પ્રજાસત્તાક દિને એક આત્મચિંતન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પ્રજાસત્તાક દિને એક આત્મચિંતન

પ્રજાસત્તાક દિને એક આત્મચિંતન

 | 10:45 pm IST
  • Share

આજના દિવસનો એક ખાસ મહિમા છે. તા.૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા બંધારણ અપનાવવામાં આવ્યું. અને તા.૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ દેશમાં એક લોકતાંત્રિક પ્રણાલી અપનાવવામાં આવી. જેથી ભારત એક પ્રજાસત્તાક દેશ બન્યો.

તે પછી દર વર્ષે દિલ્હીમાં ભારતના લોકતંત્રની, સંસ્કૃતિની અને લશ્કરી તાકાતની ઝાંખી કરાવતી એક ભવ્ય પરેડ થાય છે. ભારતની આસપાસના દેશોમાં લોકતંત્ર ખોડંગાઈ રહ્યું છે ત્યારે ભારતને એ વાત માટે હંમેશાં ગૌરવ રહેશે કે અનેક ભાષાઓ, અનેક પહેરવેશ અને અનેક સંસ્કૃતિઓથી ભરેલો ભારત દેશ આજે પણ એક મજબૂત લોકતાંત્રિક દેશ તરીકે વિશ્વમાં મસ્તક ઊંચું રાખી શકવા સમર્થ છે. વસતીની દૃષ્ટિએ ભારત વિશ્વનો સહુથી મોટો લોકતાંત્રિક દેશ છે. આજે ભારતની લોકશાહી તંદુરસ્ત અને મજબૂત પણ છે.

આજના પ્રજાસત્તાક દિને ભારતની પ્રજાએ તથા શાસકોએ કેટલુંક આત્મચિંતન પણ કરવું પડશે. છેલ્લાં ૭૦ વર્ષમાં ભારત અનાજથી માંડીને ઘણીબધી બાબતોમાં સ્વાવલંબી બન્યો છે. દેશમાં નિષ્પક્ષ અને તટસ્થ રીતે થતી ચૂંટણીઓ પણ મજબૂત લોકતંત્રનો પુરાવો છે. કેટલાંક વર્ષો પહેલાં વિશ્વની દૃષ્ટિમાં ભારતનું ઝાઝું મહત્ત્વ નહોતું. આજે વિશ્વભરના દેશોએ ભારતના આંતરરાષ્ટ્રીય મહત્ત્વને સ્વીકારવું પડયું છે. આંતરરાષ્ટ્રીય ફલક પર ભારત હવે એક તાકાતવર દેશ છે. ભારત આઝાદ થયું ત્યારે ભારતમાં સોય પણ બનતી નહોતી. આજે ભારત પાસે વિશાળ કારખાનાં છે. રેલવેના પાટાથી માંડીને રેલવે એન્જિનો પણ ભારતમાં બને છે. શ્રેષ્ઠ મોટરકારો અને પવનહંસ જેવાં હેલિકોપ્ટર્સ પણ ભારતમાં બને છે. ભારતને પોતાના સંદેશાવ્યવહાર ઉપગ્રહો પણ છે. ભારત રોકેટ અને મિસાઈલ્સ પણ બનાવી શકે છે. ભારત પોતાનાં અણુશસ્ત્રો પણ વિકસાવવા સમર્થ છે. ભારતનું રોકેટ ચંદ્ર સુધી પહોંચ્યું છે, હવે મંગળ સુધી જવાની ખેવના છે. ભારત બીજા દેશોના ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં તરતા મૂકવાની ક્ષમતા ધરાવે છે.

આ બધું હોવા છતાં કેટલાક પ્રશ્નો હજુ હલ કરવાના બાકી છે. ભારતમાં ધનવાનો અને ગરીબો વચ્ચેની ખાઈ વધી છે. ભારતના એક ટકા ધનિકો પાસે દેશની ૭૦ ટકા ધનસંપત્તિ છે. એટલે કે દેશના ૯૫.૩ ટકા લોકો કરતાં એ લોકો પાસે ચાર ગણી વધારે સંપત્તિ છે. દેશના ૬૩ ધનિકો પાસે ભારતના ગયા વર્ષના કુલ બજેટ કરતાં વધારે સંપત્તિ છે, દેશમાં મહિલાઓ અને યુવતિઓ ભોજન બનાવવું, સાફસૂફી કરવી, બાળકની અને વૃધ્ધોની સંભાળ રાખવી જેવી પ્રવૃત્તિઓમાં રોજ અબજો કલાક પસાર કરે છે. તેના બદલામાં તેમને કોઈ વળતર મળતું નથી. તેનો સીધો અર્થ એ છે કે ભારતમાં શ્રીમંતો અને ગરીબો વચ્ચેની ખાઈ વધી રહી છે. આ એક ચિંતાનો વિષય છે. આર્થિક નીતિઓ અને ઉદારીકરણથી દેશનો વિકાસ જરૂર થયો છે પરંતુ આ વિકાસનો ફાયદો દેશના માત્ર ૭૦ ટકા લોકોને જ મળ્યો છે. કોર્પોરેટ ગૃહોની સંપત્તિ વધતી ગઈ છે. ગરીબો તો જ્યાં હતા ત્યાં જ છે. દેશની ઘણી બધી પ્રજા ગરીબીમાં જીવન પસાર કરી રહી છે. દેશમાં ૩૪ કરોડ લોકો પેટ ભરીને જમી શકતા નથી.

બીજી ઊડીને આંખે વળગે તેવી બાબત એ છે કે કેટલાક લોકો રાજનીતિને એક ધંધો સમજીને રાજકારણમાં જવાનું પસંદ કરે છે. ભારતને આઝાદી મળી ત્યારે ગાંધીજીએ નેતાઓને કહ્યું હતું કે પ્રજાના સેવક બનજો, પ્રજાના માલિક નહીં. તા.૧૫મી એપ્રિલ, ૧૯૪૭ના રોજ બિહારનું મંત્રીમંડળ પટણામાં બાપુને મળવા ગયું ત્યારે સ્વતંત્ર ભારતના પ્રધાનો કેવા હોવા જોઈએ તે અંગે આ પ્રમાણે વચનો ઉચ્ચાર્યાં હતાં:'(૧) પ્રધાનો અને ગવર્નરોએ બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુઓ ઉપયોગમાં લેવી.(૨) ખાદી પહેરવી. (૩) સત્તા પર બેઠેલા પ્રધાનોએ પુત્ર, ભાઈ કે કોઈ સામાન્ય વ્યક્તિ કે મજૂરને સરખા ગણવા. (૪) મોટર-બંગલા તો હોવા જ ન જોઈએ. પ્રધાનોએ સામાન્ય મકાનમાં રહેવું. દૂર જવું હોય તો જ મોટર વાપરવી. (૫) પ્રધાનોનાં સ્વજનો જ ઘરકામ કરે, નોકરોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. (૬) સોફાસેટ અને ભભકાવાળી ખુરશીઓ ન રાખવી (૭) પ્રધાનો પોતાના ઘરની બહાર હોય તેથી વધુ પોલીસવાળાનો પહેરો રાખવો તે અહિંસક પ્રધાનોને કઢંગો લાગે છે. પ્રધાનો અહિંસક છે તો પોલીસપહેરો શા માટે?’

આજે બાપુની વાત કેટલી અમલમાં છે?

ગાંધીજીએ કહ્યું હતું કે ‘સાચું ભારત સાત લાખ ગામડાંઓમાં વસે છે.’ પરંતુ છેલ્લા સિત્તેર વર્ષથી તંત્રનું ધ્યાન ગામડાંઓ તરફી ઓછું અને શહેરો તરફ વધુ છે. દેશમાં દર મિનિટે ૩૦ વ્યક્તિ ગામડું છોડી શહેરમાં વસવા જઈ રહી છે ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં દર એક હજારે ૨૯૯ લોકો ગામડાં છોડી રોજગારી માટે શહેરોમાં સ્થાયી થયા છે. દેશનાં બીજાં રાજ્યો કરતાં ગુજરાતમાં આ પ્રમાણ વધારે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં સમગ્ર દેશમાં દર એક હજારે સરેરાશ ૨૬૧ લોકો ગામડાં છોડી શહેરોમાં વસવાટ માટે ગયા છે. ગુજરાતમાં આ આંકડો ૨૯૯નો છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતનાં શહેરોમાં વસતા અડધોઅડધ લોકો ગામડાઓમાંથી આવેલા છે.

હવે ખેડૂતોની પરિસ્થિતિ જુઓ. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ૧૯૯૫થી ૨૦૧૬ સુધીમાં દેશમાં ૩,૩૩,૪૦૭ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. એટલે કે દર વર્ષે સરેરાશ ૧૦ હજારથી વધુ ખેડૂતો દેવાંના કારણે અથવા પોષણક્ષમ ભાવો ન મળતાં આત્મહત્યા કરે છે. દેશમાં દરરોજ ૩૧ ખેડૂતો આત્મહત્યા કરે છે.

દેશમાં બેરોજગારીની સમસ્યા વકરી છે. ખેડૂતો કરતાં બેરોજગારો વધુ આપઘાત કરે છે. ૨૦૧૫માં ૧૨૬૦૨ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે એ વર્ષમાં ૧૦૯૧૨ બેરોજગારોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૬માં ૧૧,૧૭૩ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે એ જ વર્ષમાં ૧૧,૩૭૯ બેરોજગારોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૯માં ૧૦,૬૫૫ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જ્યારે એ જ વર્ષમાં ૧૪,૨૪૧ બેરોજગારોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૮માં ૧૦,૩૪૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે એ વર્ષમાં ૧૨,૯૩૬ બેરોજગારોએ આત્મહત્યા કરી હતી.

એ જ રીતે ગ્રામીણ ભારતમાં ગરીબી વધી રહી છે. છેલ્લા ચાર દાયકામાં પહેલી જ વાર ભારતીયોનો ખર્ચ વપરાશ ઘટયો છે તે દર્શાવે છે કે ગ્રામીણ ભારતમાં ગરીબી વધી છે ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ અખબારમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ ૨૦૧૧-૧૨ની સરખામણીમાં ૨૦૧૭-૧૮માં ગ્રાહકોની સરેરાશ ખરીદીમાં ૩.૭ ટકાનો ઘટાડો થયો છે. એક સરવે અનુસાર ૨૦૧૧-૧૨માં ભારતીય દ્વારા સરેરાશ રૂ.૧૫૦૧નો વપરાશ ખર્ચ કરવામાં આવતો હતો પરંતુ ૨૦૧૭-૧૮માં આ વપરાશ ખર્ચ ઘટીને રૂ.૧૪૪૬ થઈ ગયો. ટૂંકમાં, ગ્રામીણ ભારતમાં ગ્રાહક દ્વારા કરાતા વપરાશખર્ચમાં ૮.૮ ટકા જેટલો ઘટાડો થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં વપરાશખર્ચ બે ટકા વધ્યો છે.

બાકી એ જમાનો હતો જ્યારે આ જ દેશમાં ઓછામાં ઓછા ખર્ચે ચૂંટણીઓ લડાતી. ૧૯૫૦-૬૦ના ગાળામાં તો વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર ઉમેદવાર પાસે જ જીપ હોય અને તે પણ ભાડાની. બાકીના કાર્યકરો તો બસમાં જ ફરતા.

એ વખતે દીવાલો પર પક્ષનો પ્રચાર થતો હોર્ડિંગ્સ તો હતાં જ નહીં. એ જમાનામાં એકમાત્ર કોંગ્રેસ જ શક્તિશાળી પાર્ટી હતી. ૧૯૫૨-૫૭ સુધી તો કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવારને પક્ષની કચેરીએ બોલાવીને ફક્ત ૨૦૦૦ રૂપિયા અને એક જીપ ચૂંટણીપ્રચાર માટે આપતા. એ દિવસોમાં લાલ બહાદુર શાસ્ત્રી કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમને પણ ચૂંટણીપ્રચાર માટે રૂ.૨૦૦૦ મળ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ તેમને મળેલા રૂ.૨૦૦૦માંથી વધેલા રૂ.૧૨૦૦ પક્ષની તિજોરીમાં પાછા જમાવી કરી દીધા હતા. આજે ઊંધું છે. પક્ષ જે રકમ આપે છે તેમાંથી કેટલાક ઉમેદવારો અડધી જ રકમ ચૂંટણીપ્રચારમાં વાપરે છે. બાકીની રકમ ઘરમાં મૂકી દે છે. આજે વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો ઓછામાં ઓછા ત્રણથી પાંચ કરોડ રૂપિયા જોઈએ. લોકસભાની ચૂંટણીનો વાસ્તવિક ખર્ચ કેટલો થતો હશે તે તમે જ વિચારી લો. આજે જેમ ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધી છે તેમ નેતાઓ અને પ્રજા વચ્ચે પણ અંતર વધી રહ્યું છે.આજે દેશ પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે ત્યારે સહુ કોઈ દેશ સામે પડેલા આ પડકારો પર આત્મચિંતન કરે.

સહુને આજ પ્રજાસત્તાક દિનની શુભેચ્છા.

– જય હિન્દ

www.devendrapatel.in

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો