રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ  આઈએલ & એફએસની લોનને એનપીએ તરીકે ગણવા બધી બેન્કોને જણાવ્યું - Sandesh
  • Home
  • Business
  • રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ  આઈએલ & એફએસની લોનને એનપીએ તરીકે ગણવા બધી બેન્કોને જણાવ્યું

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ  આઈએલ & એફએસની લોનને એનપીએ તરીકે ગણવા બધી બેન્કોને જણાવ્યું

 | 12:14 am IST

। મુંબઈ ।

સમસ્યાગ્રસ્ત આઇએલ એન્ડ એફએસની લોનને એનપીએ (નોન પર્ફોમિંગ એસેટ્સ) તરીકે ગણવા રિઝર્વ બેન્કે બેન્કોને જણાવ્યું છે. તેમની લોન બદલ આઇએલ એન્ડ એફએસ ગ્રૂપ માટે છ મહિના સુધી યથાવત્ વ્યવસ્થા રાખવા દેવા અમુક બેન્કો દ્વારા કરાયેલી વિનંતીને માન્ય રાખવાનો રિઝર્વ બેન્કે ઇનકાર કર્યો છે.

રિઝર્વ બેન્કના આ નિર્ણયથી કોઈ મોટું આશ્ચર્ય સર્જાયું ન હતું. આ નિર્ણયનો અર્થ એ કે બેન્કોએ લોનને એનપીએ ગણી વધારાની મૂડી જોગવાઈ રૂપે બાજુએ રાખવાની રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કે આઇએલ એન્ડ એફએસને આપેલી લોનને ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં એનપીએ તરીકે ગણવા બેન્કોને જણાવ્યું હતું. ૨૦૧૯ના નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના એકાઉન્ટ વહેલા બંધ કરવા ઇચ્છતી બેન્કો દ્વારા આવી વ્યવસ્થા ઇચ્છવામાં આવી હતી. તેમની વિનંતી સ્વીકારવામાં આવી હોત તો તેઓ મોટી રકમની જોગવાઈમાંથી બચી જશે અને બેલેન્સશીટને બચાવી શકશે, એમ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું.  કેસ સબજ્યુડિસ હોવાથી લેણી નીકળતી રકમ સંદર્ભે પગલાં લેવા બેન્કો ઉપર એનસીએલએટીએ મનાઈ ફરમાવી હતી. આઇએલ એન્ડ એફએસ ગ્રૂપ એક વ્યક્તિગત એકાઉન્ટનો કેસ છે અને ગ્રૂપની કંપનીઓ દ્વારા બીજા ત્રિમાસિક ગાળામાં ડિફોલ્ટ થવાના સૂચિતાર્થ ખૂબ ગંભીર હતા.  આઇએલ એન્ડ એફએસ ગ્રૂપના માથે રૂ. ૯૧,૦૦૦ કરોડનું કરજ છે. આ રકમ પૈકી રૂ.૫૦,૦૦૦ કરોડની રકમ બેન્કોની લોન રૂપે છે. ગ્રૂપની કંપનીઓ દ્વારા ઘણીવાર ડિફોલ્ટ થવાને પરિણામે સરકારને મેનેજમેન્ટ બદલવાની ફરજ પડી હતી અને હવે કરજ ચૂકતે કરવા માટે ગ્રૂપ દ્વારા અસ્ક્યામતો વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  સરકારે ઓક્ટોબરમાં આઇએલ એન્ડ એફએસ ઉપર અંકુશ મેળવ્યો હતો. એલઆઇસી અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની સરકાર હસ્તકની કંપનીઓ આઇએલ એન્ડ એફએસમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે જાપાનની ઓરિક્સ કોર્પોરેશન ૨૩ ટકા, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ૧૨ ટકા હિસ્સો ધરાવે છે. આઇએલ એન્ડ એફએસને લોન આપનારી બેન્કોમાં એસબીઆઈ ઉપરાંત બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;