ધર્મસ્થળોનાં મામલે સર્વોચ્ચ અદાલતની સારી પહેલ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ધર્મસ્થળોનાં મામલે સર્વોચ્ચ અદાલતની સારી પહેલ

ધર્મસ્થળોનાં મામલે સર્વોચ્ચ અદાલતની સારી પહેલ

 | 3:24 am IST

વિચાર સેતુ :-  વિનિત નારાયણ

ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ જગન્નાથજી મંદિરના પ્રવેશના નિયમોની સમીક્ષા દરમિયાન આખા દેશના જિલ્લા જજોને એક સારો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમનાં જિલ્લામાં જે પણ ધર્મસ્થળો, પછી ભલે એ કોઈ પણ ધર્મનાં હોય, જો પોતાની વ્યવસ્થા ભક્તોના હિતમાં સારી રીતે કરી રહ્યાં ન હોય કે પોતાની આવક-જાવકમાં પારદર્શિતા ન રાખતા હોય કે આ આવક ભક્તોની સગવડ માટે ખર્ચતા ન હોય તો એની યાદી બનાવી પોતાના રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોના માધ્યમથી ૩૧ ઓગસ્ટ, ૨૦૧૮ સુધીમાં સર્વોચ્ચ અદાલતને મોકલે.

એ તો સ્પષ્ટ છે કે સર્વોચ્ચ અદાલતનું ધ્યાન ધર્મસ્થળોમાં થઈ રહેલી ભારે અવ્યવસ્થાઓ અને ચડાવાના રૂપિયાની ગેરરીતિ તરફ ગયું છે. હાલ સુધારા માટે કોઈ આદેશ જાહેર થયા નથી. જોકે સૂચનો મગાવવામાં આવ્યાં છે. આ એક સારી પહેલ છે. સમાજના દરેક અંગની માફક ધાર્મિક સંસ્થાઓનું પતન પણ બહુ ઝડપથી થયું છે. પોતાની આકાંક્ષાઓની પૂર્તિ માટે ધર્મસ્થળોએ આવનાર ભક્તોની ભીડ સતત વધતી રહી છે. દરેક શ્રદ્ધાળુ પોતાની હેસિયતથી વધારે દાન પણ આપે છે. એથી ઘણાં ખરાં ધર્મસ્થળોની આવકમાં ઝડપથી વધારો થયો છે, પણ બીજી બાજુ એવું જોવા મળે છે કે દાનના પૈસાનો ભક્તોની સુવિધા વધારવા માટે ખર્ચવામાં આવતા નથી પણ એ ધર્મસ્થળોના સંચાલકોના અંગત વપરાશ માટે રાખવામાં આવે છે.

જ્યારે થવું એવું જોઈએ કે એક નિર્ધારિત સીમા સુધી આ ચડાવાના રૂપિયાનો અમુક ભાગ સેવાચાકરી કરનારાઓને મળે અને ધર્મસ્થળની જાળવણી અને શ્રદ્ધાળુઓની સગવડ પર ખર્ચ થાય. હાલની વ્યવસ્થાઓમાં ચડાવાના રૂપિયાને લઈને બહુ વિવાદ સામે આવતા રહે છે. કોર્ટ કેસો પણ બહુ થાય છે. જનસુવિધાઓનો અભાવ રહેતો હોય છે. આવક-જાવકમાં કોઈ પારદર્શિતાની વ્યવસ્થા નથી. આ ધર્મસ્થળોનું મેનેજમેન્ટ પણ બહુ બેદરકારીવાળું હોય છે, એથી વિવાદ થતા રહે છે. સારું તો એ રહેશે કે સર્વોચ્ચ અદાલત બધાં ધર્મસ્થળો માટે એક સરખી પ્રશાસન વ્યવસ્થાની નિયમાવલી બનાવી દે અને આવક-જાવકની પારદર્શિતા સાથે સંચાલિત કરવાના નિયમ બનાવી દે. એથી ઘણીખરી હદે વ્યવસ્થામાં સુધારો આવી જશે.

અહીં કેટલીક સાવચેતી રાખવાની જરૂર રહેશે. સરકારો કે તેમના દ્વારા બનાવવામાં આવેલાં બોર્ડ આ ધર્મસ્થળોના હસ્તાંતરણના હકદાર ન હોય, કારણ કે ફરી ભ્રષ્ટ નોકરશાહી અનાવશ્યક દખલ અંદાજી કરશે. ફૈંઁ સંસ્કૃતિ વધશે અને ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચશે. સારું એ રહેશે કે દરેક ધર્મસ્થળની પ્રશાસન વ્યવસ્થામાં બે ચૂંટેલા પ્રતિનિધિ સેવાચાકરી કરનારના હોય, છ પ્રતિનિધિ ગયા નાણાકીય વર્ષમાં એ ધર્મસ્થળમાં સૌથી વધુ દાન આપનારા હોય. બે પ્રતિનિધિ જિલ્લા અધિકારી અને જિલ્લા સુપરિન્ટેન્ડેન્ટ હોય અને બે મુખ્ય વ્યક્તિ, જે એ ધર્મસ્થળ બાબતે આસ્થાવાન હોય અથવા જેના સત્કાર્યોથી એ જિલ્લામાં પ્રતિષ્ઠા હોય, તેમને બાકીના સભ્યોના સામૂહિક મતથી પસંદ કરવામાં આવે. આ રીતે એક સંતુલિત પ્રશાસકીય વ્યવસ્થાની સ્થાપના થશે. જે દરેકના કલ્યાણનું કામ કરશે.

અહીં વધુ એક સાવચેતી પણ રાખવી પડશે. આ પ્રશાસકીય સમિતિ કોઈ પણ કામ એવું ન કરે જેથી એ ધર્મસ્થળની પરંપરા, આસ્થા અને ભક્તોની ભાવનાને ઠેસ પહોંચે. દરેક ધર્મસ્થળ પર ભીડ નિયંત્રણ, સુરક્ષાની દેખરેખ, સ્વયંસેવકની મદદ. શુદ્ધ પીવાનું પાણી અને શૌચાલય, ગરીબો માટે સસ્તું અથવા નિઃશુલ્ક ભોજન મળી શકે એવો પ્રયત્ન થવા જોઈએ. એ સાથે જો એ ધર્મસ્થળની આવક આવશ્યકતા કરતાં બહુ વધારે છે તો એ આવકથી એ જિલ્લાના સમાન ધર્મનાં સ્થળોની જાળવણી માટે કરી શકાય. જે ધર્મસ્થળોની આવક બહુ વધારે છે એ શિક્ષણ, સ્વાસ્થ્ય અને જનસેવાઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે અને આપે પણ છે.

જ્યારે સર્વોચ્ચ અદાલતે આ પહેલ કરી જ નાખી છે તો જિલ્લાના જાગરૂક નાગરિકોનું એ કર્તવ્ય બને છે કે પોતાના જિલ્લાના, પોતાનાં ધર્મસ્થળોનું નિષ્પક્ષપાત સર્વેક્ષણ કરે અને તેમની ત્રુટિઓ અને સુધારાનાં સૂચનો બને એટલા જલદી કાયદેસર લખી જિલ્લા જજ પાસે જમા કરાવે. એથી દરેક જિલ્લાના જજોને એને વ્યવસ્થિત કરી પોતાના જિલ્લાના મુખ્ય ન્યાયાધીશને મોકલવામાં સગવડ રહે. જે નવયુવાનો કમ્પ્યૂટર સાયન્સમાં પ્રવીણ છે તેમણે આ આખા અભિયાનમાં સહકાર આપવો જોઈએ. જેથી ન્યાયપાલિકા સરળતાથી દરેક દૃષ્ટિએ વિચાર કરી શકે.

જો આ અભિયાનમાં દરેક ધર્મને માનનારા વગર રાગદ્વેષે ઉત્સાહથી સક્રિય થઈ જાય તો આ ક્ષેત્રમાં રહેલી કુરીતિઓ પર રોક લાગી શકે છે. ભારત જેવા ધર્મપ્રધાન દેશ માટે આ બહુ મોટી ઉપલબ્ધિ હશે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ પણ ધન્યવાદને પાત્ર છે, જેમણે આ પહેલ કરી છે. આશા છે કે કોઈ ચોક્કસ પરિણામ સુધી પહોંચશે.