યાદ(અ)શક્તિ   - Sandesh

યાદ(અ)શક્તિ  

 | 12:22 am IST

હસતાં રમતાં :- રવીન્દ્ર પારેખ

ઘરમાં છોકરું નાનું હોય ને તે સ્કૂલે જતું થાય કે માબાપના ઉમંગનો પાર નથી રહેતો.તેમને, તેમનું છોકરું બહુ જ હોશિયાર ને તેજસ્વી લાગતું હોય છે.એમાં જો છોકરો ચબરાક હોય તો માબાપ તેનું આવનારાઓ સમક્ષ જે નાનકડું પ્રદર્શન ભરે છે ને તેમાં છોકરાની જે દશા બેસે છે તે દયાજનક હોય છે.રસ્તામાંથી સંબંધીઓને પકડી લાવીને,ચા પીવડાવીને છોકરાને તેમની સામે ગિફ્ટ હેમ્પરની જેમ ધરી દેતાં મમ્મી કહે છે, ‘મારો રેમો એટલો હોશિયાર છે કે તેના સાહેબો પણ (બીજાના?)મોમાં આંગળાં નાખી જાય છે. ‘એ ટુ ઝેડ’ તો સેકન્ડમાં બોલી જાય.’ પછી રેમોને કહેવાય છે, ‘બેટા,એ ટુ ઝેડ બોલ તો!’ ને રેમો બોલે છે. ‘એ ટુ ઝેડ.’ મહેમાન આંચકો ખાઈ જાય છે એટલે મમ્મીએ કહેવું પડે છે, ‘રેમો,એમ નહીં,એ,બી,સી,ડી.. એમ ઝેડ સુધી બોલ.’ ને રેમો શરુ કરે છે . ‘એ…’ એટલું બોલીને મોબાઈલ મચડવા લાગે છે ને પછી તો મેહમાને પણ જવું હોય છે એટલે રેમોનું ‘બી’ સાંભળવા અઠવાડિયાની મુદત માંગે છે. સીદીભાઈને સીદકાં વહાલાં એ ન્યાયે દરેક પેરન્ટ્સને તેનું બાળક બહુ જ ચબરાક,હોશિયાર ને શાર્પ લાગે છે. ઠેર ઠેર બોલતાં રહે છે, ‘મારા જોજોને તો કંઇ કહેવું જ ના પડે.એક વાર સાંભળે- જુએ તો તરત જ યાદ રહી જાય.ગીતા તો એને આખી મોઢે છે.’ એવું કહેવાય તો આપણે એ યાદ રાખવાનું હોય છે કે ગીતા એટલે ધર્મપુસ્તક. લગભગ બધાં જ બાળકો સ્માર્ટ લાગતા હોય છે, પણ જેમ જેમ પેરન્ટ્સ ને બાળકની ઉમર વધતી આવે છે તેમ તેમ તવાઈ આવે છે ને બધાં તવાવા લાગે છે. ચબરાક લાગતો દીકરો લપડાક ખાતો થઇ જાય છે. જે પેરન્ટ્સ વહાલાં લાગતાં હતાં તે હવાલા નાખતા થઇ જાય છે.

એસ.એસ,સી.ની પરીક્ષા માબાપને હોશિયાર ને દીકરાને ડોબો સાબિત કરવા લાગે છે. વાતે વાતે છોકરાને તાવ, શરદી થઇ આવે છે તો માબાપ ઓફ્સિમાં બોસને માંદા લાગવા માંડે છે. પરીક્ષા જેમ જેમ નજીક આવે છે તેમ તેમ માબાપોની રજાઓ વધવા માંડે છે. એ બિચારા પણ શું કરે? માબાપે દીકરા -દીકરીનો કોર્સ પતાવવાનો હોય છે ને બીજી જવાબદારીઓ તો ખરી જ. ઘણીવાર તો વાંચતાં વાંચતાં ઝોકી જતાં માબાપને સંતાને ઉઠાડવા પડે છે, ‘મમ્મી,આમ ઊંઘ્યા જ કરીશ તો મારો કોર્સ ક્યારે પૂરો કરીશ?’ ને મમ્મી. ‘સોરી,બેટા,’ બોલતી ભળતું જ પાનું ખોલી વાંચવા લાગે છે. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તે પણ પરીક્ષાના સમયે તો કશું યાદ રાખી શકતા નથી, ‘મમ્મી,મને વાંચેલું યાદ જ નથી રહેતું. શું કરું? પરીક્ષામાં કંઈ ન આવડયું તો હું તો નદીમાં ડૂબી મરીશ.’ કોર્પોરેશનો પણ આ જાણે છે એટલે ઉનાળામાં મોટે ભાગે નદીમાં બહુ પાણી રાખતા જ નથી. યાદ રહેવાનું તો એવું છે કે પચાસ સાંઠ ટકા જેટલું તો મગજ યાદ પણ અપાવે, પણ વાત નેવું,નવ્વાણું ટકા લાવવાની હોય તો મગજ પણ કેટલુંક ઘસાય. બધાને જ આઇન્સ્ટાઇન જેવો છોકરો જોઈએ છે, પણ માબાપ એ ભૂલી જાય છે કે આઇન્સ્ટાઇનને હતો એટલો, ડફેળ રહેવાનો અધિકાર આજના દીકરાને નથી. પપ્પા પણ જાણતા હોય છે કે છોકરી હોશિયાર છે, પણ પરીક્ષામાં જ ઘોડું નથી દોડતું એટલે એ ધરપત આપતા હોય છે, ‘ચિંતા ન કર. ચોરી કરવી પાપ છે, પણ ઉતારા કરવામાં કોઈ પાપ નથી. પીએચ.ડી.ના થીસિસ પણ ગાઈડો ઉતારા કરીને જ સ્ટુડન્ટને લખી આપતા હોય છે એટલે, ડોન્ટ વરી, હું તને નાની નાની કાપલીઓ બનાવી આપીશ. તારે તો ઉતારી જ જવાનું છે.’ ને એમ કંઈ યાદ નથી રહેતું-કહેનારાઓ જ બોર્ડમાં ટોપ ફ્ફ્ટિીમાં ગોઠવાઈ જતા હોય છે.

યાદ ન રહેવાનું તો માબાપોમાં ય વધતું આવે છે. પપ્પાને, મમ્મીને સાડી અપાવવાનું યાદ જ નથી આવતું તો મમ્મી પણ રવિવારે ઘરમાં રાંધવાનું ભૂલી જ જતી હોય છે. લગ્નમાં કશું જ યાદ રાખવા જેવું ન હોય તો પણ મેરેજ એનિવર્સરી ભુલાઈ ગઈ કે મોમનું કે ડેડનું આવી જ બને. ગમે ત્યાં થૂંક્યા કરતા દાદાને થૂંકદાનીમાં થૂંકવાનું યાદ જ નથી આવતું. દાદી ચશ્માં પહેર્યા હોવા છતાં શોધ્યા જ કરતી હોય છે, ‘બળ્યું,મને તો હવે કંઈ યાદ જ નથી રહેતું. કાખમાં છોકરું ને ગામમાં શોધું.’ દાદી ક્યારેક તો શું ભૂલી જવાનું છે તે બરાબર યાદ રાખે છે. એ સતત ગોખતી હોય છે કે વહુને વાર તહેવારે આશીર્વાદ ના અપાઈ જાય. એ બરાબર યાદ રાખે છે કે નાનકાને આશીર્વાદને બદલે સોની નોટ ન અપાઈ જાય. સારો ભાવ ન આવતો હોવાથી સંતાનો પણ હવે આશીર્વાદ લેવાનું ભૂલવા જ લાગ્યા છે.

ખરેખર હવે લોકોની યાદશક્તિ બહુ નબળી પડવા માંડી છે. પૈસા ચૂકવવાના હોય ત્યારે ઘણાને હિસાબમાં વદ્દી ચડાવવાનું ભાગ્યે જ યાદ રહે છે. કીપ ધ ચેન્જ- ન કહ્યું હોય તો પણ કંડકટર છુટ્ટા આપવાનું ભૂલી જ જાય છે. પ્રેમી લેમ્પપોસ્ટ પાસે ઊભો ઊભો સળગી ઊઠયો હોય તો પણ પ્રેમિકા મળવા આવવાનો વાયદો ચૂકી જ જતી હોય છે. પાર્ટીએ કંઈ ખટાવ્યું ન હોય તો લોકો મત આપવાનું ક્યાં યાદ રાખે છે?

પણ આ સારું નથી. ડોક્ટર ઓપેરેશન કરતી વખતે ભરેલું ટીફીન દર્દીના પેટમાં જ ભૂલી જાય તો દર્દીની ભૂખ મરી જ જાય કે બીજું કંઈ? ગમે એટલી ઈચ્છા કરી હોય કે દાદા ઘરમાં એકલા હોય ત્યારે ગેસ બંધ કરવાનું ભૂલી જવાય,પણ પછી બિલ કયો કાકો ભરશે એ વિચારે નોબ બંધ કરવાનું ભૂલવાનું નથી તે બરાબર ગોખી મરાય છે કે નઈ!કેટલીક વસ્તુઓ ભૂલી ભૂલાતી નથી એ પણ હકીકત છે. જેમ કે કોઈ બહાર નીકળે છે ત્યારે કપડાં પહેરવાનું ભૂલી જતું નથી. આ મારી જ વાત લોને! હું લખવાનું બંધ કરવાનું ભૂલી જાઉં તો? તો તમે વાંચવાનું ભૂલી જવાનું છે એટલું તો યાદ રાખશો જ ને? એટલે હું પણ ભૂલમાં જ લખવાનું ભૂલી જાઉં છું… થેંક્સ!

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન