પ્રજાસત્તાક પર્વે એક નેતાએ તૈયાર કર્યું પ્ર-વચનપત્ર!  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પ્રજાસત્તાક પર્વે એક નેતાએ તૈયાર કર્યું પ્ર-વચનપત્ર! 

પ્રજાસત્તાક પર્વે એક નેતાએ તૈયાર કર્યું પ્ર-વચનપત્ર! 

 | 1:00 am IST
  • Share

રોંગ નંબર :  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

જેમ હોળી-દિવાળી જેવા તહેવારો આવતા હોય એની પહેલાં એ તહેવારોને આવકારવા માટે લોકો પૂર્વ તૈયારી કરતા હોય છે એ જ રીતે સાચો અને પાકો રાજકારણી પંદરમી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારોને આવકારવા આગોતરી તૈયારી કરવા માંડે છે. આવા જ એક સાચા અને પાકા રાજનેતાએ ૨૬મી જાન્યુઆરીએ આપવાના પ્રવચનની પૂર્વ તૈયારીરૂપે પોતાના સેક્રેટરી પાસે ‘પ્રજાસત્તાક દિન’ની ઉજવણી માટેનું ‘પ્રવચન પત્ર’ તૈયાર કરાવી દીધું. પ્રજાસત્તાક ભારતના પ્રજાસત્તાક જનતાના જ્ઞાનોદય માટે અત્રે એ પ્રવચનપત્ર પ્રગટ કરતાં અમે પ્રજાસત્તાક નાગરિક હોવાનું પ્રજાસત્તાક ગૌરવ અનુભવીએ છીએ :  ‘મારા પ્રિય ભારતવાસીઓ, આજે આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા એકઠા થયા છીએ એટલે કમ સે કમ આજે તો મારે સાચું જ બોલવું જોઈએ તેમજ દેશપ્રેમ અને સમાજસેવાની જ વાત કરવી જોઈએ. આવું મારા અંગત સલાહકારનું કહેવું છે, તેમ છતાં જો પક્ષપ્રેમ કે પક્ષપ્રચારની વાત થઈ જાય તો એ ક્ષણ પૂરતો મને માફ કરી દેશો.

સૌ પ્રથમ તો મારે ૨૬મી જાન્યુઆરી જેવા શુભ અને પવિત્ર દિવસનો આભાર માનવો જોઈએ. આભાર એટલા માટે કે એણે ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મી તારીખે આપણા દેશને પ્રજાસત્તાક હોવાનું જાહેર કર્યું’તું. જો એણે સવેળા જાગતા રહીને એ દિવસે જાહેર ના કર્યું હોત અને આળસ રાખીને એકાદ મહિના પછી – એમાંય પાછી આળસ રાખીને ૨૬ જાન્યુઆરીને બદલે ૨૯ ફેબ્રુઆરીએ જાહેર કર્યું હોત તો આપણે વર્ષે વર્ષે પ્રજાસત્તાક દિન થોડા કંઈ ઊજવી શકવાના હતા? માટે હું દર વર્ષે ૨૬મી જાન્યુઆરીનો આભાર માનું છું. તમે નહીં માનો મિત્રો, પણ સાચું કહું? બાર મહિનાની બારે બાર ૨૬મી તારીખ માટે મને અઢળક પ્રેમ અને માન છે.

પ્રજાસત્તાક બન્યે આપણને ૭૦ વર્ષ થઈ ગયાં, આટલાં વર્ષોમાં ઘણું બધું બદલાતું રહ્યું. રાજકારણ બદલાતું રહ્યું. સરકારો બદલાતી રહી. નેતાઓ બદલાતા રહ્યા. નેતાઓની નિયત બદલાતી રહી. મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનો બદલાતા રહ્યા, પરિણામે સમસ્યાઓ પણ બદલાતી રહી. વિકાસ બદલાતો રહ્યો. પ્રગતિ બદલાતી રહી. ખરેખર તો વિકાસ અને પ્રગતિની વ્યાખ્યાઓ બદલાતી રહી. સત્ય અને અસત્યના અર્થો બદલાતા રહ્યા, સંદર્ભો બદલાતા રહ્યા. નીતિ, મૂલ્યો, પ્રમાણિકતા, વફાદારી તેમજ ચારિત્ર્યની પરિભાષા બદલાતી રહી. અસલિયત-નકલિયત વચ્ચેના ભેદો બદલાતા રહ્યા. અનાચાર, દુરાચાર અને ભ્રષ્ટાચારની આચાર સંહિતા બદલાતી રહી. શિક્ષણ અને રોજગારની દશા, મહાદશા અને ગ્રહદશા બદલાતી રહી. મનોરંજન માટેનાં સાધનો બદલાતાં રહ્યાં. પહેલાં તો નાટકો, સિનેમા કે સિરિયલોમાંથી મનોરંજન મળતું’તું, હવેના સમયમાં ન્યૂઝ ચેનલોમાંથી મળવા લાગ્યું છે. ટૂંકમાં, આઝાદ ભારતે પ્રજાસત્તાક બનીને ઘણું બધું પરિવર્તન કરવા માંડયું છે.

૧૫૦ કરોડની જનતાએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને સત્તા સોંપી છે. આવું સાહસ જનતાએ પહેલીવાર નથી કર્યું. પહેલાં પણ જનતા કોઈને કોઈ પાર્ટી પર વિશ્વાસ મૂકીને જ સત્તા સોંપતી’તી. આ સંદર્ભે મારે એટલું જ કહેવાનું છે કે જે રીતે અગાઉની સરકારોએ જનતાના વિશ્વાસને તેમની પોતાની રીતે ફળીભૂત કર્યો, એ જ રીતે અમે પણ જનતાના વિશ્વાસને અમારી રીતે ફળીભૂત કરીશું. અગાઉની સરકારો અમારી સરકાર કરતાં ઘણી સારી હતી એવું બોલવાનો એક પણ અવસર અમે જનતાને આપવાનું ચૂકવાના નથી. આમ તો અમે માનવામાં ઘણું બધું અને ઘણા બધામાં માનીએ છીએ, પણ કોઈ અમને ખરાબ ચીતરે નહીં એઠલે જ અમે કોઈને ખરાબ ચીતરવામાં નથી માનતા.

મારા દેશવાસીઓ, પ્રજાના હાથમાં સત્તા આવ્યા પછી, મતલબ કે પ્રજાસત્તાક બન્યાના સિત્તેર સિત્તેર વર્ષો પછી આપણા દેશે દશે દિશાઓમાં બેફામ વિકાસ કર્યો છે. રાજકારણે એકપણ ક્ષેત્ર એવું નથી છોડયું કે જેમાં વિકાસ ન થયો હોય. પ્રગતિનો પણ વિકાસ થયો છે અને વિકાસની પણ પ્રગતિ થઈ છે. કેટલીક સમસ્યા વિકાસને જન્મ આપે છે. બેરોજગારી એવી જ એક સમસ્યા છે, જેના પરિણામે સૌ વિકાસોમાં વસતી વધારાનો વિકાસ શિરમોર છે. જેના રૂડા પ્રતાપે બેકારી, ગરીબી અને અન્ય સમસ્યાઓનો પણ વિકાસ હરણફાળ ભરવા માંડયો છે. અગાઉની સરકારોએ, આવનારી સરકારોને વારસામાં સમસ્યાઓ સિવાય કશું જ આપ્યું નથી. અલ્ટિમેટલી, અમે પણ શું છીએ?! આભાર માનો અમારો કે અમે એ વારસાનું પ્રાણના ભોગે પણ જતન કર્યું છે. માત્ર જતન જ કર્યું છે એમ કહીશ તો અમારી અણઆવડત સાબિત થશે, અમે એનો કાળજીપૂર્વક ઉછેર કરીને એનો વિકાસાત્મક પ્રચાર-પ્રસાર પણ કર્યો છે અને હજુ પણ એટલી જ પ્રતિબદ્ધતાથી કરતા રહ્યા છીએ.

મારા ભારતવાસીઓ આપણે સૌ પરંપરાવાદી છીએ. પરંપરાનું જતન કરવું – પાલન કરવું એ આપણી ફરજ જ નહીં, ધર્મ પણ છે. આ હેતુથી જ અમે આઝાદીના સિત્તેર વર્ષોથી શરૂ થયેલી ‘ગરીબી હટાઓ, બેરોજગારી હટાઓ’ પરંપરાને ચુસ્તપણે વળગી રહ્યા છીએ. અમારો તો એક જ મહામંત્ર છે : ‘અનુકૂળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાયે પર પરંપરા ના જાઈ.’ અને એટલે જ ‘ગરીબી હટાઓ’ સૂત્ર પરંપરાને આગળ વધારતાં આજે હું આપ સૌને એ ખાતરી અને વિશ્વાસ આપવા માગું છું કે આવનારા વીસ વર્ષોમાં અમે ગરીબી જડમૂળથી નાબૂદ કરી દઈશું. તમને થશે કે આ તો બહું લાંબો સમયગાળો કહેવાય, કંઈક વાજબી કરો સાહેબ… તો જાઓ, પાંચ વર્ષનું ડિસ્કાઉન્ટ આપું છું. પંદર વર્ષમાં તો અમે એકસોને દસ ટકા ગરીબી દૂર કરી દઈશું. હવે કોઈ એવો પ્રશ્ન કરશો નહીં કે ગરીબી કોની દૂર કરશો? અમારી કે તમારી? અરે મારા વ્હાલા ભારતવાસીઓ, આપણે સૌ ૨૧મી સદીના બીજા દાયકામાં જીવી રહ્યાં છીએ! ‘અમારું – તમારું’ જેવા ભેદભાવમાંથી હવે બહાર નીકળો દોસ્તો! પ્રજાસત્તાકમાં કોઈ અમારું-તમારું ન હોય બધું ‘આપણું’ જ હોય!

આજની સૌથી મોટી સમસ્યા છે મોંઘવારીની. મોંઘવારીનો જન્મ નફાખોરીને પેટે થતો હોય છે. મોંઘવારીની માસીનું નામ છે સંગ્રહાખોરી, જે એનો ઉછેર કરે છે. આટઆટલું હોવા છતાં અમનેય મોંઘવારી નડે છે, તો આપ સૌને નડતી જ હશે એવું મારું માનવું અતિશ્યોક્તિભર્યું નહીં જ કહેવાય. મોંઘવારી દૂર કરવા માટે તમારી પાસે એક જ માસ્ટર કી છે અને તે એકે તમારે મોંઘી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરી દેવો જોઈએ. જેમ પૂજ્ય ગાંધીજી બાપુજીએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરેલો એમ જો તમે સૌ મોંઘી ચીજવસ્તુઓનો આજથી, અરે આજથી શું, અત્યારથી જ બહિષ્કાર કરી દેશો તો તાકાત છે મોંઘવારીની, કે એ તમને નડે કે કનડે? તમે મોંઘી ચીજવસ્તુઓ ખરીદશો જ નહીં, તો નફાખોરી આપોઆપ અટકી જશે. પેટ્રોલ-ડીઝલ મોંઘાં છે તો વાહનો ચલાવવાનાં બંધ કરી દો. ચાલવા જેવી કોઈ કસરત નથી. તમારાં ઘરથી વ્યાવસાયિક સ્થળ અને વ્યવસાયિક સ્થળથી ઘર સુધી નિયમિત ચાલવાનું રાખો કે જેથી કરીને દેશી અને વિદેશી રોગોથી મુક્ત રહી શકો. ચાલવાથી ઘણા ફાયદા થાય છે. શરીર નીરોગી રહે છે, મન શાંત રહે છે પરિણામે કોર્ટોનું ભારણ ઘટે છે અને રસ્તા પરનાં એક્સિડન્ટ્સ ઝીરો લેવલ પર આવી જાય છે. પ્રદૂષણ અટકી જાય છે, માટે હે સજ્જનો અને સન્નારીઓ આજના પ્રજાસત્તાક પર્વથી એક સિદ્ધાંતનો અમલ શરૂ કરી દો કે Walk and Let Walk. ચાલો અને ‘ચાલવા દો!’

આજની સૌથી ધ્યાનાકર્ષક સમસ્યા છે દારૂબંધીની. જો મારું અને મારી પાર્ટીનું ખરેખર ચાલે, તો પૂરા દેશમાં અમે સર્જિકલ સ્ટ્રાઇકના ધોરણે દારૂબંધી બંધ કરી દઈએ. કરુણતા એ છે મિત્રો, કે અમારી જ પાર્ટીમાં આ બાબતે મતભેદ જોવા મળે છે. તમને તો ખબર છે કે ઘરનાં પાંચ સભ્યોને સમજાવવા મુશ્કેલ છે, તો પાર્ટીના આટલા બધા નેતાઓને દારૂબંધી જેવા માદક મુદ્દા પર સમજાવવા કેટલું મુશ્કેલભર્યું છે. જોકે રાજકારણીઓ માટે કશું જ મુશ્કેલ નથી હોતું, તેમ છતાં સૌને સમજાવતાં સમજાવતાં પાંચેક વર્ષ તો થઈ જ જાય. આ સમય દરમિયાન જો અમારી પાર્ટી દારૂબંધી લાગુ કરવાના નિર્ણય પર નહીં આવી શકે તો અમે યુદ્ધના ધોરણે દેશની તમામ ભાષાઓમાં દારૂબંધી શબ્દનો પ્રચાર-પ્રસાર શરૂ કરી દઈશું, પણ કોઈપણ ભોગે દારૂબંધી લાગુ તો કરી જ દઈશું. ભલે પછી ઓન પેપર તો ઓન પેપર, ઓન હોર્ડિંગ તો ઓન હોર્ડિંગ અને ઓન એડ. તો ઓન એડ. લોકોને લાગવું જોઈએ કે વાહ જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં ‘દારૂબંધી’ દેખાય છે!

અમારે તો ભ્રષ્ટાચારના ભોરિંગને પણ નાથવો છે, પણ પ્રોબ્લેમ એ છે કે એની શરૂઆત ક્યાંથી કરવી? એને મોઢેથી પકડવો કે પૂંછડીથી? આ માટે અમે વહેલામાં વહેલી તકે અનુભવી એવા ભ્રષ્ટાચાર્યો, નિષ્ણાતો અને તજજ્ઞાોની એક કમિટી બનાવીશું અને એમની સાથે વિચાર-વિમર્શ કરી ભ્રષ્ટાચારનું નાગદમન કરવાનું આજે પ્રજાસત્તાક-પર્વની સાક્ષીએ આપ સૌને પ્રોમિસ આપું છું. દોસ્તો, તમે જોયું ને? આપવામાં અમે ક્યારેય પાછી પાની નથી કરતા! શું આપવું એ મહત્ત્વનું નથી, આપવું એ જ મહત્ત્વનું છે.  આજના પ્રજાસત્તાક પર્વ પર ચાલો સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે દેશને મજબૂત, સ્વસ્થ અને વિકાસશીલ બનાવવા વર્ણભેદ, વર્ગભેદ, જાતિભેદ કે ધર્મભેદ જેવા ભેદભરમથી દૂર રહીએ. તમે અમારા હાથ મજબૂત કરો, અમે તમારા હાથ મજબૂત કરીશું અને સૌ ભેગા મળીને દેશને મજબૂત બનાવીશું!

જ…ય… હિન્દ!’

ડાયલટોન : 

કલમ દેશ કી બડી શક્તિ હૈ, ભાવ જગાને વાલી, જ દિલ મેં નહીં, દિમાગો મેં ભી આગ લગાને વાલી.

કવિ ‘દિનકરજી’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો