રિપેરિંગ સર્વિસ અને રિપ્લેસમેન્ટ - Sandesh
  • Home
  • Columnist
  • રિપેરિંગ સર્વિસ અને રિપ્લેસમેન્ટ

રિપેરિંગ સર્વિસ અને રિપ્લેસમેન્ટ

 | 3:35 am IST
  • Share

તા.૧-૭-૨૦૦૩થી કોઈ પણ માલ અને સાધન (equipment) ના  મરામત અને સારસંભાળની સેવા મેઈન્ટેનન્સ અને રિપેર સર્વિસ  હેઠળ કરપાત્ર છે. આ સેવાની વ્યાખ્યા અને વ્યાપ ઉત્તરોત્તર બદલાયો  છે અને તા. ૧-૫-૨૦૦૬થી હવે આ સેવામાં મેનેજમેન્ટનું તત્ત્વ પણ  ઉમેરાયું છે. ફક્ત માલ કે સાધનો નહીં, પણ હવે સ્થાયી  મિલકતો બાબતની આ પ્રકારની સેવાઓ પણ કરપાત્ર છે. યંત્રો  અને સાધનો બનાવનારા ઉત્પાદકો પોતે બનાવેલ માલની  મરામત કરી આપે અથવા ખામીવાળા માલને બદલે બીજો માલ  બદલી આપે ત્યારે આ સેવા હેઠળ કર આકર્ષાય કે નહીં એ બાબતે  ગૂંચવણ છે.

ખામી-ક્ષતિવાળા માલની મરામત

તા. ૧-૭-૨૦૦૩થી જ માલ અને સાધનોની મરામત આ સેવા હેઠળ  સમાવાયેલી છે. કોઈ પણ વ્યક્તિ મરમ્મતના કરાર હેઠળ, અથવા કોઈ  પણ ઉત્પાદક કે તેણે નિયુક્ત કરેલ વ્યક્તિ માલ કે સાધનોની  મરામત કરી આપે તો તેનો સમાવેશ ‘મેઈન્ટેનન્સ અથવા રિપેર’  રેવા હેઠળ થાય છે. પણ ઉત્પાદક કે તેણે નિયુક્ત કરેલ વ્યક્તિ  ખામીવાળા માલ સામે એ જ પ્રકારનો બીજો માલ બદલી આપે  ત્યારે સર્વિસટેક્સ લાગે કે નહીં એ પ્રશ્નની છણાવટ જરૂરી છે.

મરામત અને રિપ્લેસમેન્ટ

ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક પ્રકારનાં માલ અને સાધનોમાં  વોરંટીની પ્રથા છે. આવો માલ વેચતી વખતે ઉત્પાદક અમુક  સમય માલ સારો રહેશે તેવી બાહેધરી આપે છે, અને આ સમય  દરમિયાન માલમાં ખામી કે ક્ષતિ આવે તો માલ બદલી આપવાની  સમજણ આવા કરારોમાં હોય છે. આવા કિસ્સાઓની યોગ્ય સમજણ  માટે એક ઉદાહરણ આ પ્રમાણે લઈ શકાયઃ

વાતાનુકૂલિત યંત્રોમાં વપરાતા કોમ્પ્રેશર જેવા માલના  વેપારમાં લગભગ બે વર્ષની વોરંટી આપવામાં આવે છે.  ઉત્પાદકો કોઈ પણ એક કે બે જગ્યાએ રિપેરિંગ માટે વર્કશોપ રાખે  છે. આખા દેશમાં ફેલાયેલી શાખાઓ દ્વારા ખામીયુક્ત કોમ્પ્રેશર  બદલી આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જો અમદાવાદ શાખાએ  એક ગ્રાહક ખામીવાળું કોમ્પ્રેશર લઈને આવે અને તેની મરામત  માટેનું એકમ બેંગ્લુરુમાં હોય, તો આ કોમ્પ્રેશર બેંગ્લુરુ  મોકલી, ત્યાંથી મરામત કરાવી પાછું લાવી અમદાવાદના ગ્રાહકને  પરત કરવામાં ઘણો સમય લાગે તે સ્વાભાવિક છે. આવી  પરિસ્થિતિ અટકાવવા અને ગ્રાહકોને તરત સંતોષ આપવા અમદાવાદ  શાખા પર અગાઉ ગ્રાહકોએ પરત કરેલાં અને ત્યારબાદ રિપેર કરેલા  કોમ્પ્રેશરોનો સ્ટોક રાખવામાં આવે છે. જ્યારે ગ્રાહક કોઈ એક  કોમ્પ્રેશર લઈને ખામીની ફરિયાદ સાથે આવે ત્યારે આ જ  પ્રકારનું, એટલે એ જ મોડલનું અને એટલી જ ક્ષમતાવાળું,  રિપેર થયેલું કોમ્પ્રેશર એ ગ્રાહકને તરત જ આપી દેવામાં આવે  છે. જો ગ્રાહક વોરંટીના સમયમાં હોય તો આવું રિપ્લેસમેન્ટ  નિઃશુલ્ક આપવામાં આવે છે, પરંતુ વોરંટી બહારનાં સમયના  ગ્રાહકો માટે આવા રિપ્લેસમેન્ટ સમયે અમુક રકમ પણ વસૂલ  કરવામાં આવે છે. સામાન્ય રીતે મોડલ અને ક્ષમતા (કેપેસિટી)  મુજબ રિપ્લેસમેન્ટ વખતે વસૂલ કરવાની રકમ નક્કી કરેલી જ હોય  છે. અમદાવાદ શાખાએથી આ પ્રમાણે રિપ્લેસમેેન્ટ આપી  ખામીવાળું સાધન મરામત માટે મોકલી આપવામાં આવે છે, અને  મરામત પછી તે સાધન શાખા પરના સ્ટોકમાં લઈ લેવામાં આવે  છે અને બીજા કોઈ ગ્રાહકને રિપ્લેસમેન્ટમાં ભવિષ્યમાં આપવામાં  આવે છે. આ પ્રમાણે રિપ્લેસમેન્ટનાં વ્યવહારો ચાલ્યાં કરે છે.  પ્રશ્ન એ થાય છે કે મરામત કરેલ કોમ્પ્રેશરને રિપ્લેસમેન્ટ તરીકે  આપતી વખતે લેવાતી રકમ પર ‘રિપેર’ સર્વિસ હેઠળ સર્વિસટેક્સ  આપવાની જવાબદારી બનશે?

આ પ્રકારનાં વ્યવહારને રિપેર સર્વિસ ગણી શકાતાં નથી. જો  ખામીયુક્ત કોમ્પ્રેશર રિપેર કરી તે જ કોમ્પ્રેશર ગ્રાહકને પરત  કરવામાં આવે અને મરામત ખર્ચના નાણાંની વસૂલાત કરવામાં  આવે તો આ રકમ પર સર્વિસ ટેક્સ ભરવાની જવાબદારી થાય. પણ  ખામીયુક્ત કોમ્પ્રેશરની બદલીમાં બીજું મરામત કરેલું  કોમ્પ્રેશર આપવાનાં વ્યવહારમાં કોઈ રિપેર સર્વિસ નથી.  રિપ્લેસમેન્ટ આપતી વખતે કોઈ એક નક્કી કરેલી રકમ વસૂલ કરાય  તો પણ આ રકમ રિપ્લેસમેન્ટના માલ કે સાધન માટે છે, કોઈ  રિપેરની સેવા માટે નથી. અગાઉ કોઈ ગ્રાહક પાસેથી આવેલ  કોમ્પ્રેશરને જ રિપેર કરીને અન્ય ગ્રાહકને બદલી આપવાના  વ્યવહારમાં પણ જે ગ્રાહક પાસેથી રિપ્લેસમેન્ટના નાણાં વસૂલ  કરવામાં આવે છે તે ગ્રાહકને રિપેર કરેલું કોમ્પ્રેશર આપવામાં  આવે છે, નહીં કે રિપેરિંગની સેવા. રિપેરિંગની સેવા પરનો કર  જ્યારે રિપેરિંગની સેવા આપવામાં આવે ત્યારે જ લાગે છે, રિપેર  કરેલો માલ રિપ્લેસમેન્ટ તરીકે આપવામાં આવે ત્યારે નહીં.

આમ ખામીવાળા માલ કે સાધનોના બદલે બીજો એ જ પ્રકારનો  માલ કે સાધન બદલી આપવાના વ્યવહારોમાં રિપેરિંગનો સર્વિસ  ટેક્સ લાગતો નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો