Reliance Foundation Offered Education to Children of martyr CRPF
  • Home
  • India
  • મુકેશ અંબાણીએ શહીદોનાં બાળકોનાં ભણતર-નોકરીની જવાબદારી લીધી

મુકેશ અંબાણીએ શહીદોનાં બાળકોનાં ભણતર-નોકરીની જવાબદારી લીધી

 | 11:23 pm IST

રિલાયન્સ ફાઉન્ડેશને પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ કૃતજ્ઞાતા દર્શાવતાં તેમનાં બાળકોનાં ભણતરની સાથે નોકરીની પૂરી જવાબદારી લેવાની ઘોષણા કરી છે. એ સાથે રિલાયન્સે જણાવ્યું હતું કે પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારના ઘર-ખર્ચની પૂરી જવાબદારી લેવા માટે પણ રિલાયન્સ ફાઉન્ડેશન તૈયાર છે. રિલાયન્સે એની પ્રેસરિલીઝમાં જણાવ્યું છે કે જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફલા પર થયેલા બર્બર હુમલા બાદ દેશભરમાં ફેલાયેલા આક્રોશમાં રિલાયન્સ પરિવાર પણ ભારતની 1.3 અબજ લોકોની પડખે ઊભો છે.

રિલાયન્સ ફાઉન્ડેશને જણાવ્યું કે દુનિયાની કોઈ પણ દુષ્ટ શક્તિ ભારતની એકતાને તોડી નહીં શકે. રિલીઝમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય શોકની આ ઘડીએ એક નાગરિક તરીકે અને એક કોર્પોરેટ સિટીઝન તરીકે અમે આપણી સશસ્ત્ર સેના અને દેશની સરકાર સાથે છીએ. રિલાયન્સ ફાઉન્ડેશને વધુ કહ્યું કે શહીદો પ્રત્યે અમારી કૃતજ્ઞાતા વ્યક્ત કરવાની સાથે રિલાયન્સ ફાઉન્ડેશન એમનાં બાળકોની ભણતરની સાથે રોજગાર ઉપરાંત તેમના ઘરખર્ચની પૂરી જવાબદારી ઉપાડવા તૈયાર છે. જો જરૂર હશે તો અમારી હોસ્પિટલમાં ઘાયલ જવાનોને શ્રેષ્ઠ સારવાર આપવા પણ તૈયાર છીએ.

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાએ પૂરા ભારતને હચમચાવી દીધો છે. બોલિવૂડ પણ એમાં અપવાદ નથી. બી-ટાઉનના મહાનાયક અમિતાભ બચ્ચને શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 1989માં કાશ્મીરમાં આતંકવાદે માથું ઊંચક્યું એ પછીનો આ સૌથી જઘન્ય હુમલો છે. પુલવામામાં આત્મઘાતી હુમલાખોરે એની વિસ્ફોટકો ભરેલી ગાડી સીઆરપીએફની બસ સાથે અથડાવવાથી ચાલીસેક જવાનો શહીદ થયા હતા. અમિતાભ બચ્ચને આ ઘટના બાદ શુક્રવારે આયોજિત એક કાર્યક્રમ રદ કર્યો હતો. એ સાથે શહીદના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાની સહાય આપવાનું જાહેર કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.