નવેસરની વેચવાલીના દબાણે ત્રણ સેશનની તેજી અટકી - Sandesh
  • Home
  • Business
  • નવેસરની વેચવાલીના દબાણે ત્રણ સેશનની તેજી અટકી

નવેસરની વેચવાલીના દબાણે ત્રણ સેશનની તેજી અટકી

 | 3:12 am IST

। મુંબઇ ।

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તંગદિલી ઉગ્ર બનવાના એંધાણે બુધવારે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. આમ, છેલ્લાં ત્રણ દિવસથી જોવાયેલી તેજીને બ્રેક લાગી હતી. સેન્સેક્સ ૨૩.૭૨ પોઇન્ટના વધારા સાથે ૩૯,૯૭૪.૧૮ અને નિફ્ટી ૩.૧૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૧,૯૬૨.૪૫ ઉપર ખુલ્યા હતા. ચીન સાથે વેપાર સમજૂતીમાં અમેરિકાએ આકરું વલણ અખત્યાર કરતા એશિયન બજારોમાં સાવચેતીભરી શરૂઆત જોવા મળી હતી. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૯૩.૬૫ પોઇન્ટ ઘટી ૩૯,૭૫૬.૮૧ અને નિફ્ટી ૫૯.૪૦ પોઇન્ટ ઘટી ૧૧,૯૦૬.૨૦ ઉપર બંધ થયાં હતા.

બેન્કિંગ અને ઓટો શેર્સ સૌથી વધુ ઘટયા હતા. નિફ્ટીમાં તાતા સ્ટીલ ૨.૧૩, ગેઇલ ૧.૨૧ અને ઓએનજીસી ૦.૯૭ ટકા વધ્યા હતા જયારે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૭.૭૫, યસ બેન્ક ૩.૧૨, ભારતી ઇન્ફ્રાટેલ ૨.૧, ટેક મહિન્દ્રા ૧.૯૯ અને કોટક મહિન્દ્રા બેંક ૧.૯૩ ટકા ઘટયા હતા. ફિનિશ પોસ્ટલ સર્વિસ પોસ્ટી દ્વારા પોતાના બિઝનેસ અને આઇટી સર્વિસિસના ડીજીટલ ટ્રાન્સફોર્મેશન માટે સ્ટ્રેટેજીક પાર્ટનર તરીકે ઇન્ફોસિસની પસંદગી કરવામાં આવી છે. પ્રોજેક્ટ વહેલો પૂર્ણ કરવા બદલ એનએચએઆઇ તરફથી બોનસ મળતા વેલસ્પન એન્ટરપ્રાઇઝનો શેર ઇન્ટ્રાડેમાં ૩ ટકા વધ્યો હતો. સોણીપતના પ્લાન્ટમાંથી પરાગ મિલ્ક ફૂડસે ગયા નાણાકીય વર્ષમાં રૂ.૭૦ કરોડની આવક કરી હતી.

૧૧ જૂનના રોજ પાકતી વ્યાજની રકમ સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝે ચૂકવી ન હતી. આથી, શેરનો ભાવ એક તબક્કે ૩ ટકા ઘટયો હતો. એનસીડીના વ્યાજની રૂ.૯૬૧ કરોડની રકમ કંપનીએ ચૂકવી દીધા બાદ ડીએચએફએલનો શેર એક તબક્કે ૬ ટકા વધ્યો હતો. વર્તમાન સપ્તાહે બેન્કના બે ડાયરેકટરોના રાજીનામાના નિર્ણયને પરિણામે યસ બેન્કનો શેર એક તબક્કે ૩ ટકા ઘટયો હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવાયો હતો. બેંકનો શેર ૧.૭ ટકા ઘટી રૂ.૨૩.૬૦ ઉપર પહોંચ્યો હતો.

ઇરોઝ ઇન્ટરનેશનલનો શેર ૧૦ ટકા ઘટી રૂ.૩૩.૨૫ થવા સાથે બાવન સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. વરૂણ બેવરેજીસની ૧૭ જૂનની બેઠકમાં બોનસ શેર અંગે વિચારણા કરવામાં આવશે. એલેમ્બિક ફાર્માએ ૧૨મી જૂનની બેઠકમાં પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે રૂ.૩૦૦ કરોડના રિડિમેબલ એનસીડી ઇશ્યૂને મંજૂરી આપી હતી. ન્યૂક્લીઅર પાવર કોર્પોરેશન તરફથી ભેલને રૂ.૪૪૦ કરોડનો ઓર્ડર મળ્યો હતો.

CAના રાજીનામા બાદ ADAG કંપનીના શેર્સ ઘટયા

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રાઇસ વોટર હાઉસ એન્ડ કંપનીએ સ્ટેટયૂટરી ઓડિટર તરીકે રાજીનામું આપ્યા બાદ એડીએજી (અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ)ની કંપની રિલાયન્સ કેપિટલના શેરમાં ૬.૭૬ ટકા અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના શેરમાં ૭ ટકા ઘટયા હતા.

ચીનનો ફુગાવો ૧૫ મહિનાની સર્વોચ્ચ સપાટીએ

મે મહિનામાં ચીનનો ફુગાવો ૧૫ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. પોર્ક અને ફળોના ભાવમાં વધારો થવાથી ચીનમાં મોંઘવારી વધી હતી.

ક્રૂડ તેલના ભાવમાં નરમાઈનું વાતાવરણ

કમજોર માગ અને અમેરિકાના ક્રૂડ તેલના જથ્થામાં વધારાને કારણે બુધવારે ક્રૂડ તેલના ભાવ ૨ ટકા ઘટયા હતા. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક બેરલે ૧.૧૬ ડોલર ઘટી ૬૧.૧૩ ડોલર અને ડબલ્યૂટીઆઇ ક્રૂડ વાયદો એક બેરલે ૧.૦૪ ડોલર ઘટી ૫૨.૨૩ ડોલર થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન