SC/STને નોકરીમાં પ્રમોશનમાં અનામત પર વચગાળાનો આદેશ નહીં : સુપ્રીમ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • SC/STને નોકરીમાં પ્રમોશનમાં અનામત પર વચગાળાનો આદેશ નહીં : સુપ્રીમ

SC/STને નોકરીમાં પ્રમોશનમાં અનામત પર વચગાળાનો આદેશ નહીં : સુપ્રીમ

 | 4:26 am IST

સરકારી નોકરીઓમાં એસસી અને એસટીને પ્રમોશનમાં અનામત આપવા સંબંધિતના પોતાના ૨૦૦૬ના ચુકાદાના સંદર્ભમાં વચગાળાનો આદેશ આપવા સુપ્રીમ કોર્ટે બુધવારે ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અગાઉની બંધારણીય બેન્ચ દ્વારા અપાયેલા ચુકાદાની ચકાસણી કરવા માટે સાત જજની બંધારણીય બેન્ચની રચના કરવાની જરૂર છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે જણાવ્યું હતું કે, ૨૦૦૬ના સુપ્રીમ કોર્ટના એમ નાગરાજ ચુકાદાની સમીક્ષા કરવા સાત જજની બંધારણીય બેન્ચની જરૂર છે. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે, અદાલતી ચુકાદાઓ પર પ્રવર્તતી મૂંઝવણના કારણે ભારતીય રેલવે અને સર્વિસિસમાં લાખો નોકરીઓ અટવાઇ ગઇ છે. જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, બંધારણીય બેન્ચ પર અત્યારે કામનો બોજો હોવાથી ઓગસ્ટના પહેલા સપ્તાહમાં સુનાવણી હાથ ધરી શકાશે.

અગાઉ પાંચમી જૂને સુપ્રીમ કોર્ટે કાયદા અનુસાર એસસી અને એસટી કેટેગરીના કર્મચારીઓ માટે પ્રમોશનમાં અનામત સાથે આગળ વધવાની પરવાનગી કેન્દ્ર સરકારને આપી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમમાં રજૂઆત કરી હતી કે, સુપ્રીમ અને હાઇકોર્ટના આદેશોના કારણે પ્રમોશનની પ્રક્રિયા સ્થગિત થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે પણ ૨૦૧૫માં આવા જ એક મામલામાં યથાવત્ સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો.

શું હતો એમ. નાગરાજ ચુકાદા?

એમ. નાગરાજ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે એસસી અને એસટીને ક્રિમિલેયરનો નિયમ લાગુ થતો નથી. ૧૯૯૨ અને ૨૦૦૫ના ચુકાદાઓમાં ઓબીસી કેટેગરીને પ્રમોશન માટે અનામતમાં ક્રિમિલેયરનો નિયમ લાગુ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.