Govt's bill calls for reservation for EWS in pvt institutes too
  • Home
  • Featured
  • ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપતુ બિલ બહુમતિ સાથે લોકસભામાં પાસ

ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપતુ બિલ બહુમતિ સાથે લોકસભામાં પાસ

 | 9:26 pm IST

જનરલ કેટેગરીમાં આવતા આર્થિક રીતે પછાતોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની જોગવાઈ કરતો બંધારણીય સુધારા ખરડો મંગળવારે કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કર્યો હતો. સોમવારે કેન્દ્રીય કેબિનેટે બંધારણીય (124મો સુધારો ) ખરડા 2019ને મંજૂરી આપ્યા બાદ મંગળવારે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં રજૂ કર્યો હતો. આ મામલે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું.

લોકસભામાં બિલના સમર્થનમાં કુલ 323 વોટ પડ્યાં હતાં જ્યારે વિરોધમાં માત્ર 3 મત પડ્યાં હતાં. આમ એક તૃતિયાંસ કરતા પણ વધારે મતો સાથે બિલ લોકસભામાં બહુમત સાથે પાસ થઈ ગયું છે. હવે આ બિલ આવતી કાલે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે.

સમાજવાદી પાર્ટીના વિરોધ વચ્ચે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી થાવરચંદ ગેહલોતે ખરડાને ગૃહના પટલ પર મૂક્યો હતો. ખરડામાં જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો તેમના કરતા આર્થિક રીતે વધુ સદ્ધર નાગરિકોની સરખામણીમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશ મેળવી શક્તાં નથી અથવા તો સરકારી નોકરીઓ મેળવી શક્તાં નથી. ખરડામાં બંધારણના આર્ટિકલ 1૫મા સુધારાને મંજૂરી આપવાની માગ કરાઈ છે જેથી રાજ્ય સરકારો સમાજના આર્થિક રીતે નબળા કોઈપણ વર્ગના વિકાસ માટે વિશેષ જોગવાઈઓ કરી શકે. તેમાં લઘુમતી સિવાયની ખાનગી શિક્ષણ સંસ્થાઓ સહિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામતનો સમાવેશ થાય છે. ખરડામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ અનામત હાલમાં ઉપલબ્ધ તમામ અનામત કરતાં અલગ રહેશે. ઉમેદવારોને મહત્તમ 10 ટકા અનામતનો લાભ મળી શકશે.

બંધારણના આર્ટિકલ ૪૬માં સ્થાપિત સિદ્ધાંતો અનુસાર સરકારે સમાજના નબળા વર્ગો અને વિશેષ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના નાગરિકોને સામાજિક ન્યાય અને શોષણ સામે રક્ષણ આપવા શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ કાળજી લેવી જોઈએ. અત્યાર સુધી આર્થિક રીતે નબળા વર્ગોને અનામતના લાભ મળતા નથી. તેથી બંધારણના આર્ટિકલ 4ને સંપૂર્ણપણે અમલી બનાવવા અને આર્થિક રીતે નબળા વર્ગોને પણ ન્યાયી તકો મળે તે માટે બંધારણમાં સુધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

ધર્મના બાધ વિના હિંદુ, મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી, પારસી, યહૂદી તમામને લાભ મળશેઓપન કેટેગરીમાં આવતા તમામ ગરીબોને ધર્મના બાધ વિના 10 ટકા અનામતના લાભ મળશે. સામાજિક કલ્યાણ મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું હું કે, 10 ટકા અનામતના દાયરામાં મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી, પારસી, યહૂદી એમ તમામ સમુદાયના લોકો આવશે. આ અનામતનો આધાર સામાજિક અથવા શૈક્ષણિક નહીં પરંતુ આર્થિક છે.

અનામતનો જુમલો વિપક્ષના ચૂંટણી ઢંઢેરાનો હિસ્સો હતો : જેટલી

ખરડા પરની ચર્ચામાં ભાગ લેતાં કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, અનામતનો જુમલો વિપક્ષના ચૂંટણી ઢંઢેરાનો હિસ્સો હતો. અનામત ખરજો તમામ માટે સમાનતાના હેતુથી લવાયો છે. આ જોગવાઈથી સમાજના મોટા હિસ્સાને લાભ થશે. જેમ સમાન લોકોમાં અસમાનતા લાદી શકાતી નથી તેવી જ રીતે અસમાન લોકો સાથે સમાન વર્તન થઈ શક્તું નથી. સવર્ણ અનામતના કારણે પ્રવર્તમાન ક્વોટા સિસ્ટમ પર અસર થશે નહીં. આ જોગવાઈના કારણે ગરીબ સવર્ણોનું પણ સશક્તિકરણ થઈ શકશે. 10 ટકા સવર્ણ અનામતથી સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. સુપ્રીમે જાતિ આધારિત અનામત માટે 50 ટકા અનામતની મર્યાદા નક્કી કરી છે.

કોંગ્રેસે ખરડો સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવાની માગ કરી

ગરીબ સવર્ણોને 10 ટકા અનામતની જોગવાઈ કરતા ખરડાને કોંગ્રેસે સમર્થન તો આપ્યું છે પરંતુ સાથે સાથે આ ખરડાને પસાર કરતાં પહેલા સંયુક્ત સંસદીય સમિતિને સોંપવાની માગ કરી હતી. કોંગ્રેસના સાંસદ કે.વી.થોમસે લોકસભામાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, અમે ખરડાને સમર્થન આપીએ છીએ. અમે તેની વિરુદ્ધ નથી પરંતુ જે રીતે ખરડો અચાનક લવાયો છે તેના કારણે કેટલાક સવાલો ઊભા થાય છે. હું ખરડાને સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલી આપવા વિનંતી કરું છું.

બંધારણીય સુધારા ખરડા પર સંસદ ઉપરાંત વિધાનસભાઓની મહોર પણ જરૂરી

બંધારણીય સુધારા ખરડો પસાર કરવા માટે ગૃહમાં 50 ટકા સાંસદોની હાજરી અનિવાર્ય છે. તે ઉપરાંત આ ખરડો બેતૃતીયાંશ બહુમતી સાથે અથવા ગૃહમાં હાજર કુલ સાંસદની બે તૃતીયાંશ બહુમતી સાથે પસાર કરવો પડે છે. સંસદના બંને ગૃહમાં આ નિયમ લાગુ પડે છે. સંસદની બંધારણીય સુધારા ખરડા પર મંજૂરી બાદ દેશની ઓછામાં ઓછી 50 ટકા વિધાનસભામાં આ ખરડા પર મંજૂરીની મહોર આવશ્યક છે.

માયાવતી, કોંગ્રેસ, એનસીપી, આપ સહિતની પાર્ટીઓનું ખરડાને સમર્થન, ડીએમકેનો વિરોધ

સરકારે રજૂ કરેલા સવર્ણ અનામત ખરડાને માયાવતીની બસપા, કોંગ્રેસ, એનસીપી, આપ સહિતની પાર્ટીઓએ સમર્થન આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આર્થિક રીતે નબળા લોકોને અનામતની તરફેણ કરે છે તેથી આ ખરડાને સમર્થન આપશે. પરંતુ દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાતવર્ગોની બંધારણીય અનામત સાથે છેડછાડ થવી જોઈએ નહીં. ચાર મહિના અને આઠ મહિના વીતી ગયા પછી લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારને દેશના ગરીબોની યાદ આવી છે તેથી સરકારના ઇરાદા પર શંકા જાય છે. ડીએમકે દ્વારા સવર્ણ અનામતનો વિરોધ કરવામાં આવ્યો છે.

ગરીબ સવર્ણ અનામતની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 12 લાખ કરવા જદયુની માગ

બિહારમાં ભાજપના સાથીપક્ષ જદયુએ ગરીબ સવર્ણ અનામતના લાભ માટેની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 8 લાખથી વધારી રૂપિયા 10 લાખ કરવાની માગ કરી છે. જદયુના વરિષ્ઠ નેતા નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, અમે શરૂઆતથી જ સવર્ણ અનામતની માગ કરી રહ્યાં હતાં. સરકારે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 12 લાખ રાખવી જોઈએ.

સરકારનો નિર્ણય રાજકીય છદ્માવરણ અને ચૂંટણી સ્ટન્ટ: માયાવતી

બસપા સુપ્રીમો માયાવતીએ 10 ટકા સવર્ણ અનામતને આવકાર્યો છે પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં લેવાયેલા નિર્ણય પર સવાલો પણ ઉઠાવ્યાં છે. તેમણે સરકારના નિર્ણયને રાજકીય છદ્માવરણ અને ચૂંટણી સ્ટન્ટ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે ગરીબ સવર્ણો માટે અનામતની લાંબા સમયથી માગ કરી રહ્યાં હતાં પરંતુ મોદી સરકારે તેને અધૂરી અને અધકચરી રીતે સ્વીકારી છે. આ ઉપરાંત એસસી, એસટી અને ઓબીસી અનામત પરની 50 ટકાની મર્યાદાની પણ સમીક્ષા કરવી જોઈએ.

અનામતની સિલિંગ ૭૦ ટકા કરવા એઆઇએડીએમકેની માગ

એઆઇએડીએમકેએ લોકસભામાં ચર્ચા દરમિયાન અનામતની મર્યાદા 50 ટકાથી વધારી 70 ટકા કરવાની માગ કરી હતી. પાર્ટીના સાંસદ થમ્બીદુરાઇએ જણાવ્યું હતું કે, બંધારણના 9મા શિડયુલનું સંરક્ષણ કાયમી નથી. તેના માટે બંધારણીય સુધારો લાવવો જરૂરી છે. અનામત ખરડાનો વિરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આર્થિક આધારે અનામત હોવી જોઇએ નહીં. ગરીબો માટે પુરતા પ્રમાણમાં યોજનાઓ ચાલી રહી છે. તમારા આ ખરડાને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી નંખાશે. સરકાર ગરીબોને અનામત આપી રહી છે એટલે કે મોદી સરકાર ગરીબી હટાવી શકી નથી.

સરકાર મહિલા અનામતને આટલું મહત્વ કેમ આપતી નથી? : તૃણમૂલ કોંગ્રેસ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદિપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે, શા માટે સરકાર અનામત ખરડાની જેમ મહિલાઅનામતને પ્રાથમિકતા સાથે ઉઠાવતી નથી? સરકારનો અનામત ખરડો ફક્ત નોકરીઓ માટે જ નહીં પરંતુ યુવાનોને ખોટી આશા અને બનાવટી સ્વપ્નો બતાવી રહ્યો છે.

સવર્ણ અનામતનો એસસી-એસટી એક્ટિવિસ્ટો દ્વારા વિરોધ

સરકાર દ્વારા 10 ટકા સવર્ણ અનામતની જાહેરાતનો એસસી-એસટી એક્ટિવિસ્ટો અને વિદ્વાનો દ્વારા વિરોધ કરાયો છે. જે એનયુના પ્રોફેસર વિવેક કુમારે જણાવ્યું હતું કે, અનામતનો આધાર ગરીબી નહીં પરંતુ ઐતિહાસિક અસમાનતા અને ઓછું પ્રતિનિધિત્વ છે. અનામત ગરીબી ઉન્મૂલન કાર્યક્રમ નથી. દલિત એક્ટિવિસ્ટ અશોક ભારતીએ જણાવ્યું હતું કે, સરકારમાં સવર્ણોનું પ્રતિનિધિત્વ જરાપણ ઓછું નથી. તેમને વધુ પ્રતિનિધિત્વ આપવું બંધારણને સંલગ્ન નથી. આ બંધારણની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

ખાનગી ક્ષેત્રમાં પણ અનામત આપો : રામવિલાસ પાસવાન

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને 60 ટકા અનામતને બંધારણના ૯મા શિડયુલમાં મૂકવાની માગ કરતાં જણાવ્યું હતું કે, આમ કરવાથી તેને અદાલતમાં પડકારી નહીં શકાય. પાસવાને ખાનગી સેક્ટરમાં 60 ટકા અને ન્યાયતંત્રમાં પણ અનામતની માગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન