અલગતાવાદીઓનાં બંધનાં એલાનને પગલે કાશ્મીરમાં લદાયાં નિયંત્રણો - Sandesh
  • Home
  • India
  • અલગતાવાદીઓનાં બંધનાં એલાનને પગલે કાશ્મીરમાં લદાયાં નિયંત્રણો

અલગતાવાદીઓનાં બંધનાં એલાનને પગલે કાશ્મીરમાં લદાયાં નિયંત્રણો

 | 11:18 pm IST

પ્રશાસને સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુની મૃત્યુતિથિ પર અલગતાવાદીઓએ વિરોધપ્રદર્શન કરવા માટે કરેલાં એલાનને પગલે શુક્રવારે શ્રીનગર અને કાશ્મીર ઘાટીના વિસ્તારોમાં વિવિધ નિયંત્રણો લદાયાં છે. અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના દિવસે દિલ્હીની તિહાર જેલમાં ફાંસી અપાઈ હતી.

અલગતાવાદીઓએ અફઝલના મૃત્યુદિન અને તેના અવશેષો પરિવારને સોંપવાની માગણી કરવા સાથે વિરોધપ્રદર્શન યોજવા એલાન કર્યું છે. યાદ રહે કે અફઝલને જેલ પરિસરમાં જ દફનાવી દેવાયો હતો. અલગતાવાદી નેતાઓ સૈયદઅલી ગિલાની, મિરવાઇઝ ઉમર ફારૂક અને યાસીન મલિક ગુરુ અને 11 ફેબ્રુઆરી 1984ના દિવસે ફાંસીની સજા પામેલા અન્ય અલગતાવાદી નેતા મોહંમદ મકબુલ બટના મૃત્યુદિને વિરોધપ્રદર્શનનું એલાન કર્યું હતું.

પોલીસઅધિકારીના જણાવ્યા પ્રમાણે આ નિયંત્રણો શ્રીનગર અને ઉત્તર કાશ્મીરના સાપોર ગામમાં કલમ 144 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી લાગુ કરવામાં આવ્યાં હતાં. જ્યાં નિયંત્રણો લાદવામાં આવ્યાં ન હતાં ત્યાં પણ દુકાનો અને વ્યાપારી સંસ્થાનો બંધ રહ્યાં હતાં, જ્યારે ટ્રાફિક પાંખો રહ્યો હતો. પોલીસ અને સીઆરપીએફની ટુકડીઓ ખડકી દેવામાં આવી હતી. રસ્તા પર અવરોધક લગાવી દેવાયા હતા જેથી નિયંત્રણવાળા વિસ્તારમાં લોકોની હિલચાલ સીમિત રહે.

પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રીનગર વિસ્તારમાં મૈસૂમા અને ઉત્તર તેમજ દક્ષિણ કાશ્મીરના કેટલાક વિસ્તારમાં નિયંત્રણ લદાયાં હતાં. અલગતાવાદી નેતા સૈયદઅલી ગિલાની, મીરવાઇઝ ઉમર ફારૂક નજરબંધ છે, જ્યારે મોહંમદ યાસીન મલિક સેન્ટ્રલ જેલમાં છે.

સૈયદ સલાઉદ્દીનનાં નેતૃત્વમાં યુનાઇટેડ જેહાદ કાઉન્સિલ(યુજેસી)એ આ વિરોધપ્રદર્શનને સમર્થન આપ્યું છે. અર્ધસૈનિક કેન્દ્રીય રિઝર્વ પોલીસદળની ટુકડીઓે નિયંત્રણવાળા આ વિસ્તારોમાં તહેનાત કરાઈ હતી.

બારામૂલાથી બનિહાલની ટ્રેનસેવા બંધ કરાઈ
સુરક્ષાને ધ્યાનમાં લઈને ઉત્તર કાશ્મીરના બારામૂલાથી જમ્મુના બનિહાલની વચ્ચે રેલસેવા બંધ કરાઈ છે.