ધાર્મિકતા,અધ્યાત્મ અને નાસ્તિકતાઃગુંચવાયેલા છેડા  - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ધાર્મિકતા,અધ્યાત્મ અને નાસ્તિકતાઃગુંચવાયેલા છેડા 

ધાર્મિકતા,અધ્યાત્મ અને નાસ્તિકતાઃગુંચવાયેલા છેડા 

 | 3:22 am IST

નવાજૂનીઃ ઉર્વીશ કોઠારી

ધર્મ, ઇશ્વર, શ્રદ્ધા જેવા શબ્દો એટલા ‘ભરેલા’ હોય છે કે તુંડે તુંડે તેના ભિન્ન અર્થ થાય. જેમ કે, ધાર્મિક વ્યક્તિ કોને ગણી શકાય? જે ઇશ્વરમાં માને તેને? જે ધર્મસ્થાને નિયમિત જાય તેને? જે આ કશું કર્યા વિના પોતાની મેળે સેવાપૂજા કરે તેને? જે આટલું પણ ન કરે, છતાં કોઈ સર્વોચ્ચ શક્તિ હોવાનું માને તેને?

સવાલોનો આ સિલસિલો હજુ લંબાવી શકાય. પણ મુદ્દો એ જ છેઃ આ બધા શબ્દોની કોઈ એક વ્યાખ્યા નથી અથવા કોઈ એક વ્યાખ્યા વિશે એકમતી નથી. નુસરત ફ્તેહઅલીખાને ગાયેલી અને નાઝ ખિયાલવીએ લખેલી કવ્વાલીમાં કહ્યું છે તેમ, ‘જિસકી પહુંચ જહાં તલક, ઉસકે લિયે વહીં પે તુ’ એવું માનનારને ધાર્મિક કહી શકાય અને ઈશ્વરના વિરોધાભાસ ચીંધીને ‘તુમ એક ગોરખધંધા’ કહેનારને પણ ધાર્મિક કહી શકાય.

યુરોપ-અમેરિકા વિજ્ઞાાનમાં ઘણાં આગળ હોવાથી આપણે ઘણી વાર એવું માનવા પ્રેરાઈએ છીએ કે તે દેશોમાં ધાર્મિકતા કે અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું ઓછું હશે. પરંતુ હકીકત એટલી સીધી નથી. યુરોપના દેશોમાં નવજાગરણ (રેનેસાં) અને રાજ્યસત્તા સાથે ધર્મસત્તાના છૂટાછેડાની લાંબી પરંપરાને કારણે સેક્યુલરિઝમનાં મૂળીયાં ઠીક ઠીક પ્રમાણમાં ફેલાયેલાં જોવા મળે છે, જ્યારે અમેરિકાનો મામલો અલગ છે. વાત આગળ વધારતાં પહેલાં એ સ્પષ્ટતા કરી લઈએ કે સાચાખોટા કારણસર બદનામ થયેલા સેક્યુલરિઝમનો મૂળ અર્થ હતોઃ બિનધાર્મિકતા એટલે કે ધાર્મિક માન્યતાઓ અને સંસ્થાગત ધર્મથી અલગાવ. ધાર્મિક લોકો માને છે કે નીતિમત્તા ધર્મમાંથી જ આવે, જ્યારે સેક્યુલરિઝમ માને છે કે માણસ ધર્મના ટેકા વિના પણ નૈતિક હોઈ શકે-રહી શકે. પ્રચંડ વૈવિધ્ય ધરાવતા ભારતમાં સેક્યુલરિઝમ સર્વધર્મસમભાવના અર્થમાં આવ્યું. તે સહઅસ્તિત્વ માટેનો આધાર બની શકે એમ હતું, પણ ગંદા રાજકારણનો અખાડો બન્યું.

ભારતમાં સેક્યુલરિઝમ ધર્મના કે ઔઇશ્વરના ઇનકારનું નહીં, બધા ધર્મો પ્રત્યે આદરનું સૂચક ગણાયું. પરંતુ અમેરિકામાં સેક્યુલરિઝમ અને નિરીશ્વરવાદ શંકાનો વિષય બન્યા. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી. એ સમયે આખું વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે સુપરપાવરની છાવણીઓમાં વહેંચાઈ ગયું અને થોડા દાયકા પૂરતો સામ્યવાદનો દબદબો રહ્યો. સામ્યવાદીઓ સૈદ્ધાંતિક રીતે નિરીશ્વરવાદી હોય. એ સમીકરણને ઉલટાવીને અમેરિકા નિરીશ્વરવાદીઓમાં સામ્યવાદીઓ જોવા લાગ્યું. રશિયાના સામ્યવાદનો અમેરિકાના લોકોને રંગ લાગી જાય તેની અમેરિકાના નેતાઓને ભારે ચિંતા હતી. એટલે તેમણે ખ્રિસ્તી ધર્મના લાભાર્થે નહીં, પણ સામ્યવાદના વિરોધાર્થે અમેરિકાને આસ્તિકતાના રંગે રંગી નાખ્યું. ભારતનો રાષ્ટ્રીય ધ્રુવમંત્ર ‘સત્યમેવ જયતે’ છે, તો વિજ્ઞાાનની પ્રગતિનો મુલક ગણાતા અમેરિકાનો રાષ્ટ્રીય ધ્રુવમંત્ર છેઃ ઇન ગોડ વી ટ્રસ્ટ.

ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી તરીકે ઓળખાતો અમેરિકાનો રૂઢિચુસ્ત રિપબ્લિકન પક્ષ ફ્ક્ત ધર્મની બાબતમાં જ નહીં, ધાર્મિક અંધશ્રદ્ધાની બાબતમાં પણ ભારત સાથે ઠીક ઠીક હરીફઈ કરી શકે એમ છે. અમેરિકામાં દરેક રાજ્ય પોતાના કાયદા બનાવી શકે છે. એ સત્તા પ્રમાણે એકવીસમી સદીના અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ નહીં, પણ બાઇબલનો સર્જનવાદ ભણાવાય છે. અમેરિકામાં પ્રચંડ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. એટલે ધર્મ અને ધાર્મિક માન્યતાઓની ટીકા બહુ આકરા શબ્દોમાં અને જાહેરમાં થઈ શકે છે. (રીચાર્ડ ડોકિન્સ જેવા અભ્યાસીને વાંચવા-સાંભળવાથી એ સામગ્રી કેવી તમતમતી હોઈ શકે તેનો ખ્યાલ આવી શકે.) છતાં, અમેરિકામાં ધર્મ અને ધાર્મિકતાના પાયા હજુ ડગમગ્યા કે હચમચ્યા નથી.

 

અમેરિકા અને યુરોપના લોકોની ધાર્મિક માન્યતાઓને લગતું એક સર્વેક્ષણ ગયા મહિને પ્રગટ થયું. પશ્ચિમી યુરોપના પંદર દેશોના પચીસ હજાર લોકોના અભિપ્રાય અને એવા જ પ્રકારનું સર્વેક્ષણ અમેરિકામાં કર્યા પછી મળેલા અભિપ્રાય-આ બંનેનું તેમાં સંકલન કરવામાં આવ્યું હતું. તેમાં એક બાબત સ્પષ્ટપણે ઉભરીને આવી કે યુરોપના લોકો કરતાં અમેરિકાના લોકો ઘણાં વધારે ધાર્મિક છે. ધાર્મિકતા નક્કી કરવા માટે તેમાં બે સવાલ મુખ્ય હતાઃ તમે સો ટકા ખાતરીથી માને છો કે ઇશ્વર છે? અને તમે રોજ સેવાપૂજા કરો છો?

મઝાની વાત એ થઈ કે ધાર્મિકતા જેવી વિશાળ અર્થો ધરાવતી બાબતને આ બે માપદંડોથી નક્કી કરવામાં કેટલાંક વિશિષ્ટ અને વિચિત્ર લાગે એવાં પરિણામ પણ મળ્યાં. તેમાં એક તારણ તો એવું હતું કે યુરોપના આસ્તિકોમાંથી ફ્ક્ત ૨૩ ટકા ઈશ્વરના હોવા વિશે સો ટકા ખાતરી ધરાવે છે, જ્યારે અમેરિકાના નાસ્તિકોમાંથી ૨૭ ટકા લોકોને લાગે છે કે ઈશ્વર છે. આ ગુંચવાડો જેટલો ધર્મ-આસ્તિકતા-અધ્યાત્મ-નાસ્તિકતાની વ્યાખ્યાઓનો છે, એટલો જ અમેરિકા-સ્પેશિયલ કહેવાય એવો પણ છે. અમેરિકામાં છેલ્લા થોડા સમયથી ‘એથિસ્ટ ચર્ચ’નું પ્રમાણ વધી રહ્યું છે. તેનું ગુજરાતી શું કરીશું? નાસ્તિકો માટેનું ચર્ચ? આવું કેવી રીતે બને?

પરંતુ માણસજાત માટે બધું જ શક્ય છે. માણસ ધર્મ પાસે ઘણાં કારણથી જાય છે. ઈશ્વર પરની શ્રદ્ધા તેનું એક મજબૂત કારણ છે, પણ એકમાત્ર કારણ નથી. સંસ્થાગત ધર્મમાં જોવા મળતો જનસમૂહ માણસની સમૂહજીવનની ઝંખના સંતોષવામાં મદદ કરી શકે છે. ‘એથિસ્ટ ચર્ચ’માં જનારા ભગવાનના અલૌકિક ચમત્કારોમાં નથી માનતા, પણ ભેગા મળવું, નૈતિકતા વિશેની વાતોનું આદાનપ્રદાન કરવું, સાથે મળીને ધાર્મિક કે શુભ ભાવના ધરાવતાં ગીતો ગાવાં– આ બધું તેમને આકર્ષે છે. ભારતમાં જોવા મળતા ઘણાબધા સાચાખોટા આશ્રમો અને આધ્યાત્મિક ગુરુઓ પોતપોતાની બ્રાન્ડના અધ્યાત્મ દ્વારા આ જ કોશિશ નથી કરતા? સ્થાપિત ધર્મના પરંપરાગત માળખાથી કંટાળેલા કે તેની પરથી શ્રદ્ધા ગુમાવી બેઠેલા લોકોને તે બીજા આકર્ષક, સમૂહજીવનની અને સાત્વિક સાર્થકતાની લાગણી પૂરી પાડતા રસ્તે લઈ જવાનો દાવો કે વાયદો કરે છે. તેમને સફ્ળતા મળવાનું મોટું કારણ એ છે, જે યુરોપ-અમેરિકામાં થયેલા સર્વેક્ષણમાં પણ બહાર આવ્યું છેઃ લોકોને ધર્મસંસ્થાથી કે ભગવાનથી પરંપરાગત કલ્પનાથી કંટાળો આવી શકે છે, પણ એક યા બીજા પ્રકારે ભેગા મળવું અને સામૂહિક પ્રવૃત્તિ તરીકે પોતાની માન્યતાને કે માનસિક જરૂરિયાતને સંતોષવી, એ માણસની મૂળભૂત પ્રકૃતિ છે.

સમાજને નુકસાનકારક બને એવી ધાર્મિકતા કે અંધશ્રદ્ધા સામે ઝુંબેશ ચલાવનારાએ પણ તેમની વ્યૂહરચના માટે આ બાબત ધ્યાનમાં રાખવા જેવી નથી લાગતી?