અનામતની સર્જિકલ સ્ટ્રાઇક કે ખાલી કારતૂસ - Sandesh
  • Home
  • Columnist
  • અનામતની સર્જિકલ સ્ટ્રાઇક કે ખાલી કારતૂસ

અનામતની સર્જિકલ સ્ટ્રાઇક કે ખાલી કારતૂસ

 | 12:16 am IST

ટુ ધ પોઈન્ટ : યોગેન્દ્ર યાદવ

‘ભલે વિલંબથી હોય પરંતુ જતાં જતાં પણ વડા પ્રધાને એક સર્જિકલ સ્ટ્રાઇક કરતા ગયા.’ એક બેરોજગાર યુવાન સમાચારપત્રોમાં સમાચાર વાંચીને આ પ્રતિક્રિયા આપી રહ્યો હતો. પ્રથમ પાને ગરીબો માટે ૧૦ ટકા અનામતની જાહેરાતના સમાચાર હતા અને તેને ચૂંટણી પહેલાંની સર્જિકલ સ્ટ્રાઇક કહેવામાં આવી હતી. મારાથી રહેવાયું નહીં, ‘ભાઈ આ સર્જિકલ સ્ટ્રાઇક નથી પણ ખાલી કારતૂસ છોડવામાં આવી છે. માત્ર વિલંબથી નહીં પણ ખોટાં નિશાન પર છોડવામાં આવી છે. બધાને ખબર છે કે અમલ નથી થઈ શકવાનો અને કદાચ અમલ થઈ પણ ગયો તો પણ એકેય ગરીબ સવર્ણને તેને કારણે નોકરી મળવાની નથી.’

મારી વાત સાંભળીને તે ચોંકી ગયો : ‘અંકલ બાકી વાત પછી. પહેલાં એ કહો કે આ દેશમાં સવર્ણ પણ ગરીબ છે કે નહીં? કે પછી શિક્ષણ અને નોકરીની તમામ તક એસસી, એસટી અને ઓબીસી માટે જ મળશે?’

હવે મારો વારો હતો : ‘તેમાં કોઈ શંકા નથી કે દેશની મોટાભાગની સવર્ણ જાતિઓનાં મોટાભાગનાં લોકો કુટુંબો તંગીમાંથી પસાર થઈ રહ્યાં છે. દિલ્હીમાં રિક્ષા ચલાવનારા કે મજૂરીકામ કરનારા બિહારથી આવે છે. તેમાં મોટી સંખ્યા સવર્ણોની હોય છે, કે જેઓ પોતાનાં ગામમાં નાનું કામ નથી કરી શકતા. સમગ્ર દેશમાં રોજગારીના મુદ્દે સંકટભરી સ્થિતિ છે, સવર્ણસમાજ પણ રોજગારનાં સંકટનો સામનો કરી રહ્યો છે, તેમાં અનામતવ્યવસ્થા હોવી જોઈએ કે કેમ તેની ચર્ચા પછીથી કરી લઈશું પરંતુ તેમને કામ જોઈએ, રોજગાર જોઈએ અને હમણાં જોઈએ. જો કોઈ સરકાર તેમના માટે કાંઈક કરવા ઇચ્છતી હોય તો તેને આવકાર આપવો જોઈએ.’

તેને જાણે કે ટાઢક વળી : ‘તો તો તમારે સરકારની જાહેરાતને આવકારવી જોઈએ. દેશમાં પહેલી જ વાર કોઈકને સવર્ણ ગરીબની યાદ તો આવી.’ મેં તેને યાદ અપાવી કે આ જાહેરાત માત્ર સવર્ણ સમાજ માટે નથી. મુસલમાન, ખ્રિસ્તી અને શીખ સમુદાયમાં પણ જે લોકો અનામતની મર્યાદામાં નથી આવતા તે બધા સામાન્યવર્ગના ગરીબોને આ લાભની મર્યાદામાં લાવવામાં આવશે અને આવી જાહેરાત કાંઈ પહેલી વાર નથી થઈ. આજથી ૨૭ વર્ષ પહેલાં નરસિંહ રાવની કોંગ્રેસ સરકારે આર્થિક રીતે પછાત એવા સામાન્યવર્ગનાં લોકો માટે ૧૦ ટકા અનામતના આદેશ બહાર પાડયા હતા. તે આદેશનું એ જ થયું હતું કે જે આ આદેશનું થશે.  નરસિંહ રાવ સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. ૧૯૯૨ના પોતાના ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટની નવ ન્યાયમૂર્તિની બેન્ચે બે મુદ્દા આધારે સરકારના આદેશને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. પ્રથમ તો એ કારણસર કે આપણાં બંધારણમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો માટે અનામતની વ્યવસ્થા છે. માત્ર આર્થિક આધારે અનામતની જોગવાઈ કરવી બંધારણની જોગવાઈ અને અનામતની ભાવનાથી વિપરીત છે. બીજું આર્થિક આધારે ૧૦ ટકા અનામત આપવાથી કુલ અનામત ૫૯ ટકા થઈ જશે, કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી થયેલી ૫૦ ટકાની મર્યાદાથી બહાર હશે. જે વાંધો ત્યારે માન્ય થયો તે વાંધો આજે પણ માન્ય ઠરશે, ‘પરંતુ આ વખતે તો સરકાર બંધારણમાં ફેરફાર કરવા જઈ રહી છે. પછી તો સુપ્રીમ કોર્ટને માનવું જ પડશે.’ તેણે મોટી આશા સાથે કહ્યું. મેં તેને સમજાવ્યું કે બંધારણીય સુધારો ખૂબ જ પેચીદો અને લાંબો મામલો છે. પ્રથમ તો લોકસભા અને રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતી જોઈએ અને પછી રાજ્યોની વિધાનસભાઓ પાસે તે બંધારણીય સુધારો પસાર કરાવવાનો રહે. આ સંશોધન થઈ જાય તો પણ સુપ્રીમ કોર્ટ તેને ફગાવી શકે છે, કદાચ ફગાવશે પણ.

પરંતુ અસલી હકીકત આ નથી. માની લો કે સુધારો થઈ જાય, માની લો કે સુપ્રીમ કોર્ટ સ્વીકાર પણ કરી લે તો પણ અનામતની આ વ્યવસ્થાથી સામાન્ય વર્ગના સાચા ગરીબોને કોઈ લાભ નહીં થાય. સરકારે આ અનામત માટે ગરીબની વ્યાખ્યા અબજ ઘડી નાખી છે. આવકવેરામાં જે આઠ લાખ સુધીની આવક ધરાવે કે જેની પાસે પાંચ એકર સુધીની જમીન હોય કે મોટું મકાન હોય તે બધાને ગરીબ માનવામાં આવશે. અર્થાત્ દર મહિને એક લાખથી વધુ આવક ધરાવનારા કે ખૂબ મોટા ખેડૂતો અને વેપારીઓને બાદ કરતાં લગભગ તમામ સામાન્ય વર્ગનાં લોકોને અનામત માટે હકદાર માનવામાં આવશે. મજૂર કે રિક્ષાવાળાના પુત્રને વકીલ કે અધ્યાપકના બાળક સાથે આ ૧૦ ટકા અનામત માટે મુકાબલો કરવો પડશે. આમેય જે ગરીબ છે તેવા સામાન્ય વર્ગ માટે ૫૧ ટકા બેઠકો ખુલ્લી છે, તેમાંથી એક મોટો ભાગ તો તે ગરીબ સામાન્ય વર્ગને મળી જ રહ્યો હશે. જેમને અનામત વિના જ આજે ૨૦થી ૩૦ ટકા નોકરીઓ મળી રહી છે તેમને ૧૦ ટકા અનામત આપવાથી શું મળશે? અનામત કાગળ પર રહેશે, પરંતુ પહેલેથી બેઠકો ભરાઈ જશે અને એક પણ વ્યક્તિને નોકરી આપવાની આવશ્યકતા નહીં રહે.

હવે તેના ચહેરા પર નિરાશા હતી, તેણે કહ્યું કે, ‘આ બધું તો સરકાર પણ જાણતી હશે, તો પછી સરકારે આ જાહેરાત શા માટે કરી રહી છે?’ જવાબ તેને પણ ખબર હતો અને મને પણ. ભાજપ સરકાર આજે એ જ તિકડમ ખેલવા જઈ રહી છે જેને પાંચ વર્ષ પહેલાં મનમોહનસિંહ સરકારે જાટ અનામત મુદ્દે ખેલી હતી, તે સરકારને ખબર હતી કે જાટોને કાયદેસર રીતે અનામત આપવી સંભવ નથી, તેમ છતાં ચૂંટણીથી કેટલાક મહિના પહેલાં તે સરકારે જાટ અનામતની જાહેરાત કરી દીધી હતી. ભાજપે પણ સમર્થન આપ્યું હતું, બંને જાણતા હતા કે સુપ્રીમ કોર્ટ તો જોગવાઈ રદ કરવાની જ છે પરંતુ તે તો ચૂંટણી પછી જોયું જશે. એ જ થયું. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પછી જાટ અનામતને ફગાવી દીધી હતી અને જનતાએ કોંગ્રેસને પણ ફગાવી દીધી હતી. આ વખતે પણ તે ખેલ જ ચાલી રહ્યો છે. ભાજપને ચૂંટણીમાં પરાજય દેખાઈ રહ્યો છે, હવે તે જાણીબૂજીને આવી દરખાસ્ત લાવી છે કે જેનાથી કોઈને કાંઈ મળવાનું નથી પણ ચૂંટણી વખતે બસ આ મુદ્દો ધ્યાન ખેંચતો રહેશે. કોંગ્રેસ પણ ખેલ કરી રહી છે કે અમે વિરોધ નોંધાવીને ખરાબ શા માટે કહેવાઈએ. તેથી સમર્થન કરી રહી છે.

‘અર્થાત્ સરકાર આપણને માત્ર લોલીપોપ આપી રહી છે.’ ના, મેં કહ્યું. સરકાર લોલીપોપ પણ નથી આપી રહી, તે આપણા ખિસ્સામાં પડેલી બે લોલીપોપ પૈકીની એક લોલીપોપ કાઢીને આપણા હાથમાં મૂકી રહી છે અને કહી રહી છે કે તાલી વગાડો. ‘તો પછી કરવું શું જોઈએ અંકલ?’ હવે તેની નિરાશા ખીજમાં બદલાઈ રહી હતી. મેં વાત સમેટતાં કહ્યું કે, ‘સમસ્યા અનામતની નથી, રોજગારની છે. નોકરી નહીં હોય તો અનામત આપવા કે ના આપવાથી શું ફરક પડશે? અસલી સમાધાન છે રોજગારની તક ઊભી કરવી. કેન્દ્ર સરકાર પાસે આજે ચાર લાખથી વધુ પદસ્થાન ખાલી પડેલાં છે. રાજ્ય સરકારો ૨૦ લાખ ખાલી પદસ્થાન ધરાવે છે. નાણાં બચાવવા સરકાર આ પદસ્થાન ભરી નથી રહી. ખાનગી સેક્ટરમાં નોકરીની તક ઘટી રહી છે. ગયા વર્ષે એક કરોડથી વધુ નોકરીની તકો ઘટી હતી. ભાજપ સરકાર જો ગંભીર હોય તો સરકારમાં ખાલી પડેલાં પદસ્થાન ભરવાનાં આદેશ કેમ નથી કરતી? અને જો કોંગ્રેસ ગંભીર હોય તો પોતાની સરકારો દ્વારા રોજગારી કેમ નથી અપાવતી?’

તે પછી અમારા બંનેનાં મુખેથી એક સાથે નીકળ્યું, ‘અર્થાત્ જુમલો નહીં જોબ જોઈએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન