Results of AMC elections today: Will BJP win or will Congress return to power?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • AMCની ચૂંટણીમાં આજે પરિણામો : ભાજપનો જીતનો ચોક્કો વાગશે કે કોંગ્રેસ સત્તાવાપસી કરશે ?

AMCની ચૂંટણીમાં આજે પરિણામો : ભાજપનો જીતનો ચોક્કો વાગશે કે કોંગ્રેસ સત્તાવાપસી કરશે ?

 | 6:46 am IST
  • Share

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ગત રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ ૪૨.૫૧ ટકા મતદાન થયું હતુ. આવતીકાલે મંગળવારે શહેરની ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનીયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે. ભાજપ ફરી સતત ચોથી ટર્મ જીતીને જીતનો ચોક્કો મારશે કે પછી કોંગ્રેસ ૧૫ વર્ષના વનવાસ બાદ ફરી સત્તામાં વાપસી કરશે તેની ઉપર સૌની નજર રહેશે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૮ વોર્ડની ૧૯૧ બેઠક ઉપર ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપના ૧૯૧, કોંગ્રેસના ૧૮૮ અને અન્ય પાર્ટીના ઉમેદવારો મળીને કુલ ૭૭૩ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, ગત ૨૦૧૫ની અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૬.૫૧ ટકા મતદાન થયું હતુ પછી ૨૦૨૧ની ચૂંટણીમાં ચાર ટકા ઘટાડા સાથે ૪૨.૫૧ ટકા મતદાન થયું છે જેના કારણે નવાજુની થવાની ચર્ચા છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ઓછા મતદાનની પરંપરા રહી છે. ૨૦૦૦ની સાલમાં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ૩૭ ટકા મતદાન થયું હતે તે વેળાએ કોંગ્રેસ સત્તા ઉપર આવી હતી પછી અમદાવાદ મ્યુનિ.ની ૨૦૦૫ની ચૂંટણીમાં ૩૦.૩૯  ટકા મતદાન નોંધાયું હતુ અને ભાજપે સત્તા હાંસલ કરી હતી પછી ૨૦૧૦ની ચૂંટણીમાં ૪૪.૧૨ ટકા મતદાન થયું હતુ અને ફરી ભાજપે સત્તા હાંસલ કરી હતી પછી ૨૦૧૫ની ચૂંટણીમાં મતદાનમાં આશ્ચર્યજનક વધારો થયો હતો તે વેળાએ પણ ભાજપને સત્તા મળી હતી. આ વખતે ૨૦૨૧ની અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૨.૫૧ ટકા મતદાન થયું છે જે ગત ચૂંટણીની સરખામણીએ ચાર ટકા ઓછું છે. જોકે, છેલ્લા ૨૦ વર્ષનો ઇતિહાસ જુઓ તો અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ક્યારેય ૫૦ ટકાની આસપાસ પણ મતદાન થયું નથી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી યોજાયા બાદ પહેલીવાર બે દિવસ બાદ પરિણામ જાહેર થઇ રહ્યાં છે. આવતીકાલે ગુજરાત કોલેજ અને એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી યોજાશે જેમાં ૧૬ ચૂંટણી અધિકારી, ૧૬ મદદનીશ ચૂંટણી અધિકારી મળી કુલ ૨૭૧૦નો સ્ટાફ મતગણતરીમાં ઉપસ્થિત રહેશે. પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે પછી ઇવીએમના વોટનું કાઉન્ટિંગ થશે જેના કારણે પરિણામ આવવામાં મોડી સાંજ સુધીનો સમય લાગી શકે છે.

૫૦ % અનામત છતાંયે અમદાવાદમાં ૬૨% મહિલાઓએ વોટ આપવાનું ટાળ્યું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામત સાથે બીજી વખત ચૂંટણી યોજાઈ રહી છે. જો કે તાજ્જુબની વાત તો એ છે કે, છ કોર્પોરેશનમાં ૫૪.૦૬ લાખમાંથી ૨૩ લાખ મહિલાઓ જ વોટ આપવા બહાર નિકળી છે. અમદાવાદ જેવા કોસ્મોપોલિટન શહેરમાં તો ૬૨ ટકા એટલે કે ૨૨.૧૦ લાખમાંથી ૧૩.૫૧ લાખ મહિલા મતદારોએ મત આપવાનું ટાળ્યુ છે. આમ, ૬ કોર્પોરેશનમાં મતાધિકાર ધરાવતા ૧ કરોડ ૧૪ લાખમાંથી ૬૧ લાખ ૮૩ હજાર ૪૫૮ નાગરીકોએ ઈફસ્થી અંતર રાખ્યુ છે, મત આપ્યો નથી.

એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કયા વોર્ડની મતગણતરી

સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, સરસપુર-રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ-હાથિજણ, બહેરામપુર, લાંભા, વટવા, સૈજપુર-બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, થલતેજ, મક્તમપુરા, બોડકદેવ, પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા, જમાલપુર.

ગુજરાત કોલેજ ખાતે કયા વોર્ડની મતગણતરી

દાણીલીમડા, મણિનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર, ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર, જોધપુર, વેજલપુર, સરખેજ, નવાવાડજ, નારણપુરા, સ્ટેડિયમ, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, નિકોલ, વિરાટનગર, ઓઢવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન