રિઝર્વ બેન્કની જાહેરાતે બેન્કિંગ શેરોમાં જોવાયેલી તેજી - Sandesh
  • Home
  • Business
  • રિઝર્વ બેન્કની જાહેરાતે બેન્કિંગ શેરોમાં જોવાયેલી તેજી

રિઝર્વ બેન્કની જાહેરાતે બેન્કિંગ શેરોમાં જોવાયેલી તેજી

 | 3:03 am IST

। મુંબઈ ।

કેન્દ્ર સરકારને રૂ.૫૦,૦૦૦ કરોડની સરપ્લસ રકમ ટ્રાન્સફર કરવાની રિઝર્વ બેન્કની જાહેરાતને પગલે ગુરુવારે શેરબજારમાં બેન્કિંગ શેર્સમાં ઉછાળો જોવાયો હતો અને તેને પરિણામે સેન્સેક્સ તથા નિફ્ટી નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. બેન્કિંગ શેર્સની આગેવાનીએ સેન્સેક્સે ૩૮,૦૦૦ પોઇન્ટની ઐતિહાસિક સપાટી કુદાવી હતી. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૩ ટકા વધ્યો હતો. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૩૬.૮૧ પોઇન્ટ વધી ૩૮,૦૨૪.૩૭ અને નિફ્ટી ૨૦.૭૦ પોઇન્ટ વધી ૧૧,૪૭૦.૭૦ પોઇન્ટ ઉપર બંધ થયાં હતાં.

એચપીસીએલ, બીપીસીએલ, આઇઓસી, એક્સિસબેન્ક, હિંદાલ્કો, એસબીઆઈ અને વેદાંત વધ્યા હતા જ્યારે લૂપિન, ડો.રેડ્ડીઝ લેબ, ટાઇટન, અશોક લેલેન્ડ અને એનએમડીસી ઘટયા હતા. સિપ્લાનો શેર ૨૦૧૭ના નવેમ્બર બાદ સૌપ્રથમવાર રૂ.૬૬૨.૫૦ની સપાટીને સ્પર્શ્યો હતો. જોકે પાછળથી રૂ.૧૩.૪૦ ઘટી રૂ.૬૧૯.૧૫ થયો હતો. કંપનીએ જૂનના ત્રિમાસિક ગાળામાં રૂ.૪૫૨ કરોડનો નફો કર્યો હતો. બજાજ ઇલેક્ટ્રિકલ્સના પ્રોત્સાહક પરિણામે શેર રૂ.૩.૫૦ વધી રૂ.૬૨૭.૪૫ થયો હતો. કંપનીએ રૂ.૪૦.૫૩ કરોડનો નફો કર્યો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૨૦.૫ કરોડ હતો. જૂનના પરિણામ બાદ પેજ ઇન્ડસ્ટ્રીઝનો શેર ૭.૨૦ ટકા વધી રૂ.૩૨,૪૦૪.૧૫ થયો હતો. કંપનીએ રૂ.૧૨૪ કરોડનો નફો કર્યો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૮૫.૩ કરોડ હતો.આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર ૮ ટકા વધી છ મહિનાની સર્વોચ્ચ સપાટીએ (રૂ.૩૪૫.૫૦) પહોંચ્યો હતો. જોકે, પાછળથી રૂ.૧૪.૩૦ના વધારા સાથે રૂ.૩૩૩ ઉપર બંધ થયો હતો. સૂર્યા રોશનીને રૂ.૧૧૫.૩૬ કરોડનો ઓર્ડર મળ્યો હતો. આથી, શેરનો ભાવ રૂ.૪.૬૫ વધી રૂ.૩૫૫.૮૫ થયો હતો. આર કોમના શેરમાં સતત આઠમા સત્રમાં વધારો થયો હતો. શેરનો ભાવ ૮.૯૭ ટકા વધી રૂ.૨૦.૦૫ થયો હતો.

એપાર ઇન્ડસ્ટ્રીઝે જૂનમાં રૂ.૨૯ કરોડનો નફો કર્યો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૩૮.૯૬ કરોડ હતો. શેરનો ભાવ રૂ.૧૭ ઘટી રૂ.૫૮૭.૫૦ થયો હતો.  વરુણ બેવરેજિસનો ચોખ્ખો નફો રૂ.૩૦૭ કરોડ થયો હતો જે ગયા વર્ષે રૂ.૨૪૬ કરોડ હતો. શેરનો ભાવ ૧.૯૫ ટકા ઘટી રૂ.૭૪૭.૮૫ થયો હતો. એમ્ફેસિસનો શેર ૦.૧૦ ટકા વધી રૂ.૧૧૫૦.૭૦ થયો હતો. નેશનલ એલ્યુમિનિયમનો શેર ૭.૨૦ ટકા વધી રૂ.૭૨.૨૫ થયો હતો. જૂનના ત્રિમાસિક ગાળામાં નફો પાંચ ગણો થયો હોવાનું કંપનીએ જણાવ્યું હતું. આજે એક જ દિવસમાં ૧.૪૨ કરોડના શેર્સનું કામકાજ થયું હતું. જિયો ઇકો પ્રોડક્ટ્સનો શેર ૭ ટકા વધ્યો હતો. કંપનીએ જૂનમાં રૂ.૫.૨૯ કરોડનો નફો કર્યો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૪.૫૩ કરોડ હતો. કંપનીને રૂ.૧,૫૨૩ કરોડનાં ચાર ઓર્ડર મળ્યાના અહેવાલે જે કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સનો શેર ૩.૨૬ ટકા વધી રૂ.૨૩૫.૯૦ થયો હતો. કંપનીએ જૂનના ત્રિમાસિક ગાળામાં રૂ.૪૦.૧૮ કરોડનો નફો કર્યો હતો જે ગયા વર્ષની સરખામણીમાં ૫૫.૮ ટકા વધારો દર્શાવે છે. ફિલિપીન્સની અ. પી. કાર્ગોના મોટા ઓર્ડરને પરિણામે રામકો સિસ્ટમ્સનો શેર ૧.૩૪ ટકા વધી રૂ.૩૮૨.૬૫ થયો હતો.

ક્રૂડતેલનો ભાવ ઘટતાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં સુધારો  

ક્રૂડતેલના ભાવમાં ૩ ટકાના ઘટાડા બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીના શેર્સ વધ્યા હતા. હિંદુસ્તાન પેટ્રોલિયમ ૨.૫, ઈન્ડિયન ઓઇલ ૧.૭ અને ભારત પેટ્રોલિયમમાં ૧.૭ ટકા વધ્યા હતા. ચીનના માલસામાન ઉપર ૨૩ ઓગસ્ટથી ૨૫ ટકા ટેરિફ અમલી બનાવવાના અમેરિકાના નિર્ણય સામે ચીને પણ વળતી ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આથી, ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થયો હતો.

મધ્યમ કદની બેન્કેના શેર્સ વધ્યા 

ઇન્ડિયન બેન્ક ૪.૧, ઈન્ડિયન ઓવરસિસ બેન્ક ૭, દેના બેન્ક ૩.૭, કોર્પોરેશન બેન્ક ૩.૫, યુકો બેન્ક ૩.૧, વિજ્યા બેન્ક ૧.૯, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૩, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૪ અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ૧.૫ ટકા વધ્યા હતા.

;