Reservation Bill Passed in rajya sabha
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લોકસભા બાદ રાજ્યસભામાં પણ ખરડો પસાર, ગરીબ સવર્ણોને મળશે અનામત

લોકસભા બાદ રાજ્યસભામાં પણ ખરડો પસાર, ગરીબ સવર્ણોને મળશે અનામત

 | 10:29 pm IST
  • Share

ઓપન કેટેગરીમાં આવતા આર્થિક રીતે નબળા વર્ગને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં 10 ટકા અનામતની જોગવાઈ કરતો ખરડો મંગળવારે લોકસભામાં પસાર કરાયો હતો. આ મુદ્દે સામાન્ય સહમતિ ના સધાતા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં 165ની સામે 7 મતોની બહુમતિથી ખરડો પસાર થયો હતો.

આ સાથે જ હવેથી દેશના ગરીબ સુવર્ણોને પણ સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ ખરડાને સિલેક્ટ કમિટી સમક્ષ રજુ નહીં કરવામાં આવે. વિપક્ષોની સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવાની માંગણી ફગાવી દેવામાં આવી હતી. બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. તેમની મ્હોર લાગતાની સાથે જ આ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.

તેમણે જણાવ્યું હતું કે, ઓપન કેટેગરીનાં ગરીબ લોકોની લાંબા સમયથી ફરિયાદ હતી કે તેમને સરકારી લાભો પ્રાપ્ત થતા નથી. લાંબી વિચારણા બાદ આ પગલું લેવાયું છે. વિપક્ષના વિવિધ વાંધા વચ્ચે બુધવારે બંધારણીય સુધારા ખરડા પર ગૃહમાં ઉગ્ર ચર્ચા હાથ ધરાઈ હતી.

વિકાસ અને સુધારા માટે હજુ વધુ સિક્સરો વાગશે : રવિશંકર પ્રસાદ

કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, આ બંધારણના મૂળભૂત અધિકારમાં પરિવર્તન છે. આ કાયદો ફક્ત કેન્દ્ર જ નહીં પરંતુ રાજ્યોની નોકરીઓમાં પણ લાગુ થશે. આજે સંસદ ઇતિહાસનું સર્જન કરશે. ખરડામાં વિલંબના આરોપોનો જવાબ આપતાં પ્રસાદે જણાવ્યું હતું કે, ક્રિકેટમાં સિક્સર સ્લોગ ઓવરમાં જ વાગે છે. આ પહેલી સિક્સર નથી, હજુ વિકાસ અને બદલાવ માટે વધુ સિક્સર વાગવાની છે.

ખરડાને સિલેક્ટ સમિતિ સમક્ષ મોકલવામાં વિપક્ષમાં જ મતભેદ

જોકે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે બાથ ભીડવા એકજૂથ દેખાવાના પ્રયાસો કરતા વિપક્ષમાં રહેલા મતભેદો રાજ્યસભામાં સપાટી પર આવી ગયા હતા. ગરીબ સવર્ણ અનામત ખરડાને સિલેક્ટ સમિતિની ચકાસણી માટે મોકલવાના મુદ્દે વિપક્ષમાં જ તડાં સામે આવી ગયાં હતાં. કોંગ્રેસ, ડીએમકે, ટીડીપી, રાજદ, જેડીએસ. આપ અને ડાબેરી પક્ષો ખરડાને જેપીસી સમક્ષ મોકલવાની માગ કરી રહ્યા હતા જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો.

સરકારે ચર્ચા વિના સત્ર એક દિવસ લંબાવી સંસદીય પ્રણાલીનું અપમાન કર્યું : વિપક્ષ

સરકાર દ્વારા ગરીબ સવર્ણ અનામત ખરડો પસાર કરાવવા માટે રાજ્યસભાની કામગીરી એક દિવસ લંબાવવામાં આવતાં વિપક્ષે વિરોધ સાથે જોરદાર હંગામો કર્યો હતો. વિપક્ષે આરોપ મૂક્યો હતો કે, સરકારે વિપક્ષો સાથે ચર્ચા કર્યા વિના રાજ્યસભાનું સત્ર લંબાવ્યું છે જે સંસદીય કામગીરી માટે સ્થાપિત પ્રક્રિયાનું અપમાન છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેન્દુ શેખરે જણાવ્યું હતું કે, રાજ્યસભાઅધ્યક્ષ દ્વારા તેની કોઈ સૂચના અપાઈ નહોતી. કોઈ જાહેરાત કરાઈ નહોતી. છેક સાંજે 7 કલાકે બુલેટીન જારી કરી દેવાયું હતું. આ સંસદીય પ્રણાલીનું અપમાન છ. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ જણાવ્યું હતું કે, બિઝનેસ એડવાઇઝરી સમિતિની બેઠકમાં કામગીરી એક દિવસ લંબાવવા માટે સર્વસંમતિ સાધી શકાઈ નહોતી.

મહત્વપૂર્ણ ખરડાને કારણે ગૃહની કાર્યવાહી એક દિવસ માટે લંબાવાઈ : સરકાર

રાજ્યસભાના નેતા અને નાણામંત્રી અરુણ જેટલીએ વિપક્ષના આરોપોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, વિપક્ષની મંજૂરી વિના ગૃહની કાર્યવાહી એક દિવસ લંબાવાઈ હોવાનો આરોપ ખોટો છે. મહત્વપૂર્ણ ખરડાને કારણે સત્રને એક દિવસ લંબાવવામાં આવ્યું છે. દેશ આપણી સામે આશાસભર નજરથી જોઈ રહ્યો છે કે ગૃહમાં કોઈ કામગીરી થશે. સામાન્ય દિવસોમાં આપણે કામ કરવું જોઈતું હતું પરંતુ હંગામાને કારણે મોટાભાગના દિવસોમાં કામગીરી થઈ શકી નથી તેથી મહત્વના ખરડા પર ચર્ચા કરવા એક દિવસ લંબાવવામાં આવ્યો છે.

એઆઈએડીએમકેએ ખરડાના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો

એઆઈએડીએમકેના સાંસદ એ નવનીતકૃષ્ણને 10 ટકા અનામત ખરડાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આ ખરડાથી સૌથી વધુ નુકસાન તામિલનાડુને થશે. સુપ્રીમનું સ્પષ્ટ કહેવું છે કે, સંસદ બંધારણનાં મૂળભૂત માળખાને બદલી શકે નહીં, આ ખરડો સુપ્રીમ કોર્ટમાં રદ થઈ જવાનો છે, તેથી અમે આ ખરડાના વિરોધમાં વોકઆઉટ કરીએ છીએ.

કોને અનામતનો લાભ મળશે

– બ્રાહ્મણ – રાજપૂત – ઠાકુર – જાટ – મરાઠા – ભૂમિહાર – કાપુ – કમ્મા – પટેલ – જૈન – વૈષ્ણવ – મુસ્લિમ – ખ્રિસ્તી – શીખ – પારસી સહિતના ઓપન કેટેગરીમાં આવતા તમામ સમુદાયોના આર્થિક રીતે નબળા ઉમેદવારોને.

10 ટકા અનામત અંતર્ગત 98 ટકા જનતાને નોકરી આપતાં 800 વર્ષ લાગી જશે : આનંદ શર્મા

કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ જણાવ્યું હતું કે, ગરીબ સવર્ણની 10 ટકા અનામત દેશની 98 ટકા જનતાને આવરી લેશે. મને કેટલાક અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હાલના આંકડાઓને જોતાં 10 ટકા અનામત અંતર્ગત 98 ટકા જનતાને નોકરી આપતાં 800 વર્ષ લાગી જશે. 2014માં મોદી સરકારે દર વર્ષે બે કરોડ નોકરીનું વચન આપ્યું હતું પરંતુ 2018માં જ એક કરોડ લોકોએ નોકરી ગુમાવી છે.

રૂ. આઠ લાખ કમાનાર ગરીબ! આઈટીની લિમિટ પણ રૂ. આઠ લાખ કરી દો : કપિલ સિબ્બલ

કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, શું સરકારે આ ખરડો લાવવા માટે કોઈ ડેટા તૈયાર કર્યો છે ખરો? સરકાર કોઈપણ ડેટા કે રિપોર્ટ વિના જ બંધારણમાં સુધારો કરી રહી છે, છતાં ખરડાને સિલેક્ટ કમિટી પાસે મોકલવા તૈયાર નથી. એક તરફ રૂપિયા અઢી લાખ કમાનારને આવકવેરો ભરવો પડે છે અને બીજી તરફ સરકાર રૂપિયા આઠ લાખ કમાનારને ગરીબ ગણાવી રહી છે. સરકારે આવકવેરાની મર્યાદા પણ વધારીને આઠ લાખ રૂપિયા કરી દેવી

https://twitter.com/ANI/status/1082894668382244864જોઈએ.

સિબ્બલે જણાવ્યું હતું કે, જેટલી નોકરીનું સર્જન થયું નથી તેનાથી વધુ નોકરીઓ ચાલી ગઇ છે. પ્રાઇવેટ અને સરકારી એમ બંને સેક્ટરમાં નોંકરીઓ ઘટી છે. દેશનો યુવાન આજે નોકરીને તરસી રહ્યો છે. દેશમાંથી મૂડીરોકાણ સતત ઘટી રહ્યું છે. સરકાર કોને મૂર્ખ બનાવી રહી છે?

નોકરીઓ જ નથી તો અનામત આપવાનો શું અર્થ : રામગોપાલ યાદવ

સમાજવાદી પાર્ટીના સાંસદ રામમગોપાલ યાદવે જણાવ્યું હતું કે, સરકાર પ્રમાણિક હોત તો ચાર વર્ષ પહેલાં આ ખરડો લાવી શકી હોત. આ ખરડો સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ છે અને કોર્ટ આ ખરડાને અટકાવી પણ શકે છે. નોકરીઓ જ નથી ત્યારે અનામત આપવાનો શું અર્થ? સરકારે ખાનગી ક્ષેત્રમાં અનામતની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે સરકાર તો આઉટસોર્સિંગથી કામ કરાવી રહી છે અને નોકરીઓ સતત ઘટી રહી છે.

અનામત ખરડો સાબિત કરે છે કે ચાર વર્ષમાં નોકરીનું સર્જન થયું નથી : ડેરેક ઓબ્રાયન

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં પૂરતી નોકરીઓનું સર્જન થયું નથી તેને કારણે સરકારને અનામત ખરડો લાવવાની ફરજ પડી છે. આ ખરડો જ સરકારને દોષિત પુરવાર કરી રહ્યો છે. દેશનો યુવા આજે પૂછી રહ્યો છે કે નોકરી ક્યાં છે? મોદી સરકારની મુશ્કેલી એ છે કે તે વચનોનું પાલન કરી શકતી નથી. પહેલાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને હવે ચીટ ઈન્ડિયા આવ્યું છે.

1992 રિટર્ન્સ : ઇંદ્રા સાહની મોદી સરકારના કાયદાને સુપ્રીમમાં પડકારશે

1992માં નરસિંહરાવ સરકારના આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાના નિર્ણયને ઇંદ્રા સાહનીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો જેને પગલે સુપ્રીમ કોર્ટે જાતિઆધારિત અનામત પર 50 ટકાની મર્યાદા લાદી દીધી હતી, હવે કદાચ ઇતિહાસનું પુનરાવર્તન થાય તેવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ એવા ઇંદ્રા સાહની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલી 10 ટકા ગરીબ સવર્ણ અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવાની તૈયારી કરી રહ્યાં છે. સાહનીએ જણાવ્યું હતું કે, મોદી સરકારનાં આ કદમથી ઓપન કેટેગરીમાં આવતા યોગ્યતા ધરાવતા ઉમેદવારોને તક ગુમાવવી પડશે. સરકારના આ ખરડાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. હું આ બંધારણીય સુધારાને પડકાર આપવા પર વિચારણા કરી રહી છું.

અનામતની આ સિક્સર બાઉન્ડ્રી પાર કરવાની નથી : બસપા

બસપાના સાંસદ સતીશચંદ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટી ખરડાનું સમર્થન કરે છે. જો સરકાર બંધારણમાં સુધારો કરવા માગતી હોય તો જાતિગત અનામત માટે પણ 50 ટકાથી વધુ અનામત લાવે. સરકાર શા માટે, કેવી રીતે અને કેવી પરિસ્થિતિઓમાં આ ખરડો લાવી રહી છે? સરકારે અંતિમ ઓવરમાં સિક્સર મારવાનો પ્રયાસ જરૂર કર્યો છે પરંતુ બોલ બાઉન્ડ્રીની બહાર જવાનો નથી. સરકારે ચાર વર્ષમાં પ્રમોશનમાં અનામત માટે શું કર્યું? સરકાર વસતીના આધારે પછાત વર્ગોની અનામત ક્યારે વધારી રહી છે? સીપીઆઇના સાંસદ ડી રાજાએ જણાવ્યું હતું કે, બંધારણમાં સામાજિક પછાતપણાના આધારે અનામત અપાઇ છે. આર્થિક આધાર પર અનામતનો ઉલ્લેખ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન