અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં માનવતા અને સમયસૂચકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. લાઠીમાંથી પસાર થતી ગાગડિયા નદીના ધસમસતા પ્રવાહમાં એક વૃદ્ધ ફસાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિક પાલિકાની ટીમની સમયસરની સક્રિયતાને કારણે વૃદ્ધને સહીસલામત બહાર કાઢી લેવાતાં મોટી હોનારત ટળી છે. સેતાપાટી પુલ નજીક બન્યો બનાવ ઘટનાની મળતી માહિતી અનુસાર, લાઠીના સેતાપાટી વિસ્તાર નજીક આવેલા ગાગડિયા નદીના પુલ પાસેથી પસાર થઈ રહેલા લોકોની નજર નદીના વહેતા પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ પર પડી હતી. ચોમાસાના કારણે નદીમાં પાણીનું સ્તર અને પ્રવાહ વધુ હોવાથી વૃદ્ધ પાણીમાંથી બહાર નીકળી શકતા ન હતા અને તેમનો જીવ જોખમમાં મુકાયો હતો. પાલિકાના કર્મચારીઓએ જીવના જોખમે કર્યું રેસ્ક્યુ ઘટનાની જાણ થતાં જ લાઠી નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાલિકા કર્મચારી અલ્પેશભાઈ ડાંગર, મહેન્દ્રભાઈ બાખલકિયા અને મુન્નાભાઈ સરલીયા સહિતની ટીમે પોતાની જાનની પરવા કર્યા વિના નદીના પાણીમાં ઉતરીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ભારે જહમત બાદ વૃદ્ધને જીવિત અને સુરક્ષિત રીતે નદી બહાર કાઢવામાં આવ્યા હતા. https://twitter.com/sandeshnews/status/2079868068537458753 સ્થાનિકોએ પાલિકાની કામગીરીને બિરદાવી વૃદ્ધનો આબાદ બચાવ થતાં ઉપસ્થિત લોકો અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સમયસર પહોંચીને વૃદ્ધનો જીવ બચાવવા બદલ પાલિકાના શૂરવીર કર્મચારીઓની કામગીરીને સ્થાનિકો દ્વારા ભારે બિરદાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નદીના નહેણથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો - Gujarat Weather Update: રાજ્યમાં 3 દિવસ ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી