન લોહીમાં છે. ગંધકમાં છે. વીજળીમાં છે (ભૂમિ પુત્ર છે).

બુધનું સ્થાન ચામડીમાં છે.

ગુરુનું સ્થાન ચરબીમાં છે. મગજમાં છે (ચરબીવાળો છે, જ્ઞાનકારક છે).

શુક્રનું સ્થાન જનન અવયવમાં છે (વીર્યપતિ છે). તેલમાં છે. ચરબીમાં છે.

શનિનું સ્થાન ઠંડીમાં છે (શનિ ઠંડો છે). વાયુમાં છે (વાયુ પુત્ર છે). મૃત્યુમાં છે (યમ છે). ઝેરી જંતુમાં છે.

આ રીતે સૂર્યની ન્યૂનતાથી (ખામીથી) માનવી હાડકાંનો રોગ અનુભવે છે અગર તો શરીરમાં ગરમીની ન્યૂનતા અંગેના રોગો અનુભવે છે.

ચંદ્રની ન્યૂનતાથી માનવી પાણીના રોગો અનુભવે છે; શરીરમાંથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી અથવા તો ઠંડી પ્રકૃતિથી શરદી કે કફ કે દમ જેવા રોગો અનુભવે છે.

મંગળથી ન્યૂનતાથી લોહીના પ્રમાણની ન્યૂનતા અનુભવે છે અગર તો શરીરમાં બિનઉપયોગી ક્ષારોની જમાવટ થઈ જાય છે અને દવાની મદદથી કે ઓપરેશનથી તેમને બહાર કાઢવા પડે છે અને ગંધકની ન્યૂનતાથી ઝેરી જંતુઓનો ઉપદ્રવ થાય છે અને લોહીના અભિસરણમાં ખામી પેદા થાય છે.

બુધની ન્યૂનતાથી ચામડીના રોગો જેવા કે ગૂમડાં, કોડ, ખરજવું દાદર વગેરે અનુભવે છે.

ગુરુની ન્યૂનતાથી ચરબીનો અભાવ અગર તો મગજની નિર્બળતા અનુભવે છે. શુક્રની ન્યૂનતાથી જનન અવયવોના રોગો અનુભવે છે. જેના કારણે માનવી પ્રણય દુઃખ અનુભવે છે. પ્રમેહ, ચાંદી, નપુંસક્તા, સંતાન બીજની ઉણપતા વગેરે અનુભવે છે અને તેલની ન્યૂનતા અનુભવે છે. ચરબીવાળું શરીર બનાવે છે અગર તો તેલની-ચરબીની-યોગ્ય વહેંચણીનો અભાવ બતાવે છે.

શનિની ન્યૂનતાથી (બળવાન હોવાથી) વાયુનો ત્રાસ અનુભવે છે. ઠંડીનો ત્રાસ અનુભવે છે અને તે જે રાશિમાં રહ્યો હોય તે રાશિના તત્ત્વોને ન્યૂનતાથી યમ દર્શન કરાવવા પ્રયત્ન કરે છે. આ ઉપરાંત કફ, શરદી, વાયુનું ઉર્ધ્વીકરણ, સોજો, વાયુની જમાવટ અને ઝેરી જંતુનો ઉપદ્રવ અનુભવે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન