કોમેડિયન અભિનેતા કપિલ શર્મા ફરી એક વાર વિવાદોના વમળમાં ઘેરાઇ ગયો છે. પોતાની સગાઇની જાહેરાત શનિવારે વહેલી સવારે કર્યા બાદ રવિવારે સવારે કપિલ શર્મા કોમેડિયન-અભિનેતા સુનીલ ગ્રોવર સાથે કરેલા અભદ્ર વર્તનને પગલે સમાચારોમાં છવાયો છે. આ બાબતે કપિલે સોમવારે વહેલી સવારે સ્પષ્ટતા કરતાં સોશિયલ વેબપેજ ફેસબુક પર એક પોસ્ટ લખી છે જેમાં તેણે સુનીલને પોતાનો મોટો ભાઇ ગણાવ્યો છે. કપિલની ટીમને તેણે પોતાનો પરિવાર ગણાવ્યો છે. પરિવારમાં નાના-મોટા ઝઘડા ચાલ્યા કરે અને ઇતના તો ચલતા હૈ ભાઇ.. એમ જણાવી આ વાત પર પૂર્ણવિરામ આપવાનો પ્રયાસ કર્યો છે.

કપિલે ફેસબુક પેજ પર પોસ્ટમાં જણાવ્યું છે કે પાંચ વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે હું સુનીલ ભાઇ પર રોષે ભરાયો હોઇશ. હું મારા પોતાના સગા ભાઇને વર્ષમાં એક જ વાર મળવા જાઉં છું અને બાકીના દિવસોમાં હું મારી ટીમ સાથે જ હોઉ છું. આ ટીમમાં મારા દિલની નિકટ સુનીલ જ છે. તે એક માણસ તરીકે, અભિનેતા તરીકે ખૂબ જ સારો છે. મારા મોટા ભાઇ તરીકે હું તેમને માનું છું. મને તેને માટે સન્માન છે. આ અમારા પરિવારની વ્યકિતગત વાત છે જેને ખૂબ જ ખોટી અને ખરાબ રીતે વ્યકત કરવામાં આવી છે. મારો સુનીલ ભાઇ સાથે ઝઘડો થયો અમે કોઇ સામાન્ય માણસો નથી. અમે આ મુદ્દે શાંતિથી વાત કરીશું અને સમાધાન લાવીશું. હું તેને ખૂબ જ પ્રેમ કરૃં છું અને તેને માટે મને ખૂબ જ માન છે. આ અમારો પારિવારિક ઝઘડો છે અને મને આશા છે કે સુનીલ ભાઇ મારી વાત સમજી માની જશે.

આ ઘટનાના બીજ રવિવારે સવારે કપિલ અને સુનીલ વચ્ચેના ઝઘડા દરમિયાન વવાયા હતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર કપિલ અને સુનીલ એક જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. નશામાં ધૂત કપિલે સુનીલ ગ્રોવરને ગાળો ભાંડી હતી અને તેને માર માર્યો હતો. સુનીલ ગ્રોવરે પ્લેનમાં હાજર પ્રવાસીઓને શાંત કર્યા હતા અને મામલો સંભાળવાનો પ્રયાસ કરતાં કપિલ ફરી રોષે ભેરાયો હતો. કપિલે રોષે ભરાઇને સુનીલને જણાવ્યું હતું કે તું કોણ છે? તારા શો ફ્લોપ થઇ રહ્યા હતા. હું તને ઉપર લાવ્યો છું. તું મારો નોકર છે. તે ઓસ્ટ્રેલિયામાં જે શો કર્યો તે પણ ફ્લોપ રહ્યો હતો. તારી મારી સામે શું ઔકાત છે? આમ જણાવી સુનીલ ગ્રોવર પર કપિલે હાથ પણ ઉગામ્યો હતો. સુનીલે સમજદારીથી મામલો સંભાળતા તેને એક શબ્દ પણ કીધો નહોતો. પ્લેનનો સ્ટાફ અને પ્લેનમાં હાજર પ્રવાસીઓ કપિલના આવા વ્યવહારથી ખૂબ જ ડઘાઇ ગયા હતા અને ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની વિનંતી કરી રહ્યા હતા. આ સમયે કપિલની ટીમે મામલો સંભાળી પ્રવાસીઓને શાંત થવા જણાવ્યું હતું. સુનીલે આ ઘટના બાદ સોની પરનો શો ધ કપિલ શર્મા શો છોડવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે.