ધાર્મિક સ્વાતંત્ર્ય એટલે ? - Sandesh

ધાર્મિક સ્વાતંત્ર્ય એટલે ?

 | 1:26 am IST

ચિંતન । વી.એમ. વાળંદ

ધર્મ શબ્દની વિભાવના અને એના અર્થઘટન સમયે સમયે અધ્યેતાઓ મારફતે અભિવ્યક્ત થતા રહે છે જો કે હકીકત તો એ છે કે વિશ્વના બધા જ ધર્મોની બુનિયાદ આ બાબતે એકમતી ધરાવે છે. સામાન્ય રીતે જે પદ્ધતિ પ્રત્યેક વ્યક્તિને સત્ય તરફ ખેંચી જાય છે તેને આપણે ધર્મના નામથી ઓળખીએ. સાદા શબ્દો કહીએ તો નૈતિક ફરજ અદા કરવી તે ધર્મ, માનવીને જે માનવતા તરફ દોરી જાય છે તે ધર્મ, વ્યક્તિના હોંસલાને જે સુદૃઢ બનાવે છે તે ધર્મ, પ્રત્યેકની શ્રદ્ધાને જે દઢીભૂત કરે છે તે ધર્મ, ટૂંકમાં ધર્મ માનવીને સત્યાચરણ દોરી જતી એક જીવનશૈલી છે. આ બાબતે વિશ્વાસમસ્તના ધર્મો સુસ્પષ્ટ છે. અસંદિગ્ધ છે ધર્મ આ દષ્ટિએ માનવી માત્રને વૈચારિક સ્વાતંત્ર્ય બક્ષે છે. ભગવાન તથાગત મતના મોભી છે. ધર્મ અને સ્વાતંત્ર્ય પરસ્પરની બુનિયાદ છે. અથવા એક કહી શકાય કે ધર્મ અને લોકશાહી પરસ્પરને આવૃત છે. આ ત્રણેયની બુનિયાદ હકીકતમાં સત્ય છે. સત્ય છે તથા ધર્મ છે. અહિંસા છે. વૈચારિક સ્વાતંત્ર્ય છે.

ધર્મની સ્વતંત્રતા વિષે હિંદુ પરિપ્રેક્ષ્ય શું છે. હિંદુ રાષ્ટ્રવાદ સાથે એનું શું સગપણ છે ? માનવહક પ્રત્યેની સાશ્વતી પ્રતિજ્ઞા શું છે ? આપણા રાષ્ટ્રમાં ત્રણ ધર્મો મુખ્ય છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન. ઉપરાંત અગણિત સંપ્રદાયો અને પંથો છે. આમ તો આપણ સંસ્કારમાં સ્વાતંત્ર્યનો ખ્યાલ નિહિત છે જે ધર્મના કુંડાળામાં આ ખ્યાલને તથા કથિત આચાર્યો મહંતો ભગવંતો પ્રવેશવા દેતા નથી. આ માટે જરૂર છે શ્રદ્ધાને વિજ્ઞાનના આવરણથી આવૃત કરવાની.

યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમેન રાઈટસની કલમ અઢારમાં ધાર્મિક સ્વાતંત્ર્યની વિભાવના અનુસ્યૂત છે. તદનુસાર પ્રત્યેક વ્યક્તિ એક સાથે એક જ ધર્મને અનુસરે કે એક જ ધર્મ વિશે ઉપદેશ આપે આનો અર્થ એ થયો કે એક વ્યક્તિ એક વખતે એક જ ધર્મનું વળગણ રાખી શકે છે. એટલે કે ધર્મ પ્રત્યેની સ્વતંત્રતાનો ખ્યાલ વ્યક્તિગત છે.

પૌરસત્ય મત આ બાબતે ભિન્ન છે. જાપાનનું ઉદાહરણ ધ્યાનાર્હ છે. ૧૯૮૫ની વસ્તીગણતરી મુજબ જાપાનના ૯૫ ટકા લોકો શિન્ટો ધર્મના અનુયાયી છે. ૭૬ ટકા લોકો બૌદ્ધ ધર્મી છે. આમ જાપાનનો ધર્મ પરત્વેનો ખ્યલ કલમ અઢારથી વિપરીત જણાય છે. એક વખતે એક ધર્મનું વળગણ એ હકીકતો પશ્ચિમી કહો કે બ્રિટિશ વિચાર છે. અભિપ્રાય છે. ખ્રિસ્તી પંથોમાં સંઘર્ષનું પરિણામ આ ખ્યાલમાંથી ઉદ્દભુત થયેલું હોવાનું સૂચિત થાય છે.

ભારતની હકીકત આ બાબતે જાપાનનું વાસ્તવિકતાથી ભિન્ન નથી. બલકે એક સાથે એક કરતા વધુ ધર્મોમાં શ્રદ્ધાન્વિત થવું એ પૌરસ્ત્ય વિભાવના છે. કલમ અઢારમાં બક્ષેલી ધર્મ સ્વતંત્રતા કરતા ભારત અને જાપાનની ધાર્મિક સ્વાતંત્ર્યની વિભાવના ખસૂસ વિશેષ દાર્યપૂર્ણ છે. આપણા રાષ્ટ્રના વર્તમાન પ્રબુદ્ધો ભારતીય મૂળના ત્રણેય ધર્મોને Mutually exculusive ગણતા નથી. આપણા વસતી ગણત્રીના તંત્ર વાહકો કોઈનેય એકી વખતે એક જ ધર્મને વળગી રહેવા આગ્રહી નથી. હકીકતમાં આપણો ધર્મ સ્વાતંત્ર્યનો વિચાર એક તરફ સૌજન્યપૂર્ણ છે. તો બીજી બાજુ અત્યંત ઉદાર છે ખુલ્લો છે.

મહાત્મા ગાંધીજીના મતે કોઈ પણ વ્યક્તિએ હિંદુ રહીને પણ ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધ કે ભગવાન ઈશુના વિચારોથી અસ્પૃશ્ય રહેવાની જરૂર નથી. મંદિર મસ્જિદ ગિરજા ઘરમાં જવાથી તે હિંદુ મટી શકતો નથી.

આપણા ધર્મમાં પ્રત્યેકને આસ્તિક હોય કે નાસ્તિક પોતાની મરજીના માલિક બનવાનું સ્વાતંત્ર્ય છે. એટલે કે વિચારવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. ઈશ્વરને જે સ્વરૂપે ભજવા હોય કે જે સ્વરૂપે ઓળખવા હોય તે બાબતે પૂર્ણતઃ મોકળાશ છે. ભારતીય ધર્મ સાગરસમો છે. અનેક ધારામાં પ્રવાહો પંથો-સંપ્રદાયો તેમાં એકરસ થઈ જાય છે. આનું કારણ ધાર્મિક સહિષ્ણુતા વૈચારિક સ્વાતંત્ર્ય અને આચરણોની મોકળાશ છે. આત્મા અને પરમાત્માનું સખ્ય એટલે હિંદુ ધર્મ આપણો ધર્મ જે શાશ્વત છે. વિચારે વૈશ્વિક છે. વસુધૈવ કુટુંબકમ આચારે વટાળ પ્રવૃતિથી સ્પર્શ્ય નથી..