Relationship with IPS with Jamnagar land mafia Jayesh Patel
  • Home
  • Ahmedabad
  • જામનગરના ભૂ માફિયા જયેશ પટેલ સાથે ઉચ્ચ IPSને ઘરોબો?

જામનગરના ભૂ માફિયા જયેશ પટેલ સાથે ઉચ્ચ IPSને ઘરોબો?

 | 8:00 am IST
  • Share

રાજકોટના જામનગરમાં ભૂ માફિયા તરીકે કુખ્યાત જયેશ પટેલ સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે ગોઠવણ કરીને કરોડો રૂપિયાનો વેપલો કરી રહ્યો હતો. જો કે આ અધિકારીઓ સિવાય પણ રાજ્યના એક ઉચ્ચ IPSઅધિકારી સાથે પણ લેતી-દેતીના સંબંધો છે. આ ઉચ્ચ અધિકારીના ચારે હાથ જયેશ પટેલ પર હતા. જો કે સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર જયેશ પટેલની પોલ ખોલી હતી. અમેરિકામાં બેસીને ભૂ માફિયાનું નેટવર્ક ચલાવનાર જયેશ પટેલની ગેંગને ડામવા માટે રાજ્ય સરકારે અગાઉ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાંં ફરજ બજાવી ચૂકેલા ડીસીપી દીપેન ભદ્રનને તાત્કાલિક અસરથી જામનગર મૂકવા પડયા હતા.

આ IPSનો કાળો ચિઠ્ઠો બહાર ના આવે તે માટે તપાસ ઢીલી કરી દીધી

આ કેસમાં તપાસ કરતા જમીનની માફિયાગીરી કરતા જયેશની કોલ ડીટેલ્સ કઢાવતાં રાજ્યના એક ઉચ્ચ IPS અધિકારી સાથે જયેશ સંખ્યાબંધ વાર વાત કરતો હોવાનું બહાર આવ્યું છે. આ IPSનો કાળો ચિઠ્ઠો બહાર ના આવે તે માટે તપાસ ઢીલી કરી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે. કોઇ વિવાદ આજ દિન સુધી બહાર ના આવ્યો હોવાથી તેમને સાચવી લેવાયા હતા.

IPS પરિવારના મહિલા સદસ્યના વીડિયો આલ્બમ માટે કૌભાંડી યુવકે પાણીની જેમ પૈસા વેડફ્યા  

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતો એક યુવકને અમદાવાદમાં ફરજ બજાવતા એક આઇપીએસ સાથે ઘનિષ્ઠ મિત્રતા છે. આ આઇપીએસના પરિવારની એક મહિલા સદસ્યને વીડિયો આલ્બ્મ બનાવવાનો ગાંડો શોખ છે અને આ યુવક આવા વીડિયો આલ્બમ બનાવવા માટે પાણીની જેમ પૈસા વેડફે છે. કાળા-ધોળાનો કારોબાર કરી ટૂંક સમયમાં જ કરોડપતિ બનેલા આ યુવક પર તાજેતરમાં જ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ફરિયાદ ન નોંધાય તે માટે યુવકના મિત્ર આઇપીએસએ આકાશ-પાતાળ એક કર્યા હતા, છતાં યુવતીએ ધરણાં કરતા પોલીસ ફરિયાદ લેવા મજબૂર બની હતી. આ ઘટના પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની છે.

નિવૃત્ત IASની પુત્રી ડ્રગ્સના રવાડે, ડ્રગ્સ પેડલરો સાથેના સંબંધો સોશિયલ મીડિયા પર ચમક્યા

રાજ્યના ઉચ્ચ પદેથી નિવૃત્ત થયેલા એક આઇએએસની પુત્રીને તેના લગ્ન થયા તે પહેલેથી જ લેટ નાઇટ પાર્ટી અને કલ્બોમાં જવાની ટેવ હતી જેને પગલે તે ડ્રગ્સના રવાડે ચડી ગઇ હતી. હાલમાં નશો કરીને પરત આવતી આ યુવતી ઘરમાં ધમાલ અને તોડફોડ પણ કરે છે. નસેડીઓ અને પેડલરો સાથે સંબંધ હોવા અંગે આ યુવતી હવે જરા પણ ક્ષોભ અનુભવતી નથી અને તેના ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં અનેક ડ્રગ્સ પેડલરોથી લઇને બુટલેગરો તેના ફ્રેન્ડ છે. એટલું જ નહીં, ડ્રગ્સની લતમાં ને લતમાં એક યુવકના પ્રેમમાં  તે પાગલ બની છે અને પતિથી અલગ  થઇ તે અલગ રહે છે. આના કારણે લોકોમાંં ચર્ચાઇ રહ્યુ છે કે, નિવૃત્ત આઇએએસ અધિકારી એકદમ સરળ સ્વભાવ ધરાવતા હતા. તેમની બે દીકરીમાંથી એક દીકરીએ તો તેમનું નામ રોશન કર્યું છે. પરંતુ મોટી દીકરીએ તેના પિતાનું ખરાબ થાય તેવાં કારનામા કરે છે.

મંત્રીઓને ફોન ટેપિંગનો ભય

હાલની સરકારના મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓ પોતાના મોબાઇલ ફોન ઉઠાવવાનું ટાળી રહ્યાં છે. ભાજપના આગેવાનો અને કાર્યકરોના ફોન ઉઠાવતા નથી. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ આ મંત્રીઓને પોતાના ફોન રેકોડનો ભય સતાવી રહ્યો છે. થોડો વખત પહેલાં પણ એક કાર્યકરે સરકારના બીજા નંબરના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ફોન કરીને એવી ફરિયાદ કરી હતી કે શિક્ષણમંત્રી કોઈનો ફોન ઉઠાવતા નથી. જો કે ત્યાર બાદથી તો ખુદ ત્રિવેદી પણ ફોન ઉઠાવવાનું ટાળી રહ્યાં છે. અગાઉની સરકારમાં ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના તમામ મંત્રીઓ કોઈપણ લોકોના ફોન ઉઠાવી લેતા હતા. તેમજ કાર્યકરો-આગેવાનોને શક્ય તેટલી મદદ પણ કરતા હતા. ભૂતકાળમાં અમુક મંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરીને તેનું ઓડિયો રેકોડ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યુ હતુ. આમછતાં તેઓએ ફોન ઉઠાવાનું બંધ કર્યુ નહોતું. જ્યારે નવી સરકારના મંત્રીઓ કોઈની સાથે પણ વાતચીત કરવા માગતા ન હોય એવી સ્થિતિ દેખાઈ રહી છે.  

ગાંધીનગરમાં બાબુઓ વાઇબ્રન્ટની મિટિંગોમાં વ્યસ્ત, અન્ય વહીવટીકામો ખોરંભે  

અત્યારે વાઇબ્રન્ટ સમિટની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. અનેક સિનિયર અને જુનિયર IASને વાઇબ્રન્ટના સંદર્ભમાં જુદીજુદી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ મોટાભાગનો સમય મિટિંગોમાં વ્યસ્ત જ હોય છે. પરંતુ જે અધિકારીઓને જવાબદારી નથી આપી તેઓ પણ મિટિંગોમાં વ્યસ્ત રહે છે. સચિવાલયમાં ચર્ચા થઈ રહી છે કે, સમિટને હજુ દોઢ મહિનાનો સમય બાકી છે પરંતુ અત્યારથી જ સચિવાલયના અનેક વિભાગોની કેટલીયે કાર્યવાહી સ્થગિત થઈ ગઈ છે. વહીવટીકામો ઠપ થઈ ગયાં છે, અનેક ટેન્ડરો અટવાઈ ગયાં છે. નાના-મોટા કામો માટે વહીવટી મંજૂરીઓ મળતી નથી. મહત્ત્વની અનેક ફાઇલોને અભરાઈ પર ચઢાવી દેવાઈ છે. બાબુઓ એવું કહી રહ્યાં છે કે હવે વાઈબ્રન્ટ સમિટ પછી જ આ ફાઈલોનો નિકાલ કરાશે. બાબુઓની સાથે મંત્રીઓ પણ વાઈબ્રન્ટમાં વ્યસ્ત હોવાથી પ્રજાના કામોમાં પણ ઢીલાશ આવી ગઈ છે. સચિવાલયમાં મંત્રીઓ કે IAS અધિકારીને મળવા જતા મુલાકાતીઓને નિરાશ થઈને પાછા ફરવું પડે છે.     

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો